પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): હું તો ટેકસી ડ્રાઈવર હતો, મારી આંખોમાં કોઈ સ્વપ્ન પણ ન્હોતુ, મેં કોઈ મોટી અને સારી જીંદગીની કલ્પના પણ કરી ન્હોતી, હું જે ટેકસી કંપનીમાં કામ કરતો હતો તેમનો કોન્ટ્રાકટ આજતક ચેનલમાં હતો. હું આજકત ચેનલમાં કામ કરતા ગોપીબહેન મણિયાર અને કેમેરામેન ઉજ્જવલ ઓઝા સાથે ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. રોજનું કામ પુરૂ થાય એટલે સાંજે મારે ગોપીબહેનને તેમના ઘરે છોડવાના અને મારી નોકરી પુરી થતી હતી. 2012ની વાત છુ સાંજે ગોપીબહેનને છોડવા જતા પહેલા હું ઓફિસની નીચે મારી કાર સાફ કરી રહ્યો હતો, ગોપીબહેનને આવતા જ પુછયુ શુ કરે મેં કહ્યુ બહેન કાર સાફ કરૂ છુ, તેમણે મને કહ્યુ કયાં સુધી આ કરતો રહીશ, મેં જવાબ આપ્યો બહેન ઘર ચલાવવા માટે તો આ જ કરવુ પડશે તેમણે મને કહ્યુ જા ટીવી નાઈનની ઓફિસમાં જા હું વાત કરી લઈશ આ દિવસ મારી જીંદગીનો એવો દિવસ હતો જેણે મારી જીંદગીનો રસ્તો બદલી નાખ્યો, આ શબ્દ ટીવી નાઈનના કેમેરા મેન ઈમરાન શેખના છે.
ઈમરાન શેખ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આજે પણ રહે છે, 2002ના તોફાનો થયા ત્યારે તે દસમાં ધોરણમાં ભણતો હતો, ઘરમાં માતા પિતા અને પાંચ નાની બહેનો ઈમરાન સૌથી મોટો, તોફાન શરૂ થતાં ઘરે આવેલા પિતાનો ચહેરો માયુસ હતો, તેમણે અમ્મી સાથે વાત કરી તેમની વાત સાંભળી ઈમરાન સમજી ગયો કે હવે નારોલની ફેકટરીમાં કામ કરતા પિતા પાસે નોકરી નથી, ઈમરાને નક્કી કર્યુ કે હવે સ્કુલને કાયમ માટે અલવીદા કહી કામ કરવુ પડશે, દાણીલીમડાની બાજુમાં જ જમાલપુર શાક માર્કેટ આવેલુ છે, આખા ગુજરાત અને ગુજરાત બહારથી શાકની ટ્રકો માર્કેટમાં આવે છે, ઈમરાન માર્કેટમાં પહોંચ્યો હજી ઉમંર તો સત્તર વર્ષ હતી પણ ઘરની સ્થિતિએ તેને મોટો બનાવી દીધો હતો, ઈમરાને ટ્રકો ખાલી કરવાની નોકરી કરવાની શરૂઆત કરી.

ટ્રક ડ્રાઈવરો સાથે પનારો રહેતો હોવાને કારણે કોઈએ કહ્યુ ટ્રકના કંડકટર તરીકે કામ કરીએ તો પૈસા સારા મળે એટલે ટ્રક ડ્રાઈવર સાથે કંડકટર તરીકે કામની શરૂઆત કરી, આખા ગુજરાતમાં ફરવાનું થતુ હતું,જામનગર રીલાયન્સને ફેકટરીમાંથી માલ ભરી નિકળવાનું અને જયા સુચના મળે ત્યા જવાનું થતુ હતું એક દિવસ ઈમરાનની ટ્રકને વિરમગામ પાસે અકસ્માત નડયો જેનો ડ્રાઈવર તેનો પિતરાઈ ભાઈ જ હતો, અકસ્માતમાં ઈમરાન તો બચી ગયો પણ તેનો પિતરાઈ ભાઈ જે ટ્રકનું ડ્રાઈવીંગ કરતો હતો તેનું મોત નિપજયુ ઘટનાએ ઈમરાનના માતા પિતા ડરી ગયા, તેમણે ઈમરાનને કહ્યુ હવે તારે ટ્રક ઉપર નોકરી કરવાની નથી, ટ્રક ઉપર નોકરી કરતા કરતા ઈમરાન ડ્રાઈવીંગ શીખી ગયો હતો, કામ કરવુ તો જરૂરી હતું કોઈએ જાણકારી આપી કે એનડીટીવીમાં ટેકસી સપ્લાય કરતા બકાભાઈને ડ્રાઈવર જોઈએ છે.

ઈમરાન એનડીટીવી પહોંચી ગયો, અને ટેકસી ડ્રાઈવર તરીકે નોકરીની શરૂઆત કરી, ઈમરાન કહે છે હું ડ્રાઈવર હતો પણ મને ચેનલના ડ્રાઈવરનો રોમાંચ થતો હતો, હું કેમેરામેન નટુ સાથે તેને કેમેરા ટ્રાયપોટ અને વાયરો પકડી ચાલતો મને થયુ કે કેમેરા મેન જાણે કોઈ જાદુ કરે છે, ડ્રાઈવર તરીકેની મારી નોકરી બદલાતી ગઈ કારણ કે જેમ જેમ કોન્ટ્રાકટ બદલાય તેમ તેમ નવી ચેનલના ડ્રાઈવર તરીકે હું કામ કરતો, મારા નાવા માલિક શ્રેણીક શાહને આજતકનો કોન્ટ્રાકટર મળ્યો હું આજતક ચેનલના ડ્રાઈવર તરીકે આવ્યો, મને ગોપીબહેન અને ઉજ્જલભાઈ મળ્યા હું તેમને લઈ ખુબ ફર્યો, કયારે બહારગામ સ્ટોરી માટે જવાનું થાય ત્યારે ત્યારે સભા સ્થળે મને ઉજ્જવલભાઈ સ્ટીલ ફ્રેમ કોને કહેવાય લાઈટ કેટલી જોઈએ, ઝુમીંગ કેવી રીતે કરવુ તેવુ શીખવાડવા લાગ્યા.
ડ્રાઈવર હોવા છતાં મને આ કામનું બહુ કૌતુક રહેતુ હતું અનેક વખત તેમણે મને વિવિધ સભામાં કેમેરા ફ્રેમ કેવી રીતે તૈયાર કરવી કેમેરા ઉપર નજર કેવી રીતે રાખી તે શીખવ્યુ, મારા મનમાં કેમેરામેન થવાનો કયારે વિચાર સુધ્ધા આવ્યો ન્હોતો, 2012માં જયારે ગોપીબહેને પુછયુ આ કામ કયાં સુધી કરીશ ત્યાં સુધી મને ખબર ન્હોતી કે ગોપીબહેન અને ઉજ્જવલભાઈ માટે શુ વિચારી રહ્યા છે, ગોપીબહેને મને કહ્યુ ટીવી નાઈનની ઓફિસ ઉપર જા ત્યાં જઈ એક નંબર આપુ તેની ઉપર ફોન કરજે તેમનું નામ ઉર્વિશ સોની છે તે તેને અંદર લઈ જશે.
ટીવી નાઈનની ઓફિસે પહોંચ્યો ઉર્વિશભાઈને ફોન કર્યો તે મને બહાર લેવા આવ્યા મને કઈ જ ખબર ન્હોતી કે મારા માટે શુ વાત થઈ છે અને મને શુ કામ મોકલ્યો છે, ઉર્વિશભાઈ મને સીધા એચઆરમાં લઈ ગયા મારી પાસે વિવિધ પ્રકારના ફોર્મ ભરાવ્યા અને મને કહ્યુ આવતીકાલે આ ડોકયુમેન્ટ લઈ આવી જજે તારી કેમેરામેન તરીકે નોકરી આવતીકાલથી શરૂ. હું ડરી ગયો એક ડ્રાઈવર કેવી રીતે કેમેરામેન થઈ શકે, હું આજતકની ઓફિસે આવ્યો મેં ગોપીબહેનને કહ્યુ બહેન મને આ કામ નહીં આવડે હુ તો ડ્રાઈવરીમાં જ બરાબર છુ આટલી મોટી કંપની આટલા મોટા લોકો સાથે મને કામ આવડે નહીં, ગોપીબહેન અને ઉજ્જવલભાઈએ મને કહ્યુ આવતીકાલથી તુ કેમેરામેન તરીકે કામ શરૂ કરીશ કોઈ તકલીફ પડે તો અમે છીએ આજે મને ટીવી નાઈનમાં 10 વર્ષ કેમેરામેન તરીકે થઈ ગયા મને ઉર્વિશભાઈ અને ટીવી નાઈનના સ્ટાફે ખુબ મદદ કરી હું એક ડ્રાઈવર તરીકે આવ્યો છુ તેવુ મને કોઈ કયારેય યાદ કરાવ્યુ નહીં, તે દિવસે મને ગોપીબહેનને પુછયુ ના હોત તો આજે પણ ટેકસી ચલાવતો હોત ખબર નહીં ખુદા કયાં અને કેવી રીતે મળે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











