Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadઇસુદાન ગઢવી, ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાએ અલગ અલગ મુદ્દે સરકારને ઘેરી

ઇસુદાન ગઢવી, ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાએ અલગ અલગ મુદ્દે સરકારને ઘેરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના UCC (Uniform Civil Code)ને લઈને આપવામાં આવેલા નિવેદન બાદ સંસદના આગામી ચોમાસુ સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવશે તેવી ચર્ચાએ સમગ્ર દેશમાં જોર પકડ્યું છે, ત્યારે અત્યારથી જ આ બિલને લઈને કેટલાક સમુદાયો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને આદિવાસી સમુદાય દ્વારા UCCને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ ગુજરાતમાં કોન્ટ્રાક્ટ આધારિત શિક્ષકોની ભારતીના મુદ્દાને લઈને યુવાનોમાં રોષની લાગણી ઉદભવી છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા બંને મુદ્દા અને મહિલાઓની રોજગારીના મુદ્દાને લઈને એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટી ગુજરાતના (AAP Gujarat) અધ્યક્ષ ઇસુદાન ગઢવી (Isudan Gadhvi), ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (MLA Chaitar Vasava) અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ (MLA Umesh Makwana) પત્રકારોને સંબોધિત કર્યા હતા. આ પત્રકાર પરિષદમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ચૈતર વસાવાએ UCC મુદ્દે, ઇસુદાન ગઢવીએ TET-TAT અને શિક્ષકોની ભારતીને લઈને અને ઉમેશ મકવાણાએ મહિલાઓની રોજગારીના પ્રશ્નોને ઉઠાવ્યા હતા. ત્રણેય નેતાઓએ ભાજપ પર આ મુદ્દાઓને લઈને આકરા પ્રહારો કર્યા હતા.

- Advertisement -

ચૈતર વસાવાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં PM મોદીએ મધ્યપ્રદેશમાં UCC લાગુ કરવા અંગે વાત કરી હતી. પરંતુ અમે તેનો વિરોધ કરીએ છે. આદિવાસી સમાજ આર્થિક, સામાજિક અને ધાર્મિક રીતે અન્ય વર્ગો કરતાં પછાત છે. આદિવાસીઓની સંસ્કૃતિ અલગ છે. UCCથી આદિવાસીઓની સંસ્કૃતિ, પરંપરાઓ અને રીત-રિવાજો નષ્ટ થઈ જશે. અન્ય સમુદાયો કરતાં આદિવાસી સમુદાયના નિયમો અલગ છે. આદિવાસી સમુદાયમાં મહિલાઓને સમાન અધિકારો મળે છે, વારસામાં મિલકત મળે છે. એક કરતાં વધુ પત્ની રાખવાનો અધિકાર છે. આદિવાસી સમાજમાં પુનઃ લગ્ન કરવાનો અધિકાર છે. જળ, જંગલ, જમીન અને ખનીજો પર આદિવાસીઓનો પારંપારિક અધિકાર છે, આ ઉપરાંત બંધારણમાં પણ આદિવાસીઓ માટે કેટલાક વેશેષ અધિકારો છે. જો UCC લાગુ કરવામાં આવશે તો આ બધા અધિકારો આદિવાસી સમુદાય પાસેથી છીનવાઇ જશે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ગઇકાલે અમે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને મળ્યા હતા, તેમણે પણ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો UCC લાગુ કરવામાં આવે તો આદિવાસી સમુદાયને UCCમાંથી બાકાત રાખવામા આવે, તેમણે આ મુદ્દે આદિવાસી સમુદાયની સાથે છે.” આ ઉપરાંત તેમણે ભાજપના આદિવાસી નેતાઓ ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, “ભાજપમાં જે અધિવાસી નેતાઓ છે તેમણે હવે પોતાનો પક્ષ મૂકવો જોઈએ કે તેમણે આદિવાસી સમાજ સાથે છે કે પછી ભાજપ સાથે? જો તેમણે ભાજપ સાથે છે તો આગામી સમયમાં અમે ભાજપના ધારાસભ્યો અને સાંસદ સભ્યોનો ઘેરાવ કરીશું. આગામી લોકસભાની ચુંટણીમાં 62 બેઠકો પર આદિવાસી સમુદાયનું પ્રભુત્વ છે, જેમાં ભાજપની હાર નિશ્ચિત છે.”

ત્યાર બાદ ઇસુદાન ગઢવીએ TET-TAT અને શિક્ષકોની ભારતીના મુદ્દે સરકારને ઘેરતા જણાવ્યું હતું કે, “વર્ષોથી TET-TATની પરીક્ષા આપીને લાખો વિદ્યાર્થીઓ એક સપનું જોઈને બેઠા હતા કે તેમને એક સરકારી નોકરી મળશે. પરંતુ ભાજપ અગ્નિવરની જેમ શિક્ષણ વીર લાવીને યુવાનોનું શોષણ કરવા જઈ રહી છે. આ વાત ગુજરાતના યુવાનો જ કહી રહ્યા છે. બે પરીક્ષા આપ્યા બાદ પણ યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા હતા પરંતુ ભાજપએ જ્ઞાન સહાયકના નામે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાનું નક્કી કર્યું છે. આજે ઘણા માતા પિતાઓ અને યુવાનો અમને કહી રહ્યા છે કે ભાજપને વોટ આપીને તેમણે ભૂલ કરી છે.”

- Advertisement -

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “કોન્ટ્રાક્ટ પર જે શિક્ષકોની ભરતી કરવાના છો તે તમે રદ કરો, નહિતર આગામી સમયમાં આમ આદમી પાર્ટી ઉગ્ર વિરોધ કરશે. આમ આદમી પાર્ટી યુવાનો અને તેમના માતા-પિતાઓ સાથે છે. ભાજપે અગ્નિવીર યોજના લાગુ કરી અને ગુજરાતના લોકોએ 156 સીટો તેમને આપી તો આજે ભાજપના લોકો જ કહી રહ્યા છે કે અમે જેટલું શોષણ કરી રહ્યા છીએ એમ અમને એટલા જ વધુ મત મળી રહ્યા છે. મારી ગુજરાતના યુવાનો અને તેમના સગા સંબંધીઓને વિનંતી છે કે જો તેઓ ભાજપમાં હોય તો તેમાંથી રાજીનામાં આપી દે. જો ભાજપને હરાવવામાં આવશે તો જ તે લોકો આવી યોજનાઓ રદ કરીને યુવાનોને નોકરીઓ આપશે.”

ઇસુદાન બાદ ઉમેશ મકવાણાએ પતરારો સાથે વાત કરતાં મહિલાઓના મુદ્દાને ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં બહેનોનું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે. મહિલાઓને રોજગારી આપવાની વાત હતી, તે પણ નહિવત જોવા મળે છે. મેં વિધાનસભાના ફ્લોર પર પણ મહિલાઓની રોજગારી વિશે વાત કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન અરવિંદ કેજરીવાલે ગુજરાતની દરેક મહિલાઓને 1000 રૂપિયાની ગેરંટી આપી હતી, તો તે સમય પર ભાજપના લોકો તેને રેવડી કહીને ગુજરાતની મહિલાઓનું અપમાન કરી રહ્યા હતા અને આજે ભાજપ મધ્ય પ્રદેશમાં મહિલાઓને ₹1,000 આપવાની વાત કરે છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ભાજપની સરકાર મહિલાઓને રોજગાર આપવામાં પણ સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. બીજા એક કિસ્સામાં એક માતાએ પોતાની પુત્રીને ઝેર આપીને મારી નાખી હતી. આવું શા માટે થઈ રહ્યું છે? પહેલાના જમાનામાં દીકરીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી, હવે એ જ રીતે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને ગુજરાતની એક માતા પોતાની દીકરીને ઝેર આપીને મારી નાખે છે. ગુજરાતમાં મહિલાઓને મોંઘવારી સખત નડી રહી છે અને રોજગાર પણ મળતો નથી. જો ગુજરાતની દરેક મહિલાને 1,000 રૂપિયા આપવાની શરૂઆત સરકારીએ કરી હોત અને એ ઘરમાં ત્રણ મહિલાઓ હતી તો 3000 રૂપિયાની સહાય એ ઘરને થઈ હોત. અને જો આવી સહાય મળતી હોત તો જે આત્મહત્યાની અને ઝેર આપવાની ઘટનાઓ ઘટી રહી છે તે ઘટનાઓ ન ઘટી હોત.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular