Thursday, September 3, 2026
HomeGujaratજેહાદ શબ્દ સાંભળતા જ જુનેદ અને પટેલના મોતિયા મરી ગયા | શતરંજ-17

જેહાદ શબ્દ સાંભળતા જ જુનેદ અને પટેલના મોતિયા મરી ગયા | શતરંજ-17

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-17, નવજીવન ન્યૂઝ): દિવસોની પ્રતીક્ષા પછી એક કૉન્સ્ટેબલ જુનેદ પાસે આવ્યો. સવારના અગિયાર વાગ્યા હતા. તેણે જુનેદની હાથકડી ખોલી. જુનેદ તેની સામે આશ્ચર્ય સાથે જોતો રહ્યો. જે હૉલમાં જુનેદ, તેના દીકરા અને મકસૂદ સહિત અન્ય લોકોને રાખવામાં આવ્યા હતા તે બધા જુનેદ સામે જોઈ રહ્યા. બધાના મનમાં એક પ્રશ્ન હતો. મકસૂદના મનમાં ચિંતા પણ હતી, કે તેના પિતાની હાથકડી ખોલી તેમને ક્યાં લઈ જવામાં આવે છે. કારણ કે કોઈ દિવસ કોઈ એકલાને આવી રીતે, હૉલમાં લઈ જવામાં આવતા ન હતા. કૉન્સ્ટેબલે હાથકડી ખોલ્યા પછી જુનેદને ઊભા થવાનો ઇશારો કર્યો. તે મનમાં અનેક શંકા સાથે ઊભો થયો. તેણે કૉન્સ્ટેબલ સામે જોયું. તેના ચહેરા ઉપરના ભાવ જોઈ કૉન્સ્ટેબલે પૂછ્યા વગર કહ્યું : “ડીસીપી સાહેબ બોલાવે છે.” જુનેદના મનમાં ટાઢક થઈ. હાશ, હવે મારી વાત તો કોઈ સાંભળશે. બીજી જ ક્ષણે ડર પણ લાગ્યો કે ડીસીપી મારી વાત તો માનશે કે નહીં. અનેક શંકા અને કુશંકાઓ વચ્ચે કૉન્સ્ટેબલની સાથે જુનેદ નીચે ઊતર્યો. ચાલતાં થોડી તકલીફ પડતી હતી, કારણે દિવસો સુધી એક જ પોઝિશનમાં બેસી રહેવાને કારણે પગ અકડાઈ ગયા હતા. કૉન્સ્ટેબલનું ધ્યાન તેના પગ ઉપર ગયું. સીડી ઊતરતા કૉન્સ્ટેબલે મદદ માટે હાથ લાંબો કર્યો. જુનેદ તેનો હાથ પકડી નીચે ઊતરવા લાગ્યો. સીડી પૂરી થતાં જ ડાબી તરફ બે ચેમ્બરો હતી. પહેલી એસીપી પરમારની અને તેની સામે ડીસીપી વછરાજાનીની. કૉન્સ્ટેબલે દરવાજો ખોલ્યો અને તે બંને અંદર દાખલ થયા. સફેદ શર્ટ-પૅન્ટમાં વછરાજાની એકદમ ફ્રેશ મૂડમાં બેઠા હતા. જુનેદે પહેલી વખત વછરાજાનીને જોયા હતા.

તેણે બે હાથ જોડી નમસ્તે કર્યું. વછરાજાની બોલવામાં બહુ જ માહિર હતા. તેમની વાતચીત ઉપરથી તેમના મનમાં શું ચાલી રહ્યું છે તેનો અંદાજ મેળવવો મુશ્કેલ હતો. વછરાજાનીએ કહ્યું : “આવ જુનેદ! સૉરી. સાલું કામ બહુ હતું, એટલે તારી સાથે વાત કરવાનો સમય જ ના મળ્યો.” જુનેદ મનમાં બબડ્યો ‘એક મહિનો થઈ ગયો’… પણ તેના મોઢામાંથી શબ્દો નીકળ્યા “કંઈ વાંધો નહીં સાહેબ.” કૉન્સ્ટેબલને બહાર જવાનો વછરાજાનીએ ઇશારો કર્યો. તે બહાર જતો હતો, ત્યારે સૂચના આપી કે, “કોઈને અંદર આવવા દઈશ નહીં.” કૉન્સ્ટેબલ બહાર જતાં વછરાજાનીએ કહ્યું : “જુનેદ, બેસ.” પોલીસમાં એક પ્રકારની સ્ટાઇલ હોય છે. તે પોતાના કરતાં મોટી ઉંમરની વ્યક્તિને પણ તુકારે જ બોલાવે છે. કદાચ તેઓ બીજા કરતાં વધુ શક્તિશાળી હોવાનું દર્શાવવા આવું કરતા હશે. વછરાજાની હજી માંડ પચાસના થવા આવ્યા હશે. જ્યારે જુનેદ તેમના કરતાં પાંચ વર્ષ મોટો હતો. જુનેદને બેસવાનો ઇશારો કરતાં તે ડીસીપીની સામે ઉભડક પગે બેસી ગયો, કારણ કે છેલ્લા એક મહિનાથી તેને આવી રીતે બેસવાની ટેવ પડી હતી. તે નીચે બેસતાં જ વછરાજાનીએ કહ્યું : “અરે જુનેદ, આ શું કરે છે? ઉપર બેસ.” જુનેદે ના પાડી, પણ ડીસીપીએ તેને સોફા તરફ ઇશારો કરી ચેમ્બરમાં વછરાજાનીની ડાબી તરફ રહેલા સોફા ઉપર બેસવાનો ઇશારો કર્યો. આ અનુભવ જુદો જ હતો. જુનેદે ડીસીપી અંગે જે કંઈ સાંભળ્યું હતું તેની કરતાં કંઈક જુદું જ જોઈ રહ્યો. જુનેદને મનમાં ખાતરી થવા લાગી હતી, કે ડીસીપી તેની વાત સાંભળશે અને પછી પોલીસે તેને ખોટો પકડ્યો છે તેવી ખાતરી થતાં, તેને જવા દેવામાં આવશે.

- Advertisement -

ડીસીપી વછરાજાનીએ તેને ૨૦૦૨નાં તોફાનોથી પૂછવાની શરૂઆત કરી. જુનેદ તેના બરાબર જવાબ આપી રહ્યો. તે કંઈ પણ ખોટું બોલતો ન હતો, એટલે તેને યાદ કરી બોલવાની જરૂર ન હતી. અમદાવાદ અંગેના સવાલો પૂરા થતાં, તેણે સાઉદીમાં શું કર્યું, ક્યાં રહેતો હતો, ત્યાં જવા માટે કોણે મદદ કરી, સાઉદીમાં કોના કોના સંપર્કમાં હતો. તે બધા જ પ્રશ્નોના જવાબ તે આપી રહ્યો હતો. વછરાજાની હવે મહત્ત્વના પ્રશ્ન ઉપર આવવાના હતા. હમણાં સુધી શાંતિપૂર્ણ રીતે પ્રશ્ન પૂછી રહેલા વછરાજાનીએ પોતાની રિવૉલ્વિંગ ચેરમાં ટેકો લીધો અને પાછળ સુધી પોતાની ખુરશી લઈ ગયા. ફરી પાછા સીધા થતાં પૂછ્યું : “જુનેદ, સાઉદીમાં તારું બધું સારું ચાલતું હતું. સારા પૈસા કમાતો હતો, તો ભારત કેમ આવ્યો?” પ્રશ્ન સાંભળતાં જુનેદ કંઈ વિચારવા લાગ્યો. વછરાજાનીએ માની લીધું કે હવે જુનેદ જવાબ નહીં આપી શકે… પણ એણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું : “સાહેબ, પૈસા હતા, સુખ હતું, પણ પરિવાર ન હતો. સાચું કહું તો ૨૦૦૨માં બધું જ ગુમાવી દીધું હતું. જ્યારે દેશ છોડી બહાર ગયો ત્યારે નક્કી કરીને ગયો હતો કે હવે પાછો નહીં આવું. પણ ત્યાં રહ્યા પછી મને લાગ્યું કે થોડાક લોકોના પાગલપનને કારણે હું મારો દેશ શું કામ છોડું? મારી સાથે ત્યાં ઘણા ભારતીયો હતા. તેમાંયે ગુજરાતી પણ ખાસ્સા. અમે જ્યારે ભેગા થતા ત્યારે ગુજરાતનાં તોફાનોની ચર્ચા કરતા. કેટલાક એવા પણ હતા, જે હિંદુઓ સામે બદલો લેવાનું કહેતા હતા. મને પણ ક્યારેક ગુસ્સો આવી જતો. પણ સાહેબ, બદલો કોની સામે લઉં. હું મારા ગુસ્સાને શાંત કરતો. હું મારી પત્ની અને મારા દીકરા મકસૂદની જિંદગી ખરાબ કરવા નહોતો માગતો. જ્યારે મેં ભારત જવાનો નિર્ણય કર્યો ત્યારે સાઉદીમાં રહેતા મારા મિત્રોના મનમાં વિચાર આવ્યો કે, જેમણે ૨૦૦૨નાં તોફાનોમાં ગુમાવ્યું છે તેવા લોકોને મદદ કરવી જોઈએ. તેમના માટે અમે એક ફંડ ભેગું કર્યું, જેમાં મેં પોતે પણ પાંચ લાખ રૂપિયા આપ્યા. અમે અસરગ્રસ્ત મુસ્લિમો માટે એક સોસાયટી બનાવવાનો નિર્ણય કર્યો હતો.”

જુનેદને ખ્યાલ આવ્યો કે હમણાં સુધીની વાત ઉપર ડીસીપી ભરોસો કરી રહ્યા હતા, તેવું લાગતું હતું, પણ હવે તેમના ચહેરા ઉપરની રેખાઓ કંઈક જુદી જ હતી. તે જુનેદ સામે ધારીને જોઈ રહ્યા હતા. એટલે જુનેદે પોતાના ગળા ઉપર હાથ મૂકતા કહ્યું  : “ખુદા કસમ, એક લફ્ઝ પણ ખોટો બોલ્યો નથી.” વછરાજાનીએ તેને પૂછ્યું : “જાહીદ અને મુઝબિલને કેવી રીતે ઓળખે છે?” જુનેદને લાગ્યું કે ડીસીપી કેવા વાહિયાત સવાલ પૂછી રહ્યા છે, છતાં જવાબ આપવો અનિવાર્ય હતો. બહુ જ સામાન્ય વાત હોય તેમ જુનેદે જવાબ આપ્યો. “મારી સાથે સાઉદીમાં મહંમદભાઈ હતા. તેમનું મુંબઈ અને સાઉદીમાં બિલ્ડિંગ કંસ્ટ્રક્શનનું મોટું કામ છે. તેમણે પણ અમને ખૂબ મદદ કરી. જાહીદ અને મુઝબિલભાઈ પણ મુંબઈમાં બિલ્ડિંગોનું મોટું કામ કરે છે. આ બંને એક જમાનામાં મહંમદભાઈના પાટર્નર હતા. તેમને જ્યારે ગુજરાતના મુસ્લિમોને અમે મદદ કરીએ છીએ તેવી ખબર પડી એટલે તેમણે પણ તેમના ગ્રૂપમાંથી પૈસા ભેગા કર્યા હતા. તેઓ અમદાવાદ કામે આવવાના હતા, એટલે ફંડ લઈ આવ્યા હતા. હું પણ તમે અમને જ્યારે પકડ્યા ત્યારે પહેલી જ વખત મળ્યો હતો.”

ડીસીપી વછરાજાનીએ પોતાના ટેબલ ઉપર ઢાંકીને રાખેલા પાણીના ગ્લાસ ઉપરથી ડિશ હટાવી પાણી પીધું અને મોઢું સાફ કરતાં જાણે કોઈ મોટું રહસ્ય કહેતા હોય તેમ કહ્યું : “આની પહેલાં પણ તારી પાસે હવાલાથી પૈસા આવ્યા છે.” જુનેદે તરત કહ્યું : “આવ્યા છે ને સાહેબ. હમણાં સુધી કુલ બે કરોડ તેર લાખ આવ્યા છે. મારી પાસે પૂરો હિસાબ છે. અમે સોસાયટી માટે બૉમ્બે હોટલ પાસે નારોલમાં જમીન પણ ખરીદી છે.” હવે વછરાજાનીનું રૂપ બદલાઈ રહ્યું હતું. તે ગુસ્સે થતા ન હતા, પણ ચહેરો અને આંખ જુદી વાત કરી રહ્યાં હતાં. જુનેદના મનમાં હવે ફફડાટ થવા લાગ્યો હતો. તેના મનમાં ગડમથલ થઈ રહી હતી, કે કઈ રીતે મારી વાત ડીસીપીને સમજાવું? ડીસીપીએ પોતાની બંને હથેળીને એકબીજા સાથે ઘસતાં કહ્યું : “જુનેદ, બહુત જૂઠ બોલ રહા હૈ, મૈં તેરી ઉંમર કા લિહાજ કરતા હૂં. મેરી માર તેરે સે સહન નહીં હોંગી.” જુનેદ રડી પડ્યો. તેને છૂટવાની જે આશા હતી તે ધૂંધળી થતી લાગી. તેણે પોતાના હાથ જોડી ડીસીપીને કહ્યું : “સા’બ, ભરોસા કરો. જૂઠ બોલ કે મેરે કો કોઈ ફાયદા નહીં. મેં ક્યૂં જૂઠ બોલું?” વછરાજાનીએ ભરોસા સાથે કહ્યું : “તું જો છુપાના ચાહતા હૈ વહ મુઝે માલૂમ હૈ.” જુનેદે પોતાની લાચારી વ્યક્ત કરતાં કહ્યું : “તો સા’બ મેં અબ ક્યા બોલૂં.” વછરાજાનીએ બેલ મારતાં, કૉન્સ્ટેબલ આવ્યો. તેને જોતાં વછરાજાનીએ આદેશ આપ્યો : “વિનયને ત્યાં પેલો પટેલ બેઠો છે, તેને લઈ આવ.” પછી ચેમ્બરમાં નીરવ શાંતિ છવાઈ ગઈ. જુનેદ વિચાર કરી રહ્યો હતો કે હવે કોને બોલાવે છે. તેને મનમાં થતું કે હવે તે પોક મૂકી રડી લે. પણ તેવું કરી શક્યો નહીં. ત્યાં કૉન્સ્ટેબલ એક વ્યક્તિ સાથે દાખલ થયો. તેને મૂકી કૉન્સ્ટેબલ બહાર જતો રહ્યો. પેલી વ્યક્તિ ડીસીપી સામે આવી ઊભી રહી. તેનું શરીર કદાવર હતું, પણ ચહેરા ઉપરનો ડર બાળક જેવો હતો. ખુલ્લાં પૅન્ટ-શર્ટ પહેરેલાં હતાં, પગમાં ચંપલ હતાં, ચંપલના ચામડાને કારણે કાળી પડી ગયેલી પગની ચામડી તેની મહેનતની ચાડી ખાતી હતી. પેલી વ્યક્તિ ક્યારેક સોફા ઉપર બેઠેલા જુનેદ સામે તો ક્યારેક વછરાજાની સામે પ્રશ્નાર્થ નજરે જોતી હતી. વછરાજાનીએ તેને પૂછ્યું : “તારું નામ મહેશ પટેલ ને?” પેલાએ માથું હલાવી હા પાડી. વછરાજાનીએ, જુનેદ તરફ ઇશારો કરતાં પૂછ્યું : “ઓળખે છે આને?” મહેશે માથું હલાવી ના પાડી. તેણે સરખો જ સવાલ જુનેદને પૂછ્યો, તેણે પણ ‘ના’ પાડી.

- Advertisement -

ડીસીપીએ ચહેરા ઉપર એક સ્મિત લાવતાં કહ્યું : “અરે વાહ, લાખોનો કારોબાર એકબીજા સાથે કરો છો અને ઓળખતા નથી?” મહેશ અને જુનેદ એકબીજા સામે જોઈ રહ્યા હતા. વછરાજાનીએ ટેબલ ઉપર પડેલી પોતાની ડાયરીનાં પાનાં ફેરવ્યાં અને ચશ્માં પહેરી કંઈક વાંચ્યું અને મહેશને પૂછ્યું : “તારી પેઢીનું નામ છગનલાલ ઍન્ડ કંપની ને?” તેણે કહ્યું : “હા સાહેબ.” વછરાજાનીએ ડાયરીમાં કરેલી નોંધ વાંચતાં આગળ કહ્યું : “છેલ્લા છ મહિનામાં એક કરોડ બત્રીસ લાખ તારી મુંબઈ ઑફિસથી અમદાવાદમાં આ જુનેદને મોકલવામાં આવ્યા છે.” મહેશને તેનું કંઈ આશ્ચર્ય થયું નહીં. તેણે સહજતાથી કહ્યું : “સાહેબ, ધંધો જ આંગડિયાનો છે, તો આવ્યા હશે. આવું તો અમે રોજ કામ કરીએ છીએ. પણ આ ભાઈને મોકલ્યા છે કે નહીં તે હિસાબ જોઈને કહી શકું.” હવે વછરાજાનીનો પિત્તો ગયો. તેણે ખુરશીમાંથી ઊભા થતાં કહ્યું : “દેશ વિરોધી પ્રવૃત્તિ કરો છો. જેહાદ માટે સાઉદીથી ફંડ લાવતા હતા. બોલો, તમારો ઇરાદો શું હતો?” જેહાદ શબ્દ સાંભળતાં જુનેદ અને મહેશના મોતિયા મરી ગયા. બંનેએ વછરાજાનીને શાંત પાડતાં કહ્યું : “ખરેખર સાહેબ, અમે કોઈ દેશ વિરોધી કામ કરતા નથી. તમારી કોઈ ગેરસમજ થાય છે.” વછરાજાનીએ ઇન્ટરકૉમ ફોન ઉપાડ્યો અને કહ્યું : “વિનય, આ જુનેદ અને પટેલને સમજાવી દે… પછી મોડું થઈ જશે.” મહેશ અને જુનેદ ડરી ગયા હતા. તેમને હવે ખ્યાલ આવી ગયો હતો… વછરાજાની કોઈ ગંભીર બાબત તરફ વાત લઈ જઈ રહ્યા હતા. જેની તેઓ વાત કરતા હતા તેની સાથે તેમને દૂર દૂર સુધી કોઈ સંબંધ ન હતો. કૉન્સ્ટેબલ તેમને બંનેને લઈ બહાર નીકળ્યો. જુનેદને પાછા ઉપરના માળે આવેલા હૉલમાં લાવી મકસૂદ પાસે બેસાડી હાથકડી બાંધી દીધી હતી. જુનેદની પૂરા ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. જુનેદનો દીકરો મકસૂદ પોતાના પિતા સામે જોઈ રહ્યો હતો. તે જાણવા માગતો હતો કે તેને ક્યાં લઈ ગયા અને શું પૂછ્યું. તેના પિતાને લઈ ગયા ત્યારથી તેનું મન વ્યાકુળ હતું. મકસૂદે પોતાના જે હાથમાં હાથકડી હતી તે હાથ થોડો લાંબો કરી પિતાને સ્પર્શ કરતાં પૂછ્યું : “અબ્બુ, ક્યા હુઆ?” અને જુનેદની આંખમાં આંસુ વહેવા લાગ્યાં. તેણે દીકરા સામે જોતાં કહ્યું, “બેટા, હમ આતંકવાદી હૈ ઐસા વછરાજાની સા’બ કહેતે હૈં. જેહાદ કે લિયે હમ ભારત આયે.” આ સાંભળતાં મકસૂદના ચહેરો ફિક્કો પડી ગયો. જાણે સાપ કરડ્યો હોય અને નૂર ઊડી ગયું હોય! તેના પગ નીચેથી ધરતી ખસી ગઈ. હવે તેની ઉપર આતંકવાદી હોવાનો આરોપ હતો. મકસૂદ પણ પિતાની સાથે રડવા લાગ્યો હતો. તેની આંખ સામે અંધારા સિવાય કંઈ ન હતું.

બીજી તરફ એસીપી દિનેશ નાયર, ઇન્સ્પેક્ટર મહેશ રાવ અને વિનય તોમર બે-ચાર કૉન્સ્ટેબલો સાથે બે ખાનગી ક્વોલિસ કાર લઈ સોલાપુર જવા રવાના થયા હતા. તેમને હાલમાં માત્ર એટલી જ સૂચના હતી કે સોલાપુર પહોંચી જાવ. આ ત્રણ પોલીસ-ઑફિસરો પૈકી કોઈને ખબર ન હતી નિઝામ ક્યાં હશે અને તેને કેવી રીતે પકડવાનો હોય છે. સોલાપુર ગયા પછી તેમને વછરાજાની સૂચના આપવાના હતા. ખરેખર તો વછરાજાની પણ આગળના ઑપરેશનથી અજાણ હતા. તેમને એટીએસ ઇન્દ્રસિંહ જાડેજા જે માહિતી મોકલવાના હતા તેની ઉપર કામ કરવાનું હતું. ખરેખર તો વછરાજાની ઇન્દ્રસિંહ કરતાં સિનિયર હતા તેના કારણે ઇન્દ્રસિંહની માહિતી ઉપર કામ કરવામાં તેમનો ઇગો હર્ટ થતો હતો, પણ મંત્રી અમર ઠાકોરની સૂચના હોવાને કારણે તેઓ તેની ઉપર કામ કરતા હતા.

(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular