Sunday, August 23, 2026
HomeGujaratAhmedabadગોપાલને સાબરમતી જેલમાં એક નવી ઓળખ મળી હતી, હવે તેને કેદી નંબર...

ગોપાલને સાબરમતી જેલમાં એક નવી ઓળખ મળી હતી, હવે તેને કેદી નંબર મળી ગયો

- Advertisement -

પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-40): Nadaan Series : સાબરમતી જેલના સિનિયર જેલર શેખ સાહેબ રાઉન્ડમાં આવ્યા. બધા કેદીઓ પોતાનાં કાર્ડ સાથે લાઈનમાં ઊભા રહી ગયા હતા. તેમણે એક નજર ફેરવીને તમામ કેદીના ગુના અને સજા જોઈ લીધી. ગોપાલને શેખ સાહેબ ભલો માણસ લાગ્યો. કારણ, તેની નજરમાં તીરસ્કાર નહોતો દેખાતો. તેમણે બાજુમાં ઊભા રહેલા જમાદારને સૂચના આપવાની શરૂઆત કરી કે, કોને કઈ બેરેકમાં મૂકવા. ગોપાલ અને સલીમનો નંબર આવતાં તેમણે જમાદારને કહ્યું, “બાબલામાં મૂકો.”
ગોપાલ વિચાર કરવા લાગ્યો, બાબલા શું હશે? તેણે સલીમ સામે જોયું. એણે આંખોથી જ જવાબ આપ્યો, “પછી કહું છું.”

પંદર મિનિટ પછી શેખ સાહેબ જતા રહ્યા. સલીમે કહ્યું, “હવે આપણે ગાંધી માર્ગે કામ કરવાનું છે.”

- Advertisement -

ગોપાલ ફરી વિચાર કરવા લાગ્યો. સલીમે ફોડ પાડતાં કહ્યું, “જેલમાં બાબલા ગેંગ એટલે જેલની સફાઈ કરતા કેદીઓ. આપણી બેરેકમાં બધા જ સફાઈકામ કરનારા કેદીઓ હશે.”

સફાઈકામ સાંભળતા જ ગોપાલના રુવાડાં ઊભાં થઈ ગયાં. તેને આ કામ જરાય પસંદ નહોતું. તેણે ધીમા અવાજે ગુસ્સામાં કહ્યું, “મારે બાબલા ગેંગમાં કામ કરંવુ નથી.”
સલીમ હસી પડ્યો. તેણે કહ્યું, “તને કોઈએ પૂછ્યું કે, તારે શું કામ કરવું છે?”
પછી શાંતિથી સમજાવતાં કહ્યું, “જેલમાં તમારી એન્ટ્રી થાય એટલે પહેલો મહિનો તમામ કેદીએ બાબલા ગેંગમાં કામ કરવું પડે.”

- Advertisement -


ગોપાલ વિચાર કરવા લાગ્યો. ઓહો! એક મહિનો સફાઈનું કામ કરવાનું! એકાદ કલાક પછી ત્યાં એક પાકા કામનો કેદી આવ્યો. એની સાથે એક જમાદાર પણ હતો. જમાદારે બૂમ પાડી એટલે પાકા કામના કેદીએ બધાને લાઈનમાં ઊભા રાખી દીધા. એ કેદી બંધી અમલદાર તરીકે કામ કરતો હતો. નવા આવેલા તમામ કેદીને તેણે બે–બે જોડી સફેદ કપડાં આપવાની શરૂઆત કરી. ગોપાલે સલીમ સામે જોયું. સલીમે સ્મિત સાથે કહ્યું, “આપણો યુનિર્ફોમ આવી ગયો છે.”

ગોપાલ એની સામે જોઈ રહ્યો. હવે જેલના નિયમ પ્રમાણે આપણે જેલના આ સફેદ કપડાં અને ટોપી જ પહેરવાની રહેશે. દીવાલની બહાર જઈએ ત્યારે આપણાં પેન્ટ–શર્ટ પહેરવાના. પેલો કેદી ગોપાલ પાસે આવ્યો. બે જોડી સફેદ કપડાં તેણે ગોપાલના હાથમાં મૂક્યા. ગોપાલે કાપડને સ્પર્શ કર્યો તે એને થયું કે, આટલું બરછટ કાપડ પહેરાવાનું! સલીમ તેને જોઈ રહ્યો હતો. તેણે કાન પાસે મોઢું લાવીને કહ્યું, “આ ખાદી છે. ગાંધી બાપુની ખાદી, પહેલાં તે ગાંધીની નોટ છાપી, હવે ગાંધીના કપડાં પહેરાવાના.”
જમાદાર બહુ તોછડો હતો. તે ગાળ સિવાય વાત કરતો નહોતો. કપડાં લઈને બધા કેદીઓ બેરેકમાં પાછા ગયા. જમાદારે અપશબ્દ બોલતાં કહ્યું, “કપડાં બદલી નાખો.”

- Advertisement -

સલીમ પોતાના કાર્ડમાં જોઈ રહ્યો હતો. ગોપાલની નજર પણ ત્યાં જ હતી. સલીમે ગોપાલના હાથમાં રહેલું કાર્ડ લઈ એક જગ્યાએ આંગળી મૂકતાં કહ્યું, “હવે તને એક નવી ઓળખ મળી છે. 12755–D. હવે તને જેલમાં લોકો નામથી નહીં, આ નંબરથી ઓળખશે. આ તારો કેદી નંબર છે.”
ગોપાલને થયું કે, અહીંથી ભાગી છૂટું. મારે નથી રહેવું જેલમાં, એવું બરાડીને કહે. તે એ પણ જાણતો હતો કે, તેની અંદર આવું કરવાની હિંમત નથી. સલીમ સાબરમતી જેલમાં આવ્યા પછી પણ પહેલાં જેવો જ બિન્દાસ હતો. તેના ચહેરા પર કે વ્યવહારમાં કોઈ ફેર પડ્યો નહોતો. ગોપાલને ઘણી વાર લાગતું કે, સલીમને ફેર તો પડે છે, પરંતુ કદાચ તે ચહેરા પર પોતાની તકલીફોને આવવા દેતો નથી.

બપોર પહેલાં ગોપાલ અને સલીમને બાબલા બેરેકમાં મોકલી દેવાયા. જે કેદીઓ બાબલા બેરેકમાં કામ કરતા હતા, તે બપોર થતાં પોતાની બેરેકમાં પાછા ફર્યા. તેમનો જમવાનો સમય થયો હતો. તેઓ આખા ધૂળવાળા હતા. તેમને જોઈને ગોપાલ પોતાનો વિચાર કરવા લાગ્યો. આવતીકાલથી મારી સ્થિતિ પણ આવી જ થશે.

બાબલા ગેંગના કેદીઓએ પહેલાં ન્હાઈ લીધું પછી બેરેકમાં જમવા બેઠા. ગોપાલ અને સલીમનું જમવાનું પણ આવી ગયું હતું, પણ હજી તેઓ જમ્યા નહોતા. જમવા બેઠેલા એક કેદીનું ધ્યાન ગોપાલ તરફ ગયું. તેણે રોટલીનો કોળિયો મોંમાં મૂકતાં પૂછ્યું, “મહેમાન, જમ્યા કે નહીં?”
ત્યાં નવા આવેલા કેદીને મહેમાન કહીને બોલાવાતા હતા. ગોપાલને આ શબ્દ ગમ્યો. તેણે માથું હલાવીને ના પાડી. પેલા કેદીએ કહ્યું, “તો પછી હાલો, કોના આમંત્રણની રાહ જુઓ છો?”


સલીમે ગોપાલને ઇશારો કર્યો, ચાલ જઈએ. ગોપાલ અને સલીમ પોતાની થાળી લઈને પેલા કેદીઓ પાસે જમવા ગયા. એક કેદીએ જમતાં જમતાં તેમને ઉપરથી નીચે સુધી જોયા. તેના ચહેરા પર સ્મિત હતું. સલીમ પણ સ્માર્ટ હતો. એ તરત નજર પારખી જતો. એણે રોટલી દાળમાં ડબોળતાં પૂછ્યું, “શું થયું? કેમ હસવું આવ્યું?”

પેલા કેદીએ પહેલાં તો આસપાસ જોયું, પછી હસતાં હસતાં કહ્યું, “તમારા બે સિવાય આખી બેરેકમાં કોઈની પાસે બગલા જેવાં ધોળા કપડાં નથી.” પછી બધા હસી પડ્યા.

એણે ફોડ પાડતાં કહ્યું, “પહેલાં દિવસે અમે બાબલામાં આવ્યા, ત્યારે અમારાં કપડાં પણ તમારા જેવા જ ધોળા હતા; પણ હવે જુઓ.”

એમ કહી તેણે પોતાના પીળા પડી ગયેલાં કપડાં તરફ ઇશારો કર્યો. ગોપાલ વિચાર કરી રહ્યો હતો કે, અહીંયા આટલું બધું કામ કરવું પડશે! ગોપાલે થોડીવાર પછી એ કેદીને પૂછ્યું, “સફાઈ કેટલા વિસ્તારમાં કરવી પડે છે?”

પેલાએ રોટલીમાં શાક લેતાં કહ્યું, “68 એકર.”

એનો જવાબ સાંભળતાં જ ગોપાલના હાથમાં રહેલી રોટલી એમની એમજ રહી ગઈ. સલીમે ગોપાલ સામે જોયું અને કહ્યું, “તારે એકલાએ 68 એકરમાં કામ નથી કરવાનું. બાબલા ગેંગમાં પચાસ માણસો છે.”

(ક્રમશઃ)

PART 39 : આ સાબરમતી જેલની તોતિંગ દીવાલો પાછળ પણ એક નગર વસે છે તેની ગોપાલને પહેલી વખત ખબર પડી

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular