નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજ્યમાં દારૂબંધીનો કાયદો (Liquor Ban Law)હોવા છતા વર્ષે કરોડોની રૂપિયાની કિંમતનો દારૂ ઘુસાડવામાં આવે છે. માનવામાં આવે છે કે પોલીસ દ્વારા પકડવામાં આવતો દારૂ વેચાણ થતા દારૂનો ખુબ નાનકડો હિસ્સો છે. રાજ્યમાં પકડાતા દારૂના જથ્થાને પોલીસ(Gujarat Police) દ્વારા નાશ કરી દેવામાં આવતો હોય છે. એવામાં ગુજરાતના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ(Lalit Vasoya) રાજ્ય સરકારને અલગ જ પ્રકારની રજૂઆત કરતા વિવિધ ચર્ચાઓ જાગી છે.

સરકાર દારૂની હરાજી કરે!
ધોરાજી વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. વસોયાએ પત્ર લખી મુખ્યમંત્રીને રાજ્યમાં પકડાત દારૂના જથ્થાના નિકાલ બાબતે રજૂઆત કરી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે, મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો અમલમાં છે. દરેક પક્ષની સરકાર દારૂબંધીના કાયદાનું કડક પાલન કરવા માટે પ્રયત્નશીલ કરે છે. છતાં કરોડો રૂપીયાનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ગુજરાત પોલીસ દ્વારા પકડી પાડવામાં આવે છે તે આનંદની વાત છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં વર્ષ 2020-21ના વર્ષમાં રૂપિયા 215,6252205 કરોડનો વિદેશી દારૂ તેમજ રૂપિયા 16,2005848 કરોડનો બીયરનો જથ્થો જપ્ત કરી નિયમો અનુસાર તેનો નાશ કરવામાં આવ્યો છે. ત્યારે વિનંતી છે કે, દેશના મોટા ભાગના રાજ્યોમાં દારૂબંધી નથી ત્યારે દારૂ-બીયરની બીજા રાજ્યોમાં જાહેર હરાજી કરી તેનું વેચાણ કરી દેવામાં આવે.
હરાજીથી મળતા પૈસા…
વસોયાએ સૂચન કરતા લખેલા આ પત્રમાં જપ્ત કરવામાં આવેલા દારૂના નાશના બદલે અન્ય રાજ્યમાં હરરાજી થકી મળતી રકમને પોલીસ અને પોલીસ પરિવારના વેલ્ફેર ફંડમાં અથવા તો દેશના શહીદ જવાનોના પરિવારને મદદ માટે વાપરવા જણાવ્યું છે. લલીત વસોયાના આ પત્રને પગલે અનેક પ્રકારની ચર્ચાઓ લોકમુખે ચાલી રહી છે. જેમાં કેટલાક લોકો તેમના આ સૂચનની તરફેણમાં દલીલો રજૂ કરતા જોવા મળ્યા જ્યારે કેટલાક વિરોધમાં પણ દલીલ રજૂ કરતા જોવા મળ્યા છે.
સૂચનની અમલવારી કેમ શક્ય નથી?
મહત્વની વાત છે કે, પૂર્વ ધારાસભ્યની પોલીસ અને જવાનો પ્રત્યેની ભાવનાને ધ્યાને રાખી તેમના સૂચનને ધ્યાને લેવામાં આવે તો પણ તેનું પરિણામ આવી શકે તેવું જણાતું નથી. નૈતિકતાના ધોરણો છોડીને પણ ઝડપાયેલો દારૂનો જથ્થો હરાજીથી વેચાણ થઈ શકે તેવી સંભાવના રહે નહીં, કારણ કે આવું કરવા પાછળ પકડાયેલા દારૂની ગુણવત્તા, વિશ્વનીયતા સહિત કેટલાય પ્રશ્નો પેદા થતા હોય છે. વળી રાજ્યની પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવતા દારૂના જથ્થામાં કેટલોય જથ્થો બનાવટી પણ હોય છે. આમ પૂર્વ ધારાસભ્યની રજૂઆતને સરકાર ધ્યાને લે છે કે કેમ તે પણ મોટો સવાલ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








