કિરણ કાપુરે – નવજીવન : યુદ્ધના કારણે જગતનું આર્થિક તંત્ર ડામાડોળ થઈ ચૂક્યું છે. વિશ્વભરમાં યુદ્ધના કારણે જે કટોકટી આવી છે તેનું એક કારણ માણસની લાલસા છે અને તે લાલસા વિશે લેખક વિઠ્ઠલદાસ બોદાણી (Vitthaldas Bodani Author) એ ‘અર્થકારણ સમૂળી ક્રાન્તિ’ નામની 48 પાનાંની પુસ્તિકા લખી છે. આજનું વિશ્વ આ રીતે કેમ પોતે જ નિર્માણ કરેલા અર્થતંત્રમાં ફસાય છે અને તેમાંથી નીકળતા હવે દેશના વિકસિત દેશો પણ કેમ ફાંફા મારી રહ્યા છે – તેનો જવાબ આ પુસ્તિકામાં મળે છે. તેમાં શરૂઆતના પાનાં પર વિઠ્ઠલદાસ ગાંધીજીના સહસાધકોમાંથી એક અર્થશાસ્ત્રી જે. સી. કુમારપ્પાના શબ્દો ટાંકે છે. તે શબ્દો છે : ‘આજની અર્થરચના સસ્તો માલ વાપરવાનો, ઉત્પાનમાં સમય કેમ ઓછો જાય અને મહેનત કેમ ઓછી કરવી પડે તેનો વિચાર કરે છે. આજની અર્થરચનાનો મૂળ હેતુ વસ્તુની આપ-લે અને નફાનો છે. આજની અર્થરચના કાયદાની પોથીની લોકશાહીના સ્વરૂપ સાથે મેળ ખાય એવી છે. તે કેવળ ભૌતિક અને આર્થિક મૂલ્યોનો જ વિચાર કરે છે અને એને આપણા જીવન સાથે અને માનવના ઉત્કર્ષ સાથે લેવાદેવા નથી. એ બહારવટિયા અર્થરચના છે.’ અહીં જે. સી. કુમારપ્પાએ ઉપયોગમાં લીધેલો શબ્દ ‘બહારટિયા અર્થરચના’ કેટલો બંધબેસતો છે. આપણા દેશ અને અમેરિકા વચ્ચે થયેલા વેપારી કરારમાં આ અર્થરચના જોવા મળી. યુદ્ધ દરમિયાન આપણા દેશને અમેરિકાએ મંજૂરી આપી પછી આપણે ક્રૂડ ઓઈલ રશિયા પાસેથી ખરીદી શક્યા હતા. હવે તો જે રીતે કટોકટી ઊભી થઈ છે તે પ્રમાણે તો ઇરાન પાસે પણ આપણે હાંક નાંખવી પડી છે.
‘અર્થકારણમાં સમૂળી ક્રાન્તિ’ પુસ્તક આજથી આઠ દાયકા અગાઉ લખાયેલું છે, તેમ છતાં તેમાં માનવીની લાલાસાને ઉઘાડી પાડીને દાખવી છે અને તે આજે વર્તમાન સમયમાં પણ જોઈ શકાય છે. લેખક લખે છે : ‘અઢળક ધનસંપત્તિ પ્રાપ્ત કરવી અને તેનો સંચય – સંગ્રહ કરવો, અથવા તો સ્વઉપભોગ માટે તેના ઉપર સ્વાયત્ત અધિકાર ટકાવી રાખવાની એષણા હોવી એ પ્રથમ દૃષ્ટિએ એક તદ્દન સ્વાભાવિક જણાતી વૃત્તિ છે. સેંકડો-હજારો વર્ષ થયાં રૂઢ થઈ જવાને કારણે સ્વામિત્વની આ વૃત્તિ સહજ અને સ્વાભાવિક લાગે છે. ખરૂં જોતાં તે અત્યંત બુદ્ધિમાન ગણાતા પ્રાણીની- મનુષ્યની એક નબળાઈ જ છે, એ વિશે શંકા નથી. પોતાને માટે અને દેહસંબંધી પોતાનાં ગણે છે તેટલાં થોડાંના ઉપભોગ માટે ધનનો-ભૌતિક સંપત્તિનો સંચય-સંગ્રહ કરવાની અને વધાર્યે જવાની આ નબળાઈ ‘સ્વાભાવિક’ છે એવો બચાવ કરવાથી આત્મવંચના જ થાય છે, એ પણ વિચારવું ઘટે. બધી દિશામાં ‘પ્રગતિ’ કરી ચૂકેલા મનુષ્ય પ્રાણીની આદિ કાળથી ચાલતી આવતી માલિકીપણાની માનસિક વૃત્તિમાં ધરમૂળથી પરિવર્તન લાવવાની સાચી-ઇષ્ટ પ્રગતિ થઈ નથી. ઊલટાંની અવગતિ થઈ છે અને આ વૃત્તિ વધારે દૃઢ થઈ ઊંડા મૂળ નાખીને સ્થિર થઈ છે.’ આજે પણ દુનિયામાં અમેરિકા અને ઇઝરાયલ જેવા દેશોની મનમાની ચાલે છે. અને આ દેશો વિરુદ્ધ ચીન-રશિયા સિવાય ભાગ્યે જ કોઈ અન્ય દેશોને બોલવું પોસાય છે. અમેરિકા જે કરે છે તે સાચું તેવું ઘણાં દેશોનું વલણ છે. હાલમાં પણ યુદ્ધમાં અમેરિકાના કારણે ખાડી દેશો અંદરોઅંદર લડી રહ્યા છે. આવું ચિત્ર ઊભું થયું તેમાં સૌથી મોટું કારણ ‘ધનનો-ભૌતિક સંપત્તિનો સંગ્રહ-સંચય’ છે.
આ પરિસ્થિતિ ઊભી થઈ છે તેનો ઉકેલ પણ લેખક વિઠ્ઠલદાસ બોદાણી આપતાં લખે છે કે, ‘દીર્ઘકાળથી ચાલતી આવતી મુશ્કેલીઓનું હાર્દ પારખ્યા વિના તેનું બાહ્ય સ્વરૂપ અને પ્રત્યક્ષ દેખાતાં તેનાં લક્ષણો જ માત્ર ધ્યાનમાં લઈ, એ મુશ્કેલી દૂર કરવા સારૂં કાર્ય કરવું – ક્રાન્તિ કરવી એ જ મનુષ્યની સાચી સિદ્ધી છે, અને એ સિદ્ધી પ્રાપ્ત કરવી એ જ મનુષ્યનું એકમાત્ર-અંતિમ ધ્યેય છે – એવો ભ્રામક ખ્યાલ આર્થિક ગરીબાઈ ટાળવા પાછળ રહેલો છે. આ દૃષ્ટિથી શોધાયેલા-વિચારાયેલા રાહત આપનારા કંઈક ‘વાદ’ જગતે આજ સુધીમાં જોયા-જાણ્યા છે. તેનાં દુઃખદ પરિણામો આજે પણ ભોગવી રહ્યું છે. આટલું જોયા-જાણ્યા અને અનુભવ્યા પછી પણ અતિશય રૂઢ થઈ ચૂકેલા અને સર્વવ્યાપક બની ચૂકેલા અર્થવાદને જડમૂળથી ઉખેડી નાખવાનું આધુનિક માનવીને ગળે ઊતરતું નથી. તેનો મોહ છોડી શકાતો નથી. અર્થધન-સંપત્તિની પ્રાપ્તિ, સંચય-સંગ્રહ અને વહેંચણી કરવાની નીતિ જેમની તેમ અપનાવતો આવ્યો છે. તે માટેના સાધનોની પવિત્રતા તરફ ઊલટાની વધુ ને વધુ પ્રમાણમાં ઉદાસીનતા સેવતો રહ્યો છે. આર્થિક ગરીબાઈ ટાળવાનો સાચો ઉપાય સંપત્તિ-સમૃદ્ધિની વહેંચણીનો નથી, પણ ગરીબાઈની વહેંચણી કરવાનો છે. તેથી વિઘાતક હરિફાઈ દૂર થશે. વિશ્વશાંતિ પણ ત્યારે જ સ્થપાશે.’ આપણે ત્યાં અનેક લોભામણી જાહેરાતો થાય છે અને એમ લાગે છે કે શાસકો હવે આર્થિક રીતે નબળા વર્ગની તમામ મુશ્કેલી દૂર કરી દેશે, પરંતુ જમીની સ્તરે તેનો અમલ થતો નથી. હજુય શહેરોના અનેક વિસ્તારો અને અંતરિયાળ વિસ્તારોમાં પણ આર્થિક અસામનતાનું અંતર વ્યાપક જોવા મળે છે.
પ્રજાના હિતમાં માત્ર દાખવવા પૂરતું કાર્ય થાય છે તેને અનુલક્ષીને લેખક લખે છે કે, ‘આજે સહન કરો, આવતી કાલે તમારા માટે સોનાનો સૂરજ ઉગવાનો છે. તમારાં બાળકો માટે આજે તમે ભોગ આપો, આવતી કાલે તેમને માટે પૃથ્વી ઉપર સ્વર્ગ ઊતરવાનું છે. એવી અર્થહિન, પોકળ વચનો અને ડંફાસો દ્વારા મિથ્યા આશાઓ આપી આપી તેમને હથેળીમાં ચાંદ બતાવવાની છેતરપીંડી સતત ચાલુ રહ્યા કરે છે, જગતમાં નંદનવન ઊભું કરી દેવાનો કર્ણપ્રિય વાક્પટુતાનો અને આવતી કાલના રમણીય સ્વપ્નો દેખાડતા લેખિની – વિલાસનો અંત જ આવતો નથી. પંડિતાઈનો ધોધ અસ્ખલિતપણે વહ્યા કરે છે, વધ્યા કરે છે. યોજનાઓનો તો પાર નથી. નવી નવી, નાની-મોટી, ટૂંકા ગાળાની કે લાંબા ગાળાની યોજનાઓ એક પછી એક બહાર પડ્યા જ કરે છે. તેના વિશે વાદવિવાદ ને ચર્ચા-વિવેચન પણ એટલાં જ ચાલ્યા કરે છે. એકેએક યોજનાને ક્રાન્તિકારક ઠરાવવાની- ઠસાવી દેવાના પ્રયાસો પણ એટલા જ થાય છે. એકેએક યોજનાની સફળતા માટે પાદાક્રાન્ત અને કચડતી-ભીંસાતી-ગૂંગળાતી આમજનતાને તેની કિંમત ચૂકવ્યે જવાની સલાહ આપવામાં આવે છે, આગ્રહ કરવામાં આવે છે. તેમાં જ તેમની વફાદારી રહી છે અને તે જ તેમનો ધર્મ છે એવો સૂફિયાણો બોધ આપવામાં આવે છે. ક્રાન્તિની જેમ આ યોજનાઓની પણ પરંપરા-ઘટમાળ ચાલી છે. બેઉની વંશવૃદ્ધિ એકસરખી અને રોકટોક વગર લાલી રહી છે.’ આપણે ત્યાં જે દાવા-પ્રતિદાવાઓ રાજકીય આગેવાન કરે છે, તેની સચોટ વિગત અહીં લેખકે આપી છે. સ્વપ્નો દેખાડીને શાસન કરવાની જૂની રીત છે અને તેમાં દેખીતી જાગ્રતિ આવ્યા છતાં હજુ પણ તે નેસ્તનાબૂદ થયું નથી.
નાણાંકીય અર્થકારણની મુશ્કેલી શું છે તે લેખકે ખૂબ ઓછા શબ્દોમાં આ રીતે કહ્યું છે : ‘નાણાંકીય અર્થકારણની – ધનયંત્રની પકડ ઓછી થવાનું તો બાજુએ રહ્યું, ઊલટાની વધી છે અને વ્યાપક બની છે. ધન-પ્રતિષ્ઠા અને સત્તા-પ્રતિષ્ઠાનું ઢાળેલું બીબું એનું એ રહ્યું છે. એ ચોકઠાંની માત્ર આંતરિક ગોઠવણી બદલાવતી ક્રિયા-પ્રક્રિયા ક્રાન્તિ નથી. આવી કહેવાતી ક્રાન્તિઓ જેમ જેમ થતી ગઈ છે તેમ તેમ ધનપ્રતિષ્ઠા અને સત્તાપ્રતિષ્ઠા દિનપ્રતિદિન વધતાં રહ્યાં છે. તેમના પ્રત્યેનું આકર્ષણ, મોહ, આસક્તિ પણ ઉત્તરોત્તર વધતાં અને ફેલાતાં રહ્યાં છે. જેમ જેમ ધન અને સત્તા પ્રાપ્ત કરવાની અને પ્રાપ્ત કર્યા પછી ટકાવી રાખવાની વાસના તીવ્ર બનતી ગઈ છે તેમ તેમ તેમની ગુલામીની બેડીઓ પણ વધારે ને વધારે મજબૂત થતી યેન કેન પ્રકારે ધન-દોલત પ્રાપ્ત કરવાની અને ટકાવી રાખવાની વિઘાતક વૃત્તિ પ્રબળ થઈ છે તેના કરતાંયે અનેકગણી વિઘાતક હરીફાઈ ને ખેંચતાણ, ખટપટ ને ચાલબાજી, કાવાદાવા ને કાવતરાં સત્તા માટે થઈ રહ્યાં છે. ક્રાન્તિના ધ્યેયને પહોંચવાની પ્રક્રિયાને બદલે જ્યાં તદ્દન ઊલટી જ પ્રક્રિયા ચાલી રહી હોય ત્યાં ક્રાન્તિ સંભવી શકતી નથી, દૂર ને દૂર જતી હોય છે.’ અત્યારે એવું જ લાગે છે કે આઠ દાયકા પહેલાં લખાયેલા આ શબ્દો આજે પણ પ્રસ્તુત છે અને આમ આદમી માટેની મુક્તિ ક્રાન્તિનો સમય પણ હજુ દૂર લાગી રહ્યો છે. તમને શું લાગે છે ?








