Thursday, September 3, 2026
HomeNationalDM એ પોતાના ખિસ્સાના 5 લાખ વળતર પેટે આપવા પડશે, DU ની...

DM એ પોતાના ખિસ્સાના 5 લાખ વળતર પેટે આપવા પડશે, DU ની વિદ્યાર્થીની પર NSA લગાવવી પડી ભારે

- Advertisement -

Allahabad High Court Akriti Chaudhary NSA case: દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીની અને સામાજિક કાર્યકર આકૃતિ ચૌધરી સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો એટલે કે NSA લગાવવાની કાર્યવાહી ગૌતમબુદ્ધ નગર જિલ્લા પ્રશાસનને ભારે પડી છે. અલ્હાબાદ હાઈકોર્ટે આકૃતિ ચૌધરી સામે કરવામાં આવેલી NSAની કાર્યવાહી ગેરકાયદેસર ગણાવીને તેને રદ કરી દીધી છે. એટલું જ નહીં, કોર્ટે 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ વળતરની રકમ ગૌતમબુદ્ધ નગરના જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે DMના પગારમાંથી ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલો એપ્રિલ 2026માં નોઇડા-ગ્રેટર નોઇડા વિસ્તારમાં થયેલા મજૂર આંદોલન સાથે જોડાયેલો છે. મજૂરો પગાર વધારો સહિતની વિવિધ માંગણીઓ સાથે આંદોલન કરી રહ્યા હતા. આંદોલન દરમિયાન હિંસા અને આગચંપીની ઘટનાઓ પણ સામે આવી હતી. પોલીસનો આરોપ હતો કે દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીની આકૃતિ ચૌધરીએ મજૂરોને ઉશ્કેર્યા હતા અને વાતાવરણ બગાડવામાં તેમની ભૂમિકા હતી. ત્યારબાદ તેમની સામે કડક NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

આકૃતિ ચૌધરીએ પોતાની ધરપકડ અને NSA લગાવવાની કાર્યવાહી સામે અલ્હાબાદ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકાર અને પોલીસ પાસે આ કાર્યવાહી માટેના પુરાવાઓ અંગે સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે જે આરોપોના આધારે વિદ્યાર્થીની સામે NSA લગાવવામાં આવ્યો છે, તેને સમર્થન આપતા નક્કર પુરાવા ક્યાં છે?

કોર્ટે કથિત ભડકાઉ વીડિયો, વોટ્સએપ ચેટ અને અન્ય સામગ્રી પણ રજૂ કરવા કહ્યું હતું. સાથે જ આકૃતિ ચૌધરીને કાયદા મુજબ અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી હતી કે નહીં અને ધરપકડની પ્રક્રિયા તમામ નિયમો મુજબ કરવામાં આવી હતી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી.

જસ્ટિસ અતુલ શ્રીધરન અને જસ્ટિસ અચલ સચદેવની ખંડપીઠે સમગ્ર રેકોર્ડની તપાસ કર્યા બાદ નોંધ્યું કે NSA લગાવવાની કાર્યવાહી યોગ્ય ઠેરવવા માટે પૂરતા પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી સામગ્રી આરોપોને સાબિત કરવા માટે પૂરતી ન હોવાનું પણ સામે આવ્યું.

- Advertisement -

રિપોર્ટ મુજબ હાઈકોર્ટે રાજ્ય સરકારના કેસને ‘Concocted Story’ એટલે કે ઘડાયેલી અથવા બનાવટી કહાણી ગણાવી હતી. ત્યારબાદ કોર્ટે NSA હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી ગેરકાયદેસર ઠેરવીને રદ કરી દીધી અને આકૃતિ ચૌધરીને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો. જોકે, જો તેઓ અન્ય કોઈ કેસમાં વોન્ટેડ હોય તો આ આદેશ લાગુ નહીં પડે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

આ ચુકાદાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ વળતર અંગેનો આદેશ છે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિના અધિકારોના ભંગ અથવા સરકારી કાર્યવાહી ખોટી સાબિત થાય ત્યારે વળતર રાજ્ય સરકારના સરકારી ખજાનામાંથી ચૂકવવામાં આવે છે. પરંતુ આ કેસમાં હાઈકોર્ટે વ્યક્તિગત જવાબદારી નક્કી કરતાં ગૌતમબુદ્ધ નગરના DMના પગારમાંથી 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

કોઈ સરકારી અધિકારીના પગારમાંથી સીધું વળતર વસૂલવાનો આદેશ ખૂબ જ અસામાન્ય માનવામાં આવે છે. આવા આદેશો સામાન્ય રીતે ત્યારે આપવામાં આવે છે જ્યારે કોર્ટને સરકારી કાર્યવાહી દરમિયાન ગંભીર ભૂલ, સત્તાનો દુરુપયોગ અથવા વ્યક્તિના મૂળભૂત અધિકારોના ગંભીર ભંગનો મામલો દેખાય.

- Advertisement -

NSA દેશના સૌથી કડક કાયદાઓમાંથી એક માનવામાં આવે છે. આ કાયદા હેઠળ કોઈ વ્યક્તિને સામાન્ય ટ્રાયલ વગર લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય છે. તેથી આ કાયદાનો ઉપયોગ માત્ર અસાધારણ પરિસ્થિતિમાં અને મજબૂત પુરાવાના આધારે જ થવો જોઈએ તેવી ન્યાયિક ટિપ્પણીઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે.

આકૃતિ ચૌધરી કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના આ ચુકાદાએ ફરી એકવાર સરકારી તંત્રની જવાબદારી અને NSA જેવા કડક કાયદાના ઉપયોગને લઈને ગંભીર ચર્ચા ઊભી કરી છે. ખાસ કરીને કોઈ વ્યક્તિ સામે પૂરતા પુરાવા વગર આટલી ગંભીર કાર્યવાહી કરવામાં આવે તો તેની જવાબદારી આખરે કોની હશે તે પ્રશ્ન પણ આ ચુકાદા સાથે ફરી ચર્ચામાં આવ્યો છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular