- Advertisement -
પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-46): Nadaan Series: ગોપાલ ખૂબ ખુશ હતો. કારણ, એના સ્વભાવને અનુરુપ તેને કામ મળ્યું હતું. રોજ જેલમાં સફાઈ કરવાને બદલે, હવે ઑફિસમાં ટેબલ ખુરશી પર કામ કરવાનું હતું. ખુશીની સાથે તેને અફસોસ પણ એટલો જ હતો. કારણ કે એને હવે બાબલા બેરેકની સાથે સલીમનો સાથ પણ છોડવાનો હતો.
સલીમ અને તે હવે અલગ બેરેકમાં રહેવાના હતા. તે દિવસે ગોપાલ આખો દિવસ સલીમને કંઈ કહી શક્યો નહીં. પણ રાતે સલીમે ગોપાલને પૂછ્યું, “મિયાં, ચહેરો કેમ પડી ગયેલો છે?”
પહેલા તો ગોપાલે સવારે લીગલ ઑફિસમાં થયેલી આખી ઘટના સલીમને સંભળાવી. ત્યારપછી પેટી પર સુબેદારે તેનો ચહેરો કર્યો છે; એ વાત પણ કહી. વાત સાંભળતાં જ સલીમ તેને ભેટી પડ્યો અને કહ્યું, “મિયાં, તને તો ગમતુ કામ મળ્યું છે! તો પછી ચહેરો કેમ ઉદાસ રાખે છે?”
ગોપાલે કહ્યું, “સલીમ, પણ હવે તારી અને મારી બેરેક અલગ થઈ જશે.”
સલીમે એને શાંતિથી કહ્યું, “જો ગોપાલ, આપણે આખી જિંદગી કંઈ આ બેરેકમાં સાથે રહેવા નથી આવ્યા. આપણા જામીન થઈ જાય, પછી આપણે પાછા પોતપોતાની દુનિયામાં જતા રહેવાના છીએ. તું તારી જિંદગીમાં અને હું મારી સફર પર જતો રહીશ. અત્યારે કુદરતે તને મદદ કરી, એના માટે પરવરદિગારનો આભાર માન; કે તને સારું અને ગમતું કામ મળી ગયું. સાથે જ અહીં કરતાં સાફસુથરી બેરેક પણ મળી છે.”
ગોપાલ ચૂપ જ રહ્યો. સલીમે એને સમજાવતાં કહ્યું, “મેં જોઈ નથી; પણ મેં સાંભળ્યું છે કે, ઑફિસ બેરેકમાં વ્યવસ્થા સારી છે. અને બીજું કે, આપણે ક્યાં આ દીવાલોની બહાર જઈ રહ્યા છીએ? આપણી તો ખાલી બેરેક જ બદલાઈ છે. જેલમાં તો આપણે મળતા જ રહેવાના.”
ગોપાલ વિચાર કરી રહ્યો હતો કે, ખરો માણસ છે આ? એને કોઈ ફેર જ પડતો નથી! મારી જિંદગીમાં કંઈક સારું થઈ રહ્યું છે, તે વાતની ઇર્ષ્યા પણ તેને નથી થઈ રહી! ગોપાલે સલીમનો હાથ પકડ્યો અને કહ્યું, “થેંક્યૂ દોસ્ત.”
બીજા દિવસે સવારે ગોપાલે પોતાનો સામાન પેક કર્યો. તેની સાથે બાબલા બેરેકમાં રહેલા એક કેદીએ પૂછ્યું, “ક્યાં જાય છે?”
ગોપાલે કહ્યું, “ઑફિસ બેરેકમાં.”
બધા એની સામે આશ્ચર્યથી જોઈ જ રહ્યા. હજી હમણાં જ તો એ જેલમાં આવ્યો છે. બાબલા બેરેકમાં રહેવાની શરૂઆત કરી અને ઑફિસ બેરેક મળી ગઈ! કારણ કે ઑફિસ બેરેકમાં કોઈ કેદીને મોટી ઓળખાણ વગર રાખવામાં આવતા નહોતા. એક કેદીએ પૂછ્યું, “કોની લાઈન કરી?”
ગોપાલને સમજાયું નહીં. સલીમે જવાબ આપતાં કહ્યું, “ઉપરવાળાની લાઈન થઈ.”
પેલો કેદી ગુસ્સાથી સલીમ સામે જોવા લાગ્યો. સલીમના ચહેરા પર હાસ્ય હતું. પેલા કેદીએ થોડો વિચાર કરી કહ્યું, “નક્કી, ખર્ચો કર્યો હશે.”
ગોપાલે કહ્યું, “ના ભાઈ ના.”
હજી પેલા કેદીનું મન માનવા તૈયાર નહોતું કે, જેલમાં તમારી પાસે ઓળખાણેય ન હોય; કે પછી પૈસા ખર્ચવાની તૈયારી પણ ન હોય; તોય સગવડ મળે! એના સિવાય કોઈ કેદીને જેલમં કોઈ ભાવ આપે નહીં. સલીમ સમજી ગયો કે, અહીં વાત કરવાનો કોઈ અર્થ નથી. સલીમે ગોપાલનો થેલો ઉપાડી લીધો અને તે બંને બેરેકની બહાર નીકળ્યા. ઑફિસ બેરેકના દરવાજે જઈ તેણે થેલો ગોપાલને આપ્યો.
એક કેદી તૈયાર થઈને ઑફિસ બેરેકની બહાર નીકળી રહ્યો હતો. તેણે આશ્ચર્ય સાથે ગોપાલ સામે જોયું. કારણ કે તેમની બેરેકમાં કોઈ નવો કેદી આવી રહ્યો છે, એવી તેને ખબર નહોતી. બેરેકની બહાર ચંપલ પહેરતાં પહેલાં તેણે ગોપાલને પૂછ્યું, “નામ?”
ગોપાલે પોતાનો પરિચય આપ્યો. તેણે પૂછ્યું, “નોકરી?”
ગોપાલે કહ્યું, “લીગલ ઑફિસમાં.”
તે હસ્યો અને પૂછ્યું, “નીતિનકાકા સાથે?”
ગોપાલે માથું હલાવીને હા કહી. તે બોલ્યો, “કાકો માથાનો ફરેલો છે, પણ કામનો છે. જેલની અંદર અને બહાર પણ.”
આટલું કહીને તે ચાલવા લાગ્યો. એકાદબે ડગલાં ચાલીને એ અટક્યો. પાછા આવીને તેણે ગોપાલને કહ્યું, “મારું નામ વિરાંગ છે. મારી નોકરી વેલફેર ઑફિસમાં છે. મારા લાયક કંઈ કામ હોય તો કહેજે.”
વિરાંગ જતો રહ્યો. ગોપાલને લાગ્યું કે, વિરાંગ સારો માણસ છે. બીજા કેદી જેવો તોછડો નથી. સલીમ ત્યાંથી પાછો ફર્યો. ગોપાલ પોતાનો બિસ્તર અને થેલો મૂકી લીગલ ઑફિસમાં પહોંચી ગયો. નીતિનકાકા આવી ગયા હતા. એમણે ગોપાલને જોતાં જ ઘડિયાળ સામે જોયું. ગોપાલ સમજી ગયો. તેણે કહ્યું, “કાકા, આવતીકાલથી મોડું નહીં થાય. આજે બેરેક બદલવામાં વાર લાગી.”
કાકા કંઈ બોલ્યા નહીં. થોડીવાર પછી તેમણે એક કેદીને કહ્યું, “આ છોકરના અક્ષર સારા છે.”
પછી તરત ગોપાલ તરફ જોઈને પૂછ્યું, “તારું નામ?” “ગોપાલ.”
“હા, ગોપાલને લખવાનું કામ આપો. કોર્ટનું અને આઇ. જી. ઑફિસનું કૉરિસપૉન્ડન્સ હોય, તે આ ગોપાલ પાસે કરાવજો. સામે વાળો આપણી વાત સમજે તો ખરો.”
એક કેદીએ ગોપાલને કામની સમજ આપવાની શરૂઆત કરી. કેટલાક કેદીઓ પોતાની અરજી માટે આવ્યા હતા. કાકાએ તેમને ગોપાલ પાસે મોકલ્યા અને ગોપાલને તેમની અરજી લખી આપવા સૂચના આપી. કામમાં આખો દિવસ ક્યાં પૂરો થઈ ગયો એની ખબર જ ન પડી. બપોરે કાકાએ ગોપાલને કહ્યું, “જમી લેજે.”
આટલું કહીને કાકા આરામ કરવા પોતાની બેરેક ઉપર જતા રહ્યા. લીગલ ઑફિસમાં વકિલોની પણ અવરજવર રહેતી હતી. જેના કારણે જેલની કેન્ટીનમાંથી આખો દિવસ ચા–કૉફી આવ્યાં કરતાં હતાં. ગોપાલને ચા પીવાની મજા પડી રહી હતી. અહીં આવનાર અન્ય કેદીઓ પણ લીગલ ઑફિસમાં કામ કરતાં કેદીને માન આપતા હતા. કારણ કે તેમની અરજી સમયસર અહીંયાથી નીકળે એ ખૂબ જરૂરી હતું.
લીગલ ઑફિસ સાંજે સાત–આઠ વાગ્યા સુધી ચાલું રહેતી હતી. આ જ પ્રકારે બીજી પણ ઘણી ઓફિસો મોડી સાંજ સુધી ખુલ્લી રહેતી હતી. જેને કારણે ઑફિસ બેરેકમાં કામ કરનારા કેદીની બંધી પણ મોડા થતી હતી. ગોપાલ પોતાની બેરેકમાં પાછો ફર્યો. ન્હાઈ ધોઈને જમવા જ બેસતો હતો. વિરાંગ થાળી લઈને એની પાસે આવ્યો. તેની પાસે એક ડબ્બો હતો. તેણે કહ્યું, “આપણે સાથે જમીશું.”
વિરાંગના ડબ્બામાં દાળ હતી. તેણે ડબ્બો ખોલીને દાળ કાઢી અને ગોપાલને વાટકીમાં આપી. ગોપાલને કકડીને ભૂખ લાગી હતી. રોટલી અને દાળ ખાતાં તેનું મોઢું ખુલ્લું જ રહી ગયું. આટલી સ્વાદિષ્ટ દાળ, તેણે જેલમાં આવ્યા પછી ક્યારેય ખાધી નહોતી. વિરાંગ તેની સામે જોઈ રહ્યો અને પૂછ્યું, “શું થયું?”
ગોપાલે દાળ તરફ ઇશારો કરતાં પૂછ્યું, “ક્યાંથી લાવ્યો?”
વિરાંગ હસ્યો. થોડો નજીક આવ્યો અને કહ્યું, “હાંડીમાં બનાવી છે.”
ગોપાલને યાદ આવ્યું કે, પાલનપુર જેલમાં ગોવિંદભાઈ પણ હાંડીની વાત કરતા હતા. પરંતુ તેણે ક્યારેય હાંડી જોઈ નહોતી. આજે વિરાંગે હાંડીની વાત કરી. દાળ ખરેખર અપ્રતિમ હતી. કોઈ ફાઇવસ્ટાર હોટેલને ટક્કર મારે એવી. બંને સાથે જમ્યા. થાળી ધોઈને ટીવી સામે બેઠા. બધા પોતાની મસ્તીમાં હતા. ટીવી પર મેચ ચાલી રહી હતી. વિરાંગે મેચ જોતાં જોતાં પૂછ્યું, “કયા ગુનામાં આવ્યો છે?”
ગોપાલે જવાબ આપ્યો, “ફેક કરન્સી.”
વિરાંગનું ધ્યાન ટીવી તરફ હતું. થોડીવાર પછી ગોપાલે પૂછ્યું, “તું?”
વિરાંગે પહેલાં તો જવાબ ન આપ્યો; પણ પછી ગોપાલની સામે જોતાં કહ્યું, “મર્ડર.”
ગોપાલ કંઈ બોલ્યો નહીં. વિરાંગે કહ્યું, “આજીવન પડી છે.”
બસ, પહેલાં દિવસે વિરાંગ અને ગોપાલ વચ્ચે આટલો જ સંવાદ થયો.
(ક્રમશઃ)
PART 45 : ગોપાલ અરજી લખી રહ્યો હતો, નીતિનકાકાનું ધ્યાન તેની અરજી તરફ હતું, કાકાએ કહ્યું અરજી બતાડ તો
- Advertisement -
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796