Onion prices skyrocket in India : દેશના નાગરિકો મોંઘવારીના માર (Inflation hits India) વચ્ચે પિસાઈ રહ્યાં છે. પેટ્રોલ-ડિઝલ બાદ ખાંડ અને હવે ગરીબોની કસ્તૂરીની કિંમતમાં ભારે વધારો થયો છે. ડુંગળીના વધતા ભાવે લોકોની આંખોમાં આસું લાવી દીધા છે. સરકાર ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા પ્રયાસ કરી રહી છે. બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઠાલવવાનું શરૂ કરી દેવાયું હોવા છતાં કાંદાના ભાવ કાબૂમાં નથી આવી રહ્યાં. ડુંગળીના ભાવ નિયંત્રણમાં કરવા નાસિકથી ડુંગળીનું પ્રથમ કન્સાઈનમેન્ટ ‘કાંદા એક્સપ્રેસ’ દિલ્હી (Onion Express reaches Delhi) પહોંચાડવામાં આવ્યું હોવા છતાં ભાવ કાબૂમાં નથી રહ્યા. કારણ કે, સરકારના સપ્લાય સામે બજારમાં ડુંગળીની માગ વધુ છે.
નાસિકમાં ડુંગળીના જૂના સ્ટોકની અછત હોવાથી બજાર પર અસર દેખાઈ રહી છે. દિલ્હી, જમ્મુ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ડુંગળી 50 થી 80 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. શ્રાવણમાં ડુંગળીની માગ ઓછી રહેતી હોવાથી તેમજ પૂરતી આવકના કારણે ડુંગળીના ભાવ હોલસેલ માર્કેટમાં નિયંત્રણમાં છે, પરંતુ છુટક વેપારીઓ નફાખોરી કરવાનું ચૂકતા નથી. નવો પાક ન આવે ત્યાં સુધી ડુંગળીના ભાવ વધવાની શક્યતા છે. દિલ્હી-એનસીઆરમાં રિટેલ ડુંગળી 50થી 55 રૂપિયા કિલો વેચાઈ રહી છે, પરંતુ ખુલ્લા બજારમાં 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. કેટલાક રાજ્યોમાં ડુંગળીના ભાવ 80 રૂપિયા સુધી પહોંચી ગયા છે.








