નવજીવન ન્યૂઝ. અમદાવાદ: કહેવાતી સવર્ણ જાતિના કેટલાક જાતિવાદી લોકો કહેવાતી નીચી જાતિ સાથે વર્ષોથી અન્યાય કરતા રહ્યા છે. આઝાદી સમયથી જ આ સમસ્યાના નિરાકરણ માટે કાયદામાં સમાનતાનો અધિકાર દેશના નાગરિકોને બંધારણે આપ્યો છે. પરંતુ આઝાદીના 75 વર્ષ બાદ પણ ભારતમાં આજે પણ જાતિવાદ યથાવત છે. એટલું જ નહીં પણ જાતિવાદનો રોગ એટલી હદે વકર્યો છે કે સોસાયટીમાં ચોક્કસ જાતિઓને મકાન ભાડે કે વેચાણથી નહીં આપવાના નિયમો પણ કેટલીક સોસાયટીના સભ્યો નિયમ બનાવતા થયા છે. આવું જ ગેરબંધારણીય કામ કરતા અમદાવાદ ભાજપના નેતાનો (Ahmedabad BJP Leader) કથિત વિડીયો સામે આવતા ચકચાર મચી ગઈ છે.
દેશના બંધારણે દેશના તમામ નાગરિકોને સમાનતાનો હક્ક આપ્યો છે. સાથે જ કાયદાની જોગવાઈથી જાતિવાદને ગેરકાનૂની માનવામાં આવે છે. પરંતુ આજે પણ જાતિવાદ કરતા લોકો દેશમાં ગેરબંધારણીય કામ કરતા જોવા મળે છે. જેમાં સૌથી મોટી સમસ્યા સોસાયટીમાં કથિત નીચી જાતિના લોકોને મકાન ભાડે કે વેચાણથી નહીં આપવાની છે. આવા ગેરબંધારણીય નિયમો નિયમો સોસાયટીના કહેવાતી સવર્ણ જાતિના સભ્યો દ્વારા લાગુ કરવામાં આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં અમદાવાદના વાસણા વિસ્તારની એક સોસાયટીમાં કથિત રીતે રબારી, ભરવાડ અને નીચી જાતિના લોકોને મકાન નહીં આપવાની વાતનો વિડીયો સામે આવ્યો છે.
કથિત વિડીયોમાં દેખાતો વ્યક્તિ આરોપ કરતા જણાવે છે કે, અમદાવાદ શહેરના વાસણા વિસ્તારના ભાજપના વોર્ડ પ્રમુખ ઈલેશ શાહ સોસાયટીમાં રબારી, ભરવાડ અને નીચી જાતિને મકાન નહીં આપવાનું જણાવે છે. આ વિડીયો વાયરલ થતા લોકો આવા જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો પર ફિટકાર વરસાવી રહ્યા છે. સાથે જ માલધારી અને દલિત સમાજ સહિતના અન્ય સમાજો પણ રોષે ભરાયા છે. આ વિડીયો ટ્વિટ કરતા અમદાવાદના સામાજિક કાર્યકર દેવ દેસાઈએ જણાવ્યું છે કે, “ભાજપ વાસણા અમદાવાદના વોર્ડ પ્રમુખ ખુલ્લેઆમ જાતિવાદી ઝહેર ફેલાવતા કહે છે કે રબારી ભરવાડ જાતિના લોકોને સોસાયટીમાં મકાન દેવામાં ન આવે. શું આ મનુવાદી વિચારધારાનો ખુલ્લેઆમ બંધારણ પર હુમલો નથી?”
ઉલ્લેખનીય છે કે ભારતના દરેક નાગરિકને બંધારણે સમાનતાના અધિકારી સાથે જ કાયદાનું રક્ષણ આપ્યું છે. સાથે જ આ પ્રકારે સોસાયટીઓ દ્વારા કોઈ પણ પ્રકારના જાતિવાદી નિયમો બનાવી કોઈ વ્યક્તિ કે સમુદાયને મકાન વેચતા કે લેતા અટકાવી શકાય નહીં. આ પ્રકારનું હીન કૃત્ય કાયદાની જોગવાઈ મુજબ પણ ગુનાની વ્યાખ્યામાં આવે છે. ત્યારે હવે જોવું રહ્યું કે કથિત વિડીયોમાં દેખાતા ભાજપના નેતા વિરૂધ્ધ કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવે છે કે, જાતિવાદનું ઝહેર ફેલાવતા નેતાઓને સરકાર અને પોલીસ ખુલ્લો દોર આપી ભીનું સંકેલે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








