Sunday, June 7, 2026
HomeGeneralતમારા જીવનમાં રહેલી પ્રત્યેક સ્ત્રીમાં એક મા જીવતી હોય છેઃ મારી આઈ...

તમારા જીવનમાં રહેલી પ્રત્યેક સ્ત્રીમાં એક મા જીવતી હોય છેઃ મારી આઈ બહુ આકરી પણ જીવનના પાઠ સરળ રીતે શીખવ્યા

- Advertisement -


પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ):
પાંચમાં ધોરણ સુધી મારા આજી- આજોબા (દાદા દાદી) પાસે અમરેલી ભણ્યો મારા આઈ-બાબા ( મમ્મી-પપ્પા) અમદાવાદ નોકરી કરતા હોવાને કારણે હું છઠ્ઠા ધોરણ પછી ભણવા અમદાવાદ આવ્યો, અમદાવાદ આવ્યા પછી મને ગોઠતુ ન્હોતુ તેમાં પણ મને આઈ ઉપર રોજ સવાર પડે ગુસ્સો આવે કારણ બધાના બાબા તો નોકરીએ જાય પણ મારા કોઈ મિત્રની આઈ નોકરીએ જતી ન્હોતી, મને થતુ કે મારી આઈ નોકરી કરવા ના જાય તો ના ચાલે, હું જયારે તે ઓફિસે જવા નિકળે ત્યારે જીદ્દ કરતો કે ઓફિસ ના જઈશ ત્યારે તેની આંખોના ખુણા ભીના થતાં અને મને કહેતી સાંજે વહેલી આવીશ ત્યારે મને ખબર ન્હોતી કે મને મોટો કરવામાં બાબાની સાથે તેની નોકરી કરવી પણ કેટલી જરૂરી છે, સ્વભાવે બહુ આકરી ખાસ કરી મને જયારે અભ્યાસ કરવા માટે અથવા ખોટુ બોલુ ત્યારે મને વેલણે-વેલણે ફટકારે ત્યારે મને બહુ ગુસ્સો આવતો, મને લાગતુ કે બાબા કેવા ભાર વગર મારી સાથે વાત કરે છે, આઈ કેમ મારી ઉપર ગુસ્સો કરે છે..



મારા બાબા એક દિવસ અચાનક અમને મુકી જતા રહ્યા , મારા દિકરા આકાશનો ત્યારે જ જન્મ થયો હતો તે હજી પંદર દિવસનો હતો, મારા દિકરાનું નામ આકાશ પણ તેમણે જ રાખ્યુ હતું બાબા ગયા પછી આઈનો સ્વભાવ એકદમ બદલાઈ ગયો હતો મને હતું હું તેને કેવી રીતે સંભાળીશ પણ તેણે અમને સંભાળી લીધા હતા, ત્યારે આઈ 50ની હતી, નાની મોટી તમામ બાબત માટે બાબા ઉપર નિર્ભર રહેનારી સ્ત્રી અચાનક બદલાઈ ગઈ 50 વર્ષની ઉમંરે તેણે સ્કુટર શીખવાની શરૂઆત કરી, સ્કુટર શીખી એટલુ જ નહીં, અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી લાલદરવાજા ભરચક ટ્રાફિકમાં સ્કુટર લઈ ઓફિસે જવા લાગી,.અમારા બાબા ગયા પછી તે જ અમારા બાબા અને આઈની બેવડી ભુમીકામાં હતી,.

હું જે અખબારમાં નોકરી કરતો હતો તેમાં મારી એક સ્ટોરી પબ્લીશ થઈ, સમાજનો એક વર્ગ નારાજ થયો મારી સ્ટોરીના વિરોધમાં એક મોટી રેલી નિકળી, પોલીસને જાણકારી મળી કે મારા જીવને ખતરો છે, નારાજ લોકો મારી ઉપર હુમલો કરી શકે છે, એક રાતે અચાનક મારી ઘરે પોલીસના ધાડા આવ્યા અને મારા ઘરે છ એસઆરપી જવાન અને મારી સાથે એક હથિયારી રક્ષક તૈનાત કરી દેવામાં આવ્યો, મારી સરળ ચાલતી જીંદગી અચાનક બદલાઈ ગઈ, લોકો માટે કદાચ વીઆઈપી બની ગયો, પણ મારી આઈને આ વાત જરા પણ પસંદ આવી નહીં, મારા નાનાકડા પચાસ વારના ઘરમાં કોઈ મહેમાન આવે તો પોલીસ તેમની ચકાસણી બાદ ઘરે આવવાની મંજુરી આપે , હું જયાં પણ જાઉ ત્યાં મારી સાથે પોલીસ રહે

- Advertisement -

થોડા દિવસ પછી મને આઈએ બોલાવી પુછયુ મૃત્યુનો ડર લાગે છે, મેં વિચાર કરી કહ્યુ મને આટલુ પોલીસ રક્ષણ મળ્યુ છે તો મારા જીવને જોખમ તો હશેને.. મને લાગ્યુ કે આઈ પણ ડરી ગઈ છે, તેણે મને ફરી પુછયુ મૃત્યુનો ડર લાગે છે, મેં કહ્યુ આઈ કેવો સવાલ પુછે મરવાનો ડર તો કોઈ પણ લાગે, તેણે કહ્યુ સાચી વાત, પછી તેણે મને પોતાનો મત સ્પષ્ટ કરતા કહ્યુ જયારે પણ આપણને કોઈ પણ બાબતનો ડર લાગે ત્યારે ત્યારે આપણા મૃત્યુની શરૂઆત થાય, મારો પ્રશાંત તો રોજ ડરી ડરી જીવી રહ્યો છે તેનો અર્થ તે રોજ મરી રહ્યો છે, મારો દિકરો રોજ મરે તે મને ગમે નહીં, રોજ મરવા કરતા એક દિવસ મરી જવુ, મને ખબર છે મારો ઈશ્વર તારૂ રક્ષણ કરશે, તને કઈ થશે નહીં જો તને કઈ થાય તો એક દિવસ હં રડી લઈશ પણ ડરીશ નહીં અને પોલીસ રક્ષણ પાછુ આપી દે, અને તેણે મને આ રીતે હિમંતવાન થવાની તાલીમ આપી.મેં પોલીસ રક્ષણ પાછુ મોકલી આપ્યુ

2008માં મારી બહાદુર આઈ કેન્સરનો શીકાર બની, તે કહેતી હતી કે મારે જીવવુ છે, મારે મરવુ નથી, મને આજે પણ અફસોસ એક જ વાતનો છે કે આઈને જયારે કેન્સર થયુ ત્યારે મારી પાસે તેની સારવાર માટેના પુરતા પૈસા ન્હોતા, છેલ્લા તબ્બકામાં તો તેની સ્થિતિ ખરાબ થઈ ત્યારે હું તેને મારી મોટર સાઈકલ ઉપર બેસાડી સિવિલ હોસ્પિટલ લઈ જતો હતો, તે ચાલી પણ શકતી ન્હોતી થતાં હિમંત રાખી કણસતી તે સિવિલ હોસ્પિટલમાં રેડીયેશન લેવા આવતી હતી, અમે સિવિલમાંથી ફરતી વખતે શેરડીના સંચા ઉપર શેરડીનો રસ પીવા રોકાતા, તેને અસ્હય પીડા થતી હતી, પણ તે આપણી આસપાસના લોકોને કેટલી તકલીફ છે તેની વાતો કરતી હતી, તે મને કાયમ પુછતી કેન્સરમાં તને બહુ ખર્ચ થતો હશેને, હું કહેતો એક વખત સાજી થઈ જા પછી તારી પાસેથી બધુ વસુલ કરીશ તેના ચહેરા ઉપર પરાણે એક સ્મીત આવતુ, તેણે મને એક દિવસ હોસ્પિટલથી પાછા ફરતા કહ્યુ મારે જીવવુ છે પણ મને લાગે છે સમય ઓછો થઈ રહ્યો છે

હું જઈશ પછી તુ મારૂ બેસણુુ રાખતો નહીં કે કોઈ 10માં-12ની વિધી કરતો નહીં, કારણ મારી પાછળ કરેલી વિધીની મને ખબર પડશે નહીં, અને મહારાજ કયો શ્લોક બોલે છે તેની તને ખબર પડશે નહીં, તુ આ વિધીમાં ખર્ચ કરવાને બદલે મારા જેવા કોઈ કેન્સરના દર્દીને જીવાડવા માટે તે પૈસા વાપરજે, 2011માં આઈ પણ જતી રહી, મેં કોઈ વિધી કરી નહીં, પણ આઈની ઈચ્છાનું હું રોજ પાલન કરુ, હું કાયમ ઈશ્વરને પ્રાર્થના કરુ છુ મને ખુબ આપજો પણ આપે ત્યારે કોઈને આપવાનું મન પણ આપજે, આપણા જીવનમાં દરેકનો એક અલગ સ્લોટ હોય છે અને આપણે પણ કોઈના જીવનના એક અલગ સ્લોટમાં ફીટ થતાં હોઈએ છીએ.

- Advertisement -

1995માં શીવાની મારા જીવનમાં આવી, ભરુચ જેવા નાના નગરમાંથી આવી હોવાને કારણે કારણે અમારી વચ્ચે મોટુ અંતર હતું, પણ શીવાનીએ બહુ ઝડપે અમારી વચ્ચેનું અંતર ઘટાડી નાખ્યુ. 2008માં ફરી એક તોફાન આવ્યુ મારી ઉપર એક પછી એક છ રાજદ્રોહની ફરિયાદ નોંધાઈ મારો દિકરા આકાશ 10-11 વર્ષનો અને દિકરી પ્રાર્થના છ વર્ષની હતી, હું જે અખબારમાં નોકરી કરતો તેના સંચાલકોનો આદેશ આવ્યો કે કોર્ટ કોઈ રાહત આપે નહીં ત્યાં સુધી ઘર છોડી ગુજરાત બહાર જતા રહો, હું મારી બેગ લેવા ઘરે ગયો. શીવાનીના ચહેરા ઉપર નારાજગી હતી મને લાગ્યુ કે કદાચ તેને ડર લાગી રહ્યો છે, બાબા હતા નહીં થોડા મહિના પહેલા જ આઈને કેન્સર થયુ હવે ઘરમાં એકલી શીવાની જ હતી, હું જઈ રહ્યો હતો ત્યારે મને તેણે કહ્યુ એક મિનીટ હવે કોઈની વિરૂધ્ધ લખતા નહીં, હું રોકાઈ ગયો, મેં પુછયુ શુ થયુ, તેણે કહ્યુ ડરીને ભાગી જાય તેવો પતિ મને પસંદ નથી, તમે તો માત્ર લખ્યુ છે થોડો બળાત્કાર કર્યો , અમને શરમ આવે તેવુ કોઈ કામ તમે કર્યુ નથી.

હું તેની સામે જોઈ રહ્યો, તેણે કહ્યુ લખવાને કારણે એક વખત નહીં દસ વખત જેલમાં જવુ પડે તો જવાનું , તે મારી પાસે આવી કહ્યુ આજે ભલે જાવ પણ હવે આવી રીતે જતા નહીં, ચીંતા કરતા નહીં હું ઘર અને બાળકો સંભાળી લઈશ, પછીના દિવસો આકરા હતા, પોલીસના ધાડા ઘરની તપાસ માટે આવતા પણ તે દિવસો પણ શીવાનીએ સંભાળી લીધા આઈની વિદાય પછી અનેક વખત તે મારી આઈ બને વઢે છે જયારે જયારે હું સારા માણસ તરીકે મારો રસ્તો બદલુ ત્યારે મને ફરી એક સારો માણસ રાખવા માટે માટે તે મારી પડખે હોય છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular