પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-45): Nadaan Series: રજા લઈ ઘરે જવાની ગોપાલને ઉતાવળ આવી હતી. જેલના નિયમ પ્રમાણે દરેક કેદીને વર્ષમાં એક વખત 14 દિવસની રજા મળે. એ સિવાય જો રજા જોઈએ તો, તેના માટે કોઈ કારણ આપવું પડે. ગોપાલે એક કારણ તૈયાર કર્યું હતું. મા-બાપ વૃદ્ધ છે. તેમને કોર્ટની કાર્યવાહીમાં ખબર પડતી નથી. પાલનપુર કોર્ટ દ્વારા કરવામાં આવેલી સજા સામે તેને હાઇકોર્ટમાં અપીલ કરવી છે. જેથી એને રજા આપવામાં આવે તો એ બહાર જઈને, વકીલ રોકીને અપીલ કરી શકે. જોકે આ અરજી ગોપાલે જેલમાંથી જ કરવાની હતી.
ગોપાલ રોજ લીગલ ઑફિસમાં અરજી કરવા પહોંચી જતો હતો. પણ નીતિનકાકા કોઈને કોઈ કારણ આપીને ગોપાલને ત્યાંથી રવાના કરી દેતા હતા. આજે ફરી ગોપાલ લીગલ ઑફિસમાં આવ્યો. પહેલાં તો કાકાએ એની નોંધ સુધ્ધાં લીધી નહીં. કાકાનો દબદબો એવો હતો કે, કોઈપણ નીતિનકાકાનું નામ લઈ શકે નહીં. થોડીવાર પછી, જાણે ગોપાલને પહેલી વખત જોતાં હોય એ રીતે નીતિનકાકાએ ગોપાલ સામે જોઈને કહ્યું, “બોલ ભાઈ.”
ગોપાલે જવાબ આપ્યો. “કાકા, રજા માટે અરજી કરવી છે. મેં તમને વાત કરી હતી…”
ગોપાલનો જવાબ સાંભળીને કાકાનો અવાજ ઊંચો થયો. તેમણે આસપાસ કામ કરી રહેલા કેદી તરફ ઇશારો કરીને કહ્યું, “અહીંયા કોઈ નવરો દેખાય છે? બધા કામ જ કરે છે. શું રોજ રોજ આવી જાય છે?”
ગોપાલે વિનંતીના સૂરમાં કહ્યું, “કાકા, મને કાગળ આપો. હું બેરેકમાંથી અરજી લખીને લઈ આવીશ.”
કાકાનો પિત્તો છટક્યો, “કંઈ ભાનબાન પડે છે? જેલના કોઈ નિયમોની ખબર છે કે નહીં? કાગળ આવી રીતે ન અપાય. બેરેકમાં કાગળ લઈ ગયો અને ઝડતી આવી તો ખટલો થશે.”
ગોપાલ ચૂપ થઈ ગયો. થોડું વિચારીને ફરી વિનંતી કરતાં કહ્યું, “કાકા, મને કાગળ આપો તો હું અહીંયા જ અરજી લખી નાખીશ.”
કાકાએ એની સામે ગુસ્સામાં જોયું. ગોપાલે કહ્યું, “મને અરજી લખતાં આવડે છે.”
ખબર નહીં, અચાનક કાકામાં રામ વસી ગયા. તેમણે બાજુમાં કામ કરી રહેલા એક કેદીને કહ્યું, “અલ્યા, આ છોકરાને કાગળ આપ.”
પેલો કેદી એક કોરો કાગળ લઈ આવ્યો. ગોપાલને પ્રશ્ન હતો કે, લખું કેવી રીતે? કારણ, પેન પણ નહોતી. કાગળ હાથ આવ્યા પછી ગોપાલે પેલા કેદી સામે જોયું. તેણે પહેલાં કાકા સામે પછી ટેબલ પર પડેલી પેન તરફ જોયું. પેન લઈ ગોપાલને આપી.
લીગલ ઑફિસ ખૂબ નાની. પાંચ–સાત લોકો સાથે આવે તો પણ ઑફિસ ભરાઈ જતી. ગોપાલ બાજુનાં ટેબલ પર બેસીને અરજી લખવા લાગ્યો. ‘મહેરાબાન સાહેબશ્રી,’થી શરૂઆત કરી. ગોપાલે અડધી અરજી લખી હશે, ત્યારે કાકાનું ધ્યાન ગોપાલની અરજી તરફ ગયું. તે થોડી થોડીવારે ગોપાલની અરજી તરફ જોતા હતા. ગોપાલ અસ્વસ્થ થઈ ગયો. તેને લાગ્યું કે, તેની કંઈક ભૂલ થઈ રહી છે માટે કાકા તેની તરફ જોઈ રહ્યા છે. કાકાની નજર પડતાં જ ગોપાલની પેન અટકી જતી, પણ ગમે તેમ કરીને એણે અરજી પૂરી કરી. ગોપાલ કાકાને અરજી પાછી આપે એ પહેલાં જ કાકાએ કહ્યું, “અરજી આપ.”
તેમણે અરજી જોઈ. ગોપાલ સમજી જ ન શક્યો કે, કાકાએ અરજી વાંચી કે માત્ર જોઈ છે? કાકાએ ખાતરી કરવા પૂછ્યું, “તે જ આ અરજી લખી છેને?”
ગોપાલે કહ્યું, “તમારી સામે જ તો લખી છે કાકા.”
કાકા કંઈક વિચારવા લાગ્યા. અરજી તેમના હાથમાં જ હતી. તે એકદમ ઊભા થયા અને ગોપાલને ઇશારો કરતાં કહ્યું, “ચાલ મારી સાથે.”
ગોપાલ ચિંતામાં પડી ગયો. તેને થયું કે, શું કોઈ ભૂલ થઈ હશે? કાકા ક્યાં લઈ જાય છે મને? ગોપાલે ડરતાં ડરતાં પૂછ્યું, “શું થયું કાકા?”
કાકાના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. “કંઈ નહીં. ચાલ મારી સાથે.”
હજી ગોપાલ મુંઝવણમાં હતો, પણ કાકાને વધુ કંઈ પૂછી શક્યો નહીં. તે કાકાની સાથે ચાલવા લાગ્યો. કાકા તિલકયાર્ડમાંથી બહાર નીકળી જમણી તરફ વળ્યા. કાકાનું શરીર ભારે હતું, પણ ચાલવાની ઝડપ સારી હતી. ગોપાલ તેમની પાછળ ચાલી રહ્યો હતો. ગોપાલને હજી સમજાતું નહોતું કે, કાકા તેને ક્યાં લઈ જાય છે? અને હાથમાં અરજી કેમ રાખી છે?
જેલની બરાબર વચ્ચે આવેલી સુબેદાર પેટી પર આવીને કાકા ઊભા રહ્યા. સુબેદાર પેટી પર સુબેદાર મોહનભાઈ બેઠા હતા. કાકાને જોતાં જ કહ્યું, “આવો આવો કાકા.”
કાકા કેદી હતા છતાં સુબેદારે તેમને ખુરશીમાં બેસવાનો ઇશારો કર્યો. કાકા બેસે ત્યાં સુધી સુબેદારે પેટી પર કામ કરતા કેદીને સૂચના આપી દીધી કે, “પાણી અને ચા લાવજે.”
સુબેદારે કાકાને પૂછ્યું, “બોલો કાકા, કેમ પધાર્યા?”
કાકાએ સુબેદાર સામે ગોપાલની અરજી મૂકી. સિપાહીમાંથી સુબેદાર સુધી પહોંચેલા મોહનભાઈએ કાકાએ મૂકેલી અરજી જોઈ અને કીધા વગર બધું સમજી ગયા. તેમણે ગોપાલ સામે જોતાં પૂછ્યું, “તે અરજી લખી છે?”
ગોપાલ ડરી ગયો. તેણે બે હાથ જોડીને કહ્યું, “જી સાહેબ.”
સુબેદારે કાકા સામે જોયું પછી કહ્યું, “બોલો કાકા, શું આદેશ છે?”
કાકાએ કહ્યું, “અક્ષર જોયા?”
પછી ગોપાલ સામે જોયું. પાછું સુબેદાર સામે જોતાં કહ્યું, “આખી લીગલ ઑફિસમાં આવા અક્ષર કોઈના નથી. મારે આ છોકરો લીગલ ઑફિસમાં જોઈએ છે.”
સુબેદારે કહ્યું, “કાકા, તમારે અમને કહેવાનું નહીં, આદેશ કરવાનો.”
સુબેદાર જ્યારે પણ કાકા સાથે વાત કરે, ત્યારે નરમાશ આવી જતી; પણ જેવો ગોપાલ સાથે વાત કરે, એનો સૂર ઊંચો થઈ જતો. તેણે ગોપાલ સામે જોતાં પૂછ્યું, “લીગલ ઑફિસમાં કામ કરવું છેને?”
ગોપાલ હા કે ના, કંઈ જવાબ આપે એ પહેલાં જ તેમણે ગોપાલ સામે જોઈને કહ્યું, “અરે, બાબલા ગેંગમાં કામ કરવા કરતાં લીગલ ઑફિસ સારી છે. આવા ભણેલા કેદી પાસે સફાઈ કરાવીએ તે યોગ્ય નથી.”
ગોપાલને થોડીવાર તો ખબર જ ન પડી કે, ખુશ થાય કે શું કરે? ગોપાલને જે કામ ગમતું નહોતું, તેમાંથી આપોઆપ છુટકારો મળી રહ્યો હતો. પાલનપુર જેલમાં તે ટેબલ ખુરશી પર જ કામ કરતો હતો. તેને અમદાવાદ જેલમાં પણ તેવું જ કામ જોઈતું હતું, પરંતુ કોઈને વાત કરવાની તેની હિંમત નહોતી. સુબેદાર મોહનભાઈએ બૂમ પાડીને ઑફિસમાં કામ કરતા કેદીને બોલાવ્યો અને કહ્યું, “અલ્યા, આ છોકરાનો ચહેરો કરવાનો છે. તેને લીગલ ઑફિસમાં મૂકી દો.”
થોડીવારમાં એક કેદી ચહેરો કરવાના કાગળો લઈ આવ્યો. મોહનભાઈએ કાગળમાં કંઈક નોંધ કરી અને આદેશના સ્વરમાં કહ્યું, “આવતીકાલથી કાકાની ઑફિસમાં જતો રહેજે.”
ગોપાલે હાથ જોડીને કાકા અને સુબેદારનો આભાર માન્યો. કાકાના ચહેરા પર પણ કંઈક સારું કર્યાનો સંતોષ હતો. તેમણે ગોપાલને કહ્યું, “સારુ, જા, આવતીકાલથી લીગલમાં આવી જજે.”
ગોપાલને જાણે એકદમ લોટરી લાગી હોય તેવું લાગ્યું. તેને મનમાં થઈ રહ્યું હતું કે, નાચવા લાગે. પણ તેને ખબર હતી કે, અહીં નાચ્યો તો કુલ્લા તૂટી જાય. તેણે પોતાની જાત ઉપર કંટ્રોલ રાખ્યો. ગોપાલે ફરી આભારની મુદ્રામાં હાથ જોડ્યા અને ત્યાંથી ચાલવા લાગ્યો. હજી થોડે જ દૂર ગયો હશે, ત્યાં સુબેદારે બૂમ પાડીને તેને પાછો બોલાવ્યો. ગોપાલને મનમાં લાગ્યું કે, શું થયુ હશે? ગોપાલ પાછો આવ્યો. શું થયું છે? એવા પ્રશ્નાર્થ ભાવે સુબેદાર સામે જોયું. સુબેદારે પૂછ્યું, “તું બાબલા બેરેકમાં છેને?”
ગોપાલે હકારમાં માથું હલાવ્યું. સુબેદારે કાકા સામે જોયું અને કહ્યું “કાકા, આને ઑફિસ બેરેકમાં મૂકી દઈએ?”
કાકાએ હા પાડી. હવે ગોપાલને નવી બેરેક મળી. જ્યાં માત્ર ઑફિસમાં કામ કરતા કેદીઓ જ રહેતા હતા.
(ક્રમશઃ)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








