નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Paper Bag Day 2023: આજના સમયે આપણે પ્લાસ્ટિકના એટલા આદિ થઈ ગયા છે કે, પ્લાસ્ટિકના કારણે પૃથ્વી પર કેટલું પ્રદૂષણ ફેલાય છે, પ્લાસ્ટિક પર્યાવરણ માટે તો નુકસાનકારક છે જ પરંતુ સાથે જ આપના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. છતાં પણ અપપ્ને તેઓ વપરાશ ટાળી નથી શકતા. સરકાર દ્વારા અમુક પ્રકારના પ્લાસ્ટિક પર પ્રતિબંધ (Plastic Bag Ban) પણ લગાવવામાં આવ્યો છે, પરંતુ આપણે તે બધાની અવગણના કરીને પ્લાસ્ટિકનો રોજિંદા જીવનમાં વપરાશ ચાલુ રાખીએ છીએ. ત્યારે ખાસ જરુર ઊભી થાય છે પેપર બેગની જાગૃતતાની. જે કારણોસર 12 જુલાઈને પેપર બેગ ડે (Paper Bag Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ લોકોને પ્લાસ્ટિકની થેલીઓથી પર્યાવરણને (Environment) થતા નુકસાન વિશે જણાવવાનો અને તેને રોકવાના પ્રયાસો પર કામ કરવાનો છે.
પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક છે અને કાગળની થેલીઓ સંપૂર્ણપણે સલામત છે. હાલ વરસાદની સિઝન ચાલી રહી છે. એમાંય આપણી સરકાર તો એટલી એડવાન્સ કે પ્રિમોન્સુન કામગીરીના બણગા ફુકવાનું ચુકે નહીં. એવું નથી કે પ્રિમોન્સુનની કામગીરી નથી કરવામાં આવતી, પણ આ તો સામાન્ય વરસાદ સરકારથી ચડિયાતો છે કે જે વરસાદી સિઝનમાં અનેક જગ્યાએ ગટર વ્યવસ્થા ખોરવી કાઢીને શહેરી વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી કરીને પોલ ખોલી કાઢે છે. ભલે બીજી બધી કામગીરીમાં સરકારને બાનમાં લેવાતી હોય કે કામગીરી પર સવાલો ઉભા થતા હોય, પરંતુ જ્યારે પ્લાસ્ટિકની થેલીઓથી શહેરોની ગટરોમાંથી ઉભરાય છે, ડ્રેનેજ સિસ્ટમ બ્લોક થઈ જાય છે. ત્યારે જવાબદારીના ભાગીદાર આપણે પણ છીએ એ આપણે ભૂલી જઈએ છીએ.
પ્લાસ્ટિકના કારણે કેટલો મોટો ખતરો પર્યાવરણ પર મંડરાઈ રહ્યો છે, તેના અભ્યાસ બાદ તેના વપરાશના કાયદા નિયમો બનાવવામાં આવ્યા છે. એ અલગ વાત છે કે, અમલ થતો નથી અને થાય છે તો મોડો થાય છે. બાંગ્લાદેશ પ્રથમ એવો દેશ છે કે જ્યાં 2002માં પહેલીવાર પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મુકાયો હતો. જે બાદ દક્ષિણ આફ્રિકા, રવાન્ડા, ચીન, ઓસ્ટ્રેલિયા અને ઈટલીએ પણ તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો. વાત ભારત દેશની કરવામાં આવે તો જુલાઈ 2022થી ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે મોટા અને સંગઠિત છૂટક બજારમાં કાગળની થેલીઓનો ઉપયોગ થવા લાગ્યો છે, પરંતુ હજુ પણ અસંગઠિત વર્ગમાં પ્લાસ્ટિકની થેલીઓ વિશે કોઈ જાગૃતિ નથી આવી. હવે જ્યારે પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મુકાયો એટલે જગૃત લોકો વિકલ્પ તરીકે પેપર બેગનો ઉપયોગ કરતા થયા અને આમ પેપર બેગની ડિમાન્ડ વધવા લાગી છે.
આજે જ્યારે પેપર બેગ ડે છે, ત્યારે જાણી લઈએ પેપર બેગ બનાવવા માટેના મશીનની શોધ કોણે કરી ? 1852માં, ફ્રાન્સિસ વોલ નામના અમેરિકન સંશોધકે વિશ્વમાં પ્રથમ વખત પેપર બેગ મશીન બનાવ્યું હતું. ત્યાર બાદ, 1871માં, માર્ગારેટ ઇ. નાઈટે અન્ય મશીન વિકસાવ્યું જેમાં ફ્લેટ બોટમ પેપર બેગનું ઉત્પાદન કરવામાં આવતુ હતું. અહીં રસપ્રદ વાત એ કે તે સમયે તેનું નામ કરિયાણાની થેલીઓની માતા તરીકે પ્રચલિત થયું હતું. તેમના દ્વારા બનાવેલી કાગળની થેલીઓનો ધુમ વપરાશ થવા લાગ્યો. ત્યાર પછીના વર્ષોમાં, ચાર્લ્સ સ્ટિલવેલ ચાર્લ્સ, સ્ટીલવેલ અને વાલ્ટર ડ્યુબનેર જેવા ઘણા સંશોધકોએ પેપર બેગની નવી-નવી ડિઝાઇન દુનિયાને આપી અને આ જ છે પેપર બેગનો ઈતિહાસ. ત્યારે પ્લાસ્ટિકના વપરાશથી નુકસાન શું છે અને પેપર બેગના ફાયદા શું છે એ પણ જાણી લઈએ…..
પ્લાસ્ટિકની થેલીઓથી ગંદકી વધે છે, કારણ કે તે લાંબા સમય સુધી નષ્ટ નથી થતી. જેના કારણે માટી-જમીનને મહત્તમ નુકસાન પહોંચે છે. પ્લાસ્ટિકની બેગમાં રાખેલો કોઈપણ જાતનો ખોરાક વહેલી તકે બગડી જાય છે. આટલું જ નહીં પ્લાસ્ટિકની બોટલમાં ભરેલા પાણીની ગુણવત્તા પણ ઓછી થઈ જાય છે. તેમ છતા તેના બહોળા વપરાશના કારણે પ્લાસ્ટિકનું કુલ વૈશ્વિક ઉત્પાદન 9 અબજ ટનથી ઉપર પહોંચી ગયું છે, જેનો અર્થ છે કે હાલમાં પૃથ્વી પરના દરેક વ્યક્તિ માટે 1 ટનથી વધુ પ્લાસ્ટિક બનાવવામાં આવ્યું છે. એક અભ્યાસમાં એ પણ સામે આવ્યું કે પૃથ્વી પર પ્લાસ્ટિકનું કુલ વજન મનુષ્ય અને પ્રાણીઓના સંયુક્ત વજન કરતાં બમણું થઈ ગયું છે અને જો આ દર ચાલુ રહેશે તો છેલ્લા 100 વર્ષમાં જેટલું પ્લાસ્ટિકનું ઉત્પાદન એક દાયકામાં થતું હતું. તે 2060 સુધીમાં ત્રણ ગણું થઈ જશે.
તેની સામે જો વાત કરવામાં આવે પેપર બેગના ફાયદાની તો પેપર બેગ બાયોડિગ્રેડેબલ છે. મતલબ કે બગડ્યા પછી, તે પ્લાસ્ટિકની થેલીઓની જેમ લેન્ડફિલમાં જતી નથી, પરંતુ બગડી જાય છે અને સંપૂર્ણપણે જમીનનો એક ભાગ બની જાય છે. ઉપરાંત કાગળની થેલીઓમાંથી ખૂબ સારી ગુણવત્તાવાળું ખાતર બનાવી શકાય છે. તેમાં રાખવામાં આવેલો ખોરાક અને કરિયાણું તાજું રહે છે. રિસાયક્લિંગ પણ કરી શકાય છે જે પ્લાસ્ટીક બેગ જેવું હાનિકારક પણ નથી. એટલુ જ નહીં ફળોને પાકવવા, ઘરની બારી કે ગાડીના કાચની સફાઈ માટે પેપર બેગ ઉપયોગમાં લઈ શકાય છે. પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાની સરખામણીમાં કાગળની થેલીઓ બનાવવામાં ઓછી ઉર્જાનો વપરાશ થાય છે. કાગળની થેલીઓથી પાલતુ અને વન્ય પ્રાણીઓને પણ નુકસાન પહોંચતું નથી. ઓવરઓલ કાગળની થેલીઓના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણને કાબુમાં લઈ શકાય છે.
હવે તો તમે સમજી જ ગયા હશો કે પેપર બેગ એટલે કે કાગળની થેલીઓના ઉપયોગના કારણે પર્યાવરણને અને સ્વાસ્થ્યને કેવી રીતે બચાવી શકાય. તો આજના આ પેપર બેગ દિવસ નિમિત્તે શક્ય એટલો પ્લાસ્ટિક બેગનો વપરાશ ટાળીને પેપર બેગનો ઉપયોગ કરીને પર્યાવરણને પ્રદુષણ મુક્ત બનાવવાના પ્રયાસમાં જોડાઈએ.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








