Wednesday, September 2, 2026
HomeGujaratપોલીસ ગોળીબાર કરે તો પુછે, ગોળી કેમ ચલાવી? ગોળી ના કરે તો...

પોલીસ ગોળીબાર કરે તો પુછે, ગોળી કેમ ચલાવી? ગોળી ના કરે તો પુછે બંદૂક શેના માટે છે?| શતરંજ-16

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-16, નવજીવન ન્યૂઝ): બીજી તરફ એટીએસમાં બેઠેલા ઇન્દ્રસિંહના મનમાં એક જોરદાર પ્લાનિંગ ચાલી રહ્યું હતું. તે છેલ્લા પંદર દિવસથી તેમના ટેબલ ઉપર પડેલા પાંચેય ફોનમાં રિંગ વાગે એટલે તે ઉપાડી મિનિટો સુધી સાંભળતા હતા. તે કંઈ પણ બોલતા ન હતા. ઇન્દ્રસિંહ જે સાંભળી રહ્યા હતા તેને પોલીસની ભાષામાં ફોન ઇન્ટરસેપ્શન કહેવાય. પોલીસ-અધિકારી ધારે તેનો મોબાઇલ નંબર ઇન્ટરસેપ્શનમાં મુકાવી શકતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો તે ફોન આંતરીને થતી વાતચીત સાંભળી રહ્યા હતા. ક્યારેક ક્યારેક તેમના ચહેરા ઉપરનો ભાવ ફોન ઉપર થઈ રહેલી વાતચીતો સાંભળી બદલાઈ જતો. સાંજે તેમણે આ મુદ્દે મંત્રી અમર ઠાકોરને મળવાનો નિર્ણય કર્યો, જે અંગે તેમની સાથે વાતચીત થઈ ગઈ હતી અને તેમણે છ વાગે જૂના સર્કિટ હાઉસ આવવાની સૂચના આપી હતી. ઇન્દ્રસિંહ જાડેજા જે તરફ પૂરી વાતને લઈ જવા માગતા હતા, તેની કોઈ કલ્પના ન હતી. આવનાર વર્ષોમાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ જવાના હતા.

જે ફોન ઇન્દ્રસિંહે ઇન્ટરસેપ્શનમાં મૂક્યા હતા તે તમામ ફોન રામબાબુના હતા. રામ પોતે પણ ગુનેગાર હતો, તેની ઉપર મર્ડર, રોબરી અને કિડનેપિંગ સહિતના અનેક ગુનાઓ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં નોંધાયેલા હતા. કોણ જાણે લાંબા સમયથી રામને ડીએસપી ઇન્દ્રસિંહ ઉપર ભરોસો બેસી ગયો હતો. આમ તો સૌ ગુનેગારો ઇન્દ્રસિંહને કાળા નાગ તરીકે ઓળખતા હતા. તેમની ઉપર ભરોસો મૂકવો એટલે પોતાના જ મોઢામાં સાઇનાઇડની ગોળી મૂકવા બરાબર હતી. છતાં રામ એવી ટ્રેપમાં આવી ગયો હતો કે ઇન્દ્રસિંહની તમામ વાતો માનતો હતો. જે ઑપરેશન પાર પાડવાનું હતું, તેમાં રામની હાજરી અને રામની મદદ હોવી જરૂરી હતી. રામ દ્વારા આપવામાં આવેલા ફોન નંબર ઉપરથી ઘણી મહત્ત્વની માહિતી મળી ચૂકી હતી, એટલે ઑપરેશનને અંજામ આપતાં પહેલાં અમર ઠાકોર સાથે વાત કરી લેવી જરૂરી હતી. નહીંતર પોલીસ ખાતામાં તોફાનો વખતે સામાન્ય રીતે બનતું હોય છે તેમ પોલીસ ગોળીબાર કરે તો ગોળી કેમ ચલાવી તેવો પ્રશ્ન પુછાય અને ગોળી ના મારો તો, બંદૂક શેના માટે આપી છે તેનો જવાબ આપવો પડે. લાભ લેવાનો વખત આવે તો નેતાઓ ઊભા રહી જતા અને જવાબ લખાવવાનો વખત આવે તો પોલીસ ઊભી રહેતી. ઇન્દ્રસિંહ ફુલ-પ્રૂફ યોજના બનાવવા માગતા હતા. માટે તેમણે ઠાકોર સાથે ચર્ચા કરવાનો નિર્ણય હતો.

- Advertisement -

ઇન્દ્રસિંહના નિશાન ઉપર અનેક લોકો હતા, જેમાં સૌથી પહેલાં જે. કે. વછરાજાની, જે સરકારની નજીક હતા અને ક્રાઇમ-બ્રાન્ચ જેવી મહત્ત્વની જગ્યા ઉપર બેઠા હતા. જે જગ્યા ઉપર ઇન્દ્રસિંહને આવવાની લાંબા સમયથી ઇચ્છા હતી. રોજની ટેવ પ્રમાણે ઇન્દ્રસિંહ જમીને સૂઈ ગયા. જ્યારે તેમની આંખ ખૂલી ત્યારે સાંજના પાંચ વાગ્યા હતા, મોઢું ધોયું. ચા પીધી અને ટીવી ચાલુ કરી સમાચાર જોવા માટે બેસી ગયા ત્યારે મુંબઈ પોલીસે પકડેલા કોઈ ગૅંગ્સ્ટરના સમાચાર ચાલી રહ્યા હતા અને મુંબઈ પોલીસના ડીસીપી પ્રેસ-કૉન્ફરન્સ કરી રહ્યા હતા. તે જ વખતે ચેમ્બરમાં જયહિંદનો અવાજ સંભાળાયો. તેમણે ટીવી તરફથી નજર હટાવી જોયું તો ઇન્સ્પેક્ટર કેતન રાજપૂત હતો. તેની સામે જોતાં જ ઇન્દ્રસિંહે ટીવી તરફ ઇશારો કરતાં કહ્યું, “ઓળખે છે આમને? ડીઆઇજી તામ્હણે. આપણે ૨૦૦૮ના બ્લાસ્ટ કેસ માટે મુંબઈ ગયા ત્યારે આપણને ખૂબ મદદ કરી હતી. મારા કરતાં એક વર્ષ સિનિયર છે. બહુ જ બહાદુર અને સારું નેટવર્ક, રાજન અને દાઉદ સાથે લોકલ ફોનની જેમ વાત કરે છે.” કેતન અહોભાવ સાથે ટીવી સામે જોઈ રહ્યો, ત્યાં તે સમાચાર પૂરા થતાં ઇન્દ્રસિંહે કેતનને પૂછ્યું : “શું થયું?” કેતને ફાઈલ ટેબલ ઉપર મૂકતા કહ્યું : “નારકોટિક્સના કેસનું ચાર્જશીટ કરવાનું છે, જરા જોઈ લો ને સાહેબ.” ફાઈલ પોતાની તરફ ખેંચી અને તેમાં નજર કરતાં કહ્યું : “કેતન! નારકોટિક્સના નાના કેસ કરવા નહીં.” કેતને તરત કહ્યું : “સર.” તે ફાઈલ લઈ બહાર નીકળ્યો. તે જ વખતે તેણે એક મિનિટ માટે પોતાની ડોક પાછી વાળી ઇન્દ્રસિંહ સામે નજર કરી ફરી તે ટીવી જોવા લાગી ગયા. કેતનને યાદ આવ્યું… તેણે ઘણા સિનિયરો પાસેથી સાંભળ્યું હતું કે ઇન્દ્રસિંહ જાડેજા ઇન્ટરનૅશનલ ડ્રગ સિન્ડિકેટ સાથે સંકળાયેલા છે, તેમને માટે રિપોર્ટ પણ થયો હતો. પણ અમર ઠાકોર સાથેના સંબંધને કારણે પછી તેમાં કંઈ થયું નહીં. કેતનને અનેક વખત વિચાર આવતો કે એક ઇન્ડિયન પોલીસ સર્વિસનો ઑફિસર ડ્રગ સિન્ડિકેટમાં હોય. તેનું મન માનતું ન હતું. તેને અનેક વખત સાહેબને પૂછવાનું મન થતું હતું. કેતન હજી તેમની ચેમ્બર બહાર ઊભો રહી વિચાર જ કરતો હતો ત્યાં ઇન્દ્રસિંહ જાડેજા પોતાની ચેમ્બરની બહાર નીકળ્યા. કેતને તેમને સલામ કરી અને બે મિનિટના અંતરે આવેલા જૂના સર્કિટ હાઉસ જવા રવાના થયા ત્યારે પોણા છ વાગ્યા હતા.

ઇન્દ્રસિંહની કાર જૂના સર્કિટ હાઉસમાં દાખલ થઈ ત્યારે તેમની નજર પાર્કિંગ તરફ ગઈ. જોકે ત્યાં મંત્રી અમર ઠાકોરની કાર ન હતી, પણ આવી જશે તેની ખાતરી હતી. ઠાકોર મોટા ભાગે ટાઇમ સાચવવામાં પાક્કા હતા. હજી તેમનો ડ્રાઇવર કાર પોર્ચમાં ઊભી રાખે તે પહેલાં તેણે રિવર્સ મિરરમાં જોયું કે મંત્રીની કાર પાછળ આવી રહી છે. તેણે પોતાની કાર પોર્ચમાં ઊભી રાખવાને બદલે થોડી આગળ લીધી, જેથી કરી મંત્રીની કાર પોર્ચમાં આવી શકે. ઇન્દ્રસિંહે પણ પાછા ફરીને મંત્રીની કાર જોઈ હતી. પોતાની કાર ઊભી રહેતાં ઇન્દ્રસિંહ કારમાંથી ઊતરી તરત પાછળ તરફ દોડ્યા જેથી કરી મંત્રીનો દરવાજો ખોલી શકે. જોકે ઇન્દ્રસિંહ પાછળ સુધી પહોંચે તે પહેલાં મંત્રી જાતે જ દરવાજો ખોલી પોતાની વિશાળ કાયા સાથે બહાર નીકળી ગયા હતા. ઇન્દ્રસિંહે તેમને સલામ કરી પણ તેમણે તેમનાથી ઊંચો થઈ શકે એટલો હાથ ઊંચો કર્યો અને સર્કિટ હાઉસનાં પગથિયાં ચઢવા લાગ્યા. ચાલતા ચાલતા મંત્રી વાતો કરી રહ્યા હતા. જ્યારે તેમની પાછળ સલામ ઝીલવાની ટેવવાળા ઇન્દ્રસિંહ રીતસર, કમરમાંથી નીચા નમી દરેક પ્રશ્નના જવાબમાં માત્ર ‘જી’ ‘જી’ બોલી રહ્યા હતા, બંને રૂમ નંબર ૬માં દાખલ થયા. આ રૂમ મંત્રીનો પરમેનન્ટ બુક હતો. પાણી સાથે આવેલા પટાવાળાને, ટેવ મુજબ માત્ર પોતાને માટે જ એક ચા લાવવાનો આદેશ આપ્યો હતો. મંત્રી અમર ઠાકોર વચ્ચેના સિંગલ સોફામાં બેઠા. જ્યારે તેમની બાજુમાં આવેલ ત્રણ વ્યક્તિ માટેના સોફામાં સાવ કિનારે ટેકો લીધા વગર ઇન્દ્રસિંહ બેઠા હતા. અનાયાસે તેમના હાથ નમસ્કારની મુદ્રામાં મંત્રી તરફ હતા. મંત્રીનો પીએ આવતાં તેમણે એક સાથે બે-ત્રણ લોકો સાથે વાત કરાવવાની સૂચના આપી દીધી.

મંત્રીએ પોતાના બંને હાથ ઉપર તરફ ખેંચ્યા. આંટી મારી અને આળસ મરડી. ઇન્દ્રસિંહે તરત ચાપલૂસી કરતાં કહ્યું, “થાકી ગયા લાગો છો સાહેબ.” મંત્રીએ પણ જાણે બહુ કામ કરતા હોય તેમ જ કહ્યું, “કામ તો કરવું જ પડે ને જાડેજા. તમારા જેવું નથી અમારે., બોલો બોલો… પછી મારે બીજાં કામ છે.” આટલું કહેતાં ઇન્દ્રસિંહે પોતાની પાસે રહેલી ફાઈલ ખોલી અને કેટલાક લખાણ ઉપર આંગળી મૂકતાં કહ્યું : “સાહેબ, નિઝામ ઉપર હવે આપણું પૂરું સર્વેલન્સ છે, તેની એક એક મિનિટની મૂવમેન્ટ આપણા ધ્યાનમાં છે. તમે મને બે મહિના પહેલાં તેનું કામ સોંપ્યું હતું, હવે તે પૂરું થઈ શકે તેવું છે. નિઝામ અત્યારે મહારાષ્ટ્રમાં લૉકેટ થઈ ગયો છે.” મંત્રી ઠાકોરે કહ્યું : “તો શું પ્લાનિંગ છે?” ઇન્દ્રસિંહ કોઈ નવી યોજના આપતા હોય તેવા પૂરા આત્મવિશ્વાસ સાથે સોફામાં થોડા પાછળ ખસતાં બોલ્યા : “આ ઑપરેશન થોડું સ્માર્ટલી કરવું પડશે. મને લાગે છે કે આખા ઑપરેશનનું પ્લાનિંગ હું કરીશ પણ તેને લીડ ક્રાઇમ-બ્રાન્ચ કરશે. કારણ કે આપણી પાસે વછરાજાની જેવા અનુભવી અધિકારી છે. સાથે માત્ર ક્રાઇમ-બ્રાન્ચ જ નહીં, અન્ય એજન્સીઓને પણ જોડી દઈએ, જેથી કાયમ આપણી ઉપર થતી શંકાઓ ઓછી થાય.” મંત્રીને લાગ્યું કે ઇન્દ્રસિંહ પહેલી વખત કંઈ બુદ્ધિપૂર્વકની વાત કરી રહ્યા હતા. “ખરેખર તો નિઝામને ગુજરાતમાં કોઈ ઓળખતું જ નથી. તેની સામે એક ગુનાને બાદ કરતા બધા જ ગુના રાજસ્થાનમાં છે. તેમાં રાજસ્થાન પોલીસને પણ ઑપરેશનમાં લેવી જોઈએ. પણ કોણ, ક્યારે અને કેવી રીતે આ ઑપરેશનનો ભાગ બનશે તે મેં નક્કી કરી લીધું, બસ, તમારી મંજૂરીની જરૂર છે. આ ઉપરાંત આપણા ગુજરાતના પ્રભારી નારાયણસિંહ મીનાએ પણ મુખ્યમંત્રીને નિઝામની દવા કરવાની વિનંતી તો કરી હતી.”

- Advertisement -

શૈતાની ખોપડી ધરાવતા મંત્રી અમર ઠાકોરને હવે વાતો સમજાઈ રહી હતી. ઇન્દ્રસિંહને પોતાની રમત હતી. અમરના પોતાના દાવ હતા. દરેક જણ બીજાને કેવી રીતે મહાત કરી શકાય તેની ફિરાકમાં હતા. મંત્રીએ આંખોનો ઇશારો કર્યો અને આગળ વધવાનું કહ્યું. તેમની આંખોમાં મસ્તી હતી. જતી વખતે ઇન્દ્રસિંહે યાદ અપાવ્યું કે, વછરાજાની સાથે વાત કરી લેવા મંત્રીએ હા પાડી. સર્કિટહાઉસની બહાર અંધારું થઈ ગયું હતું.

બે દિવસ પછી જે. કે. વછરાજાનીએ ક્રાઇમ-બ્રાન્ચમાં ફરજ બજાવતા ડિરેક્ટર આઇપીએસ અધિકારી એવા એસીપી દિનેશ નાયરને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા. નાયરનું આ પહેલું પોસ્ટિંગ હતું. તેમણે નાયરને બ્રીફિંગ આપતાં કહ્યું, “નાયર, આપ કો એક બડે ઑપરેશનકો લીડ કરના હૈ. નિઝામ નામ કા, એક ક્રિમિનલ હૈ, બેઝિકલી રાજસ્થાન કા હૈ લેકિન અબ વો ગુજરાત મેં ડાઇવર્ટ હો રહા હૈ. વો હમારે યહાં બડા હો ઉસકે પહેલે કામ પૂરા કરના પડેગા. હમેં ટ્રેનિંગ મેં સિખાયા જાતા હૈ કિ કાનૂન કા આદર કરના ચાહિયે. કાનૂન ખુદ ભી અદાલત મેં લાચાર બન જાતા હૈ : ઐસે ક્રિમિનલ કો કોર્ટ કા ડર નહીં લગતા ક્યોં કિ કોર્ટ ઉનકા કુછ બિગાડ નહીં પાતી. બહાર નિકલકર વો હમેં હી આંખે દિખાતા હૈ.’ “નાયરને લાગ્યું કે વછરાજાની બહુ મોટી વાત કરી રહ્યા હતા. ગુજરાતમાં પોસ્ટિંગ થયા પછી ઍન્કાઉન્ટરોની વાત સાંભળી હતી, પણ ક્યારેય તેવાં ઑપરેશનોમાં ભાગ લેવાની તક મળી ન હતી.

“નિઝામ બડા ચાલાક ઔર તેજ હૈ. બાર બાર જગહ બદલતા હૈ. સામને પોલીસ આતી હૈ તો ગોલી ભી ચલા દેતા હૈ. ગુજરાત, રાજસ્થાન ઔર મહારાષ્ટ્ર પોલીસ ઉસકો ઢૂંઢ રહી હૈ. અગર હમનેં ઉસકો પકડ લિયા તો ક્રેડિટ મિલેગી.” પછી તરત વાક્ય સુધારતાં કહ્યું : “નહીં, આપકો ક્રેડિટ મિલેગી. કામ મુશ્કિલ, જોખમી હૈ. ક્યા તુમ કરના ચાહોગે?” વછરાજાની નાયરના ચહેરા ઉપર થઈ રહેલા ફેરફારો નોંધી રહ્યા હતા. તેમને ખાતરી હતી કે નાયર ઑપરેશન માટે તૈયાર છે. તરત નાયરે કહ્યું : “સર, ઐસા કામ કરને કા મૌકા રોજ નહીં મિલતા. મેં તૈયાર હૂં.” વછરાજાની તેની નજીક આવ્યા અને તેના ખભે હાથ મૂકતાં કહ્યું : “આઇ ઍમ પ્રાઉડ ઑફ યુ. યુ આર માય બેસ્ટ ઑફિસર. બેસ્ટ ઑફ લક. આજ રાત કો સોલાપુર કે લિયે રવાના હોના હૈં. બાકી કા ઇંતેજામ મહેશ રાવ ઔર વિનય તોમર કર દેગેં.”

- Advertisement -

દિનેશ નાયર ઘરે ગયા. આઇપીએસની ટ્રેનિંગ પૂરી કરી ગુજરાત આવ્યા હતા. તેમનો પ્રોબેશન પિરિયડ પૂરો થયા પછી તેમને પહેલું એસીપી તરીકેનું પોસ્ટિંગ ક્રાઇમ-બ્રાન્ચમાં મળ્યું હતું. ટ્રેનિંગ દરમિયાન મોટાં ઑપરેશનોની વાતો થતી. ટ્રેનિંગ મળતી. હવે તેને મોકો હતો. નાયર મૂળ કેરળના હતા. પણ પિતા કેન્દ્ર સરકારના કર્મચારી હોવાને કારણે અનેક રાજ્યોમાં શિક્ષણ લેવા મળ્યું હતું. ગુજરાતમાં પહેલી વખત આવ્યા હતા. આઇપીએસ થતાં પહેલાં લગ્ન થઈ ચૂક્યાં હતાં, જેના કારણે તેમને દીકરો નીરવ પણ પાંચ વર્ષનો થઈ ગયો હતો. તેને અમદાવાદમાં ખૂબ મજા પડી હતી. તે પણ હવે ધીરે ધીરે ગુજરાતી સમજવા લાગ્યો હતો. નાયર શાહીબાગ ખાતે આવેલા આઇપીએસ ક્વાર્ટરમાં રહેતા હતા. ઘરે જતાં તેમણે બૅગ તૈયાર કરી.

(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular