પ્રશાંત દયાળ (શતરંજ-51, નવજીવન ન્યૂઝ): ડીસીપી વછરાજાની મળીને નીકળ્યા પછી પંતને વિચાર આવ્યો કે, હવે સરકાર ઍન્કાઉન્ટરમાં સામેલ અધિકારીઓ અને સાક્ષીઓને ડરાવવા-ધમકાવવાની શરૂઆત કરશે. તેમણે તરત ઇન્ટરકૉમ ઉપર પરમારને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા. પરમાર આવતાં જ પંતે પૂછ્યું, “વિટનેસ કૈસે લોગ હૈં? હોસ્ટાઇલ તો નહીં હોંગે ના?” પરમારે સ્પષ્ટતા કરતાં કહ્યું, “દેખિયે સર, પોલીસ કે સામને વિટનેસ બૉક્સ મેં ખડા રહના કોઈ છોટી બાત નહીં. દૂસરે વિટનેસ બૉક્સ મેં જાને સે પહલે ભી બહોત કુછ હો સકતા હૈ.”
પંતના ચહેરા ઉપરની ચિંતા જોતાં, પરમારે કહ્યું, “સર, જબ મૈં વિટનેસ સ્ટેટમેન્ટ રેકર્ડ કર રહા થા, તભી મુઝે ભી વિચાર આયા હૈ. કોર્ટ મેં વિટનેસ બોલ દેગા કિ પુલિસને ગલત યા ફોર્સફુલી સ્ટેટમેન્ટ લિયા હે, ઇસ લિયે મૈંને સબ વિટનેસ કે મૅજિસ્ટીરિયલ સ્ટેટમેન્ટ ૧૬૪ લેને કોર્ટ કો ઍપ્લિકેશન દે દી હૈ.” પંતના ચહેરા ઉપરની ચિંતા હવામાં ઓગળી ગઈ. તેમણે કહ્યું, “ગુડ. પરમાર, અભી વછરાજાની આયા થા સમજાને. મંત્રી ભી ચાહતે હૈ, હમ હમારા ઍક્શન પ્લાન બદલ દે.” પરમાર પંત સામે જોવા લાગ્યા… ક્યાંક પંત માની તો નથી ગયા તેવી ચિંતા થવા લાગી હતી, પણ પરમારનો ચહેરો જોતાં જ તે બોલ્યા, “નહીં નહીં, આપ ચિંતા મત કરે. હમને ઉનસે કોઈ વાદા નહીં કિયા. આપ અપના કામ ચાલુ રખે.”
મોટા ભાગના કેસમાં પોલીસ દ્વારા જે સાક્ષીઓનાં નિવેદન લેવામાં આવે છે, તેમાં સાક્ષીઓ દબાણમાં, આર્થિક લાલચમાં અથવા અન્ય કોઈ કારણસર કોર્ટમાં પોલીસ દ્વારા નોંધવામાં આવેલી જુબાની કરતાં જુદું જ બોલે છે અથવા તેમને જ્યારે તેમની જુબાની બતાવવામાં આવે ત્યારે કોર્ટને એવું પણ કહેતા હોય છે કે “પોલીસે ત્યારે શું લખ્યું હતું તેની ખબર નથી. અમારી તો માત્ર સહી લીધી હતી.” આવું બને ત્યારે સીધો ફાયદો આરોપીને થાય અને કોર્ટ આરોપીને પુરાવાના અભાવે છોડી મૂકે. ઇન્સ્પેક્ટર પરમાર જે કરી રહ્યા હતા તેમાં કાયદામાં એક ક્રિમિનલ પ્રોસિજર કોડ ૧૬૪માં એવી જોગવાઈ છે કે, સાક્ષી પોતાનું નિવેદન એકલા મૅજિસ્ટ્રેટની હાજરીમાં નોંધાવે, ત્યારે ત્યાં પોલીસ અથવા ત્રાહિત વ્યક્તિની હાજરી પણ નથી હોતી. મૅજિસ્ટ્રેટ સામે આપવામાં આવેલા નિવેદનને ટ્રાયલ કોર્ટમાં આધાર માનવામાં આવે છે. જ્યારે સાક્ષી પોતાનું નિવેદન ફેરવી નાખે તેવા સંજોગોમાં અગાઉ તેમણે જ મૅજિસ્ટ્રેટ સામે આપેલું નિવેદન મહત્ત્વનું બની જાય છે. ઈન્સપેક્ટર વિનોદ પરમારે તમામ સાક્ષીઓનાં કોર્ટમાં નિવેદન લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સોલાપુર અને હુબલીના સાક્ષીઓનો પણ સમાવેશ થતો હતો. રમત શતરંજ જેવી થઈ હતી, કોણ ક્યારે અને ક્યાં કેવી ચાલ ચાલશે તેનો પહેલાંથી અંદાજ લગાવીને તમારે ગેમ રમવાની હતી.
આ તરફ પત્રકાર આદેશ પણ પોતાની તૈયારીમાં લાગી ગયો હતો. તેને ખબર પડી કે રિલીફ રોડ જતાં વીજળીઘર ચાર રસ્તા ઉપર આવેલી વૈભવ હોટલમાં રોજ રાત્રે કેટલાક પોલીસવાળા દારૂ પીવા ભેગા થાય છે, જેમાં એટીએસમાં ફરજ બજાવતો અને ઇન્સ્પેક્ટર કેતન રાજપૂતના રાઇટર તરીકે કામ કરતો મહેન્દ્રસિંહ પણ આવે છે. આદેશનો અનુભવ હતો કે, જેની સાથે એક વખત તમે દારૂ પીવો એટલે તેની સાથે ઘનિષ્ઠતા વધે છે. આદેશના આ મત સાથે તેના જ કેટલાક મિત્રો સંમત ન હતા. તેમની દલીલ એવી હતી કે આદેશ પોતાની દારૂની ટેવને જસ્ટિફાય કરવા માટે આવી દલીલ કરે છે. પણ આદેશના આગ્રહ અને દુરાગ્રહ બંને મજબૂત હતા કારણ કે તે તેના પોતાના હતા.
આદેશે વૈભવ હોટલમાં કોણ કોણ એકત્ર થાય છે તેની માહિતી લઈ લીધી. જેમાં રાજેન્દ્રસિંહ પણ હતો. તે હમણાં કારંજ પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતો હતો, પણ આદેશનો તેની સાથે સારો રેપો હતો. આદેશે તેને ફોન કર્યો : “કેમ છો બાપુ, તમે તો અમને યાદ કરતા જ નથી ને?” તરત રાજેન્દ્રસિંહે પોતાનો બચાવ કરતાં કહ્યું, “જવા દો આદેશભાઈ! તમને બેત્રણ વખત ફોન કર્યો હતો, તમે બિઝી હોવ છો, તેમાં મારો વાંક?” આદેશે કહ્યું, “ના ના, બાપુ, એવું નથી. બોલો તમે કહો ત્યારે મળીએ.” રાજેદ્રસિંહ બોલ્યા, “ક્યારે શું, આજે આવી જાવ. તમે વીજળીઘર ચાર રસ્તા પાસે, પેલા ભજિયાંવાળાની ગલીમાં વૈભવ હોટલ જોઈ કે નહીં? બસ ત્યાં આઠ–સાડા આઠે મળીએ.” આદેશે હા પાડી. “પણ આદેશભાઈ, જમવામાં શું? વેજ કે નૉન-વેજ જોઈએ?” તેવું રાજેન્દ્રસિંહે પૂછ્યું. આદેશ બોલ્યો, “બાપુ, પીધા પછી બધું સરખું જ લાગે છે. કંઈ પણ ચાલશે.“ “તો વાંધો નહીં. ભઠિયાર ગલીમાં કાદરીને હું ડ્રાય અને રસાવાળી ચિકન કહી દઉં છું.”
આદેશ માનતો કે જર્નાલિઝમમાં તમારું લક પણ કામ કરતું હોય છે. ક્યારેક તમે બહુ મહેનત કરો તોપણ સ્ટોરી ના મળે અને ક્યારેક સ્ટાર ફેવર કરતા હોય તો સામે ચાલી સ્ટોરી કોઈ આપી જાય. હમણાં તે બાજી ગોઠવી રહ્યો હતો, તે પ્રમાણે જ બધું થઈ રહ્યું હતું. આદેશ ઑફિસના કામમાં મશગૂલ હતો, ત્યાં તેનું ધ્યાન ઘડિયાળ તરફ ગયું. સવા આઠ વાગી રહ્યા હતા. તેણે ઝટપટ પોતાનું કમ્પ્યૂટર શટડાઉન કર્યું અને તે જવા નીકળ્યો, ત્યારે એક કલીગે કોમેન્ટ કરી, “સ્પિરિચ્યુઅલ થવા જાવ છો?” આ શબ્દની શોધ ખુદ આદેશની હતી. તે ઘણી વખત કહેતો કે “સાંજ પડે મારા શરીરમાં સ્પિરિટ દાખલ થાય, એટલે હું સ્પિરિચ્યુઅલ થઈ જઉં છું.” આદેશ દારૂ પીએ છે તેની તે ટેવ જાહેર હતી. તેના તંત્રીથી સંત્રીઓ અને મંત્રીઓ પણ જાણતા હતા. જોકે તેણે દારૂના નશામાં કોઈને ગાળ પણ આપી હોય તેવું બન્યું ન હતું.
આદેશ મારતી મોટરસાઇકલે વૈભવ હોટલ પહોંચ્યો. તે પાર્ક કરતો હતો. તે વખતે વૉચમેને પૂછ્યું, “કહા જાના હે?” આદેશે તેને સામો સવાલ પૂછ્યો, “કારંજવાલે રાજેન્દ્રસિંહ આયે હૈં?” વૉચમૅનના ચહેરા ઉપર તરત આદર છલકી આવ્યો. તેણે વેઇટરને બૂમ પાડી કહ્યું, “સા’બ કો ૨૦૧ મેં લે જાઓ.” આદેશ રૂમમાં દાખલ થયો. બધા જ સિવિલ ડ્રેસમાં હતા. પેગ ભરાઈ ગયા અને કેટલાકના અડધા પૂરા પણ થયા હતા. વચ્ચેની ટિપાઈ ઉપર તંદૂરી ચિકન પડી હતી. આદેશને જોતાં કેટલાક પોલીસવાળાના હાથમાં રહેલા ગ્લાસ નીચે મુકાઈ ગયા. કદાચ આદેશ તેમને ઓળખતો ન હતો પણ તે આદેશને ઓળખતા હશે. સાત-આઠ વ્યક્તિઓ હતી. રાજેન્દ્રસિંહે આદેશને આવકારતાં કહ્યું, “આખરે મોંઘેરા મહેમાન આવ્યા ખરા. કોઈ બહાનું કાઢ્યું નહીં?” પછી તેણે પોલીસવાળા સામે જોતાં કહ્યું, “આપણા બહુ સારા મિત્ર છે પત્રકાર આદેશભાઈ.” હજી કેટલાક પોલીસવાળાના જીવમાં જીવ આવ્યો ન હતો. રાજેન્દ્રસિંહે કહ્યું, “આપણે બીજી વાત પછી કરીશું. આદેશભાઈ, પહેલાં તમારો પેગ બનાવો.” આદેશ સોફા ઉપર બેઠો અને પોતાનો પેગ બનાવી ગ્લાસ હાથમાં લીધો. જેવો આદેશે ગ્લાસ હાથમાં લીધો તેની સાથે જે પોલીસવાળાઓએ ગ્લાસ નીચે મૂકી દીધા હતા, તેમણે ઉપાડી લીધા. આદેશ તેને સારી નિશાની માની રહ્યો હતો. તેનો અર્થ એ કે હવે ત્યાં બેઠેલા પોલીસવાળા તેની ઉપર ભરોસો મૂકી રહ્યા હતા.
એક પછી એક પેગ ભરાતા ગયા, ત્યાં સુધી ત્રણ-ચાર તંદૂરી ચિકન અવશેષ રૂપે જ ટિપાઈ ઉપર રહી ગઈ હતી. આદેશને ખબર હતી કે, તે બીજાની વાત સાંભળી અને સમજી શકે, તેમજ પીધા પછી પોતે બોલવા ના લાગે, કારણ કે તે સાંભળવા માટે આવ્યો હતો. એટલી તેના પેગની સ્પીડ ઓછી હતી. ત્યાં જ એક પોલીસવાળાએ વાત કાઢી : “હવે તો ખાતામાં રહેવા જેવું જ નથી. કામ કરો તો કેમ કર્યું અને ના કરો તો સસ્પેન્ડ થાવ.” આદેશ બોલ્યો, “આવું તમારે ત્યાં નહીં, અમારાં છાપાંઓમાં પણ આવું જ છે.” તરત પેલા પોલીસવાળાએ પોતાની વાત ગંભીર હોવાનો પુરાવો આપતાં કહ્યું, “આદેશભાઈ, તમારે ત્યાં જેલમાં જવાની વ્યવસ્થા તો નથી ને?”
આદેશ જાણે તેની વાત સાથે સંમત થઈ ગયો હોય તેમ શાંત થઈ ગયો. રાજેન્દ્રસિંહે વચ્ચે વાત બદલતાં કહ્યું : “આપણા આદેશભાઈ ખરા ને… આપણા બહુ સારા મિત્ર છે. આપણી કોઈ ભૂલ થઈ જાય, તો હું ડાઇરેક્ટ વાત કરી લઉં. તેમના છાપામાં જ નહીં, કોઈ પણ છાપામાં ના આવે.” આદેશે કહ્યું, “જવા દો બાપુ, એ તો મિત્ર તરીકે મારે કરવું પડે.” રાજેન્દ્રસિંહે બીજો કિસ્સો કહેતાં કહ્યું, “આપણો પેલો નવરંગપુરાવાળો રમલો નહીં? કરપ્શનના કેસમાં પકડાયો હતો. ડીસીપી યાદવ તેને સસ્પેન્ડ જ કરવાના હતા, માત્ર સહી બાકી હતી. હું રમલાને લઈ આદેશભાઈ પાસે ગયો, એક જ ફોન યાદવસાહેબને કર્યો, વાત ત્યાં જ પતી ગઈ.” રાજેન્દ્રસિંહનો ઇરાદો બીજો કંઈ ન હતો, પણ આ વાતો કહી પોતાને કેટલા મોટા પત્રકાર સાથે સંબંધ છે, તેવું દર્શાવવાનો હતો. પણ આદેશને લાગી રહ્યું હતું કે વાત હજી બની રહી નથી. ત્યારે એક પોલીસવાળાએ નાના બાળકની જેમ નિર્દોષતામાં પૂછ્યું, “આ સુપ્રીમ કોર્ટે ઍન્કાઉન્ટર કેસની તપાસ આપી છે તેમાં શું થાય તેવું લાગે છે?” ત્યારે જ બીજા એક પોલીસવાળાએ જજમેન્ટલ સ્ટેટમેન્ટ આપતાં કહ્યું, “કંઈ થાય નહીં. આ વછરાજાની સાહેબને તું ઓળખતો નથી. ડાઇરેક્ટ સીએમ સાથે વાત કરે છે. સીઆઇડી ક્રાઇમવાળાની હિંમત છે, તેમને હાથ લગાવે?” એટલે જેણે પહેલાં સવાલ પૂછ્યો હતો, તેણે ગુસ્સો કરતાં કરતાં કહ્યું, “તારું ડહાપણ રહેવા દે ને. આખો દિવસ વછરાજાની સાહેબની વાતો કર્યા કરે છે, જા ઘૂસી જા.” તરત રાજેન્દ્રસિંહે તે બંનેને શાંત કરતાં કહ્યું : “આદેશભાઈ પાસે સાચા રિપોર્ટ હોય છે.”
આ વાક્ય સાથે રૂમમાં સન્નાટો છવાઈ ગયો. આદેશે જોયું તો એક પોલીસવાળાને બાદ કરતાં બધાની નજર આદેશ તરફ હતી. પણ જે પોલીસવાળો પોતાના ગ્લાસમાં જોઈ રહ્યો હતો, તેના કાન આદેશની વાત તરફ હતા. એટલે આદેશે પેલા પોલીસવાળા તરફ જોતાં જ કહ્યું, “ભાઈ, ખોટું તો થયું છે. નિઝામને ગુંડો કહીને માર્યો હોત તો કોઈ પ્રૉબ્લેમ ન હતો, પણ તેને આતંકવાદી બનાવ્યો તેમાં વાંધો પડ્યો.” લગભગ બધા જ પોલીસવાળા પાંચ પાંચ પેગ પી ચૂક્યા હતા, તેમણે બધાએ માથું હલાવી હા પાડી. પણ તેમનાં માથાં પણ તેમના નિયંત્રણમાં ન હતાં, તે સરખી રીતે હા પણ પાડી શકતાં ન હતાં.
જે પોલીસવાળાએ પહેલો સવાલ પૂછ્યો હતો, તે જાણે પોતાની જીભને બોલવાની મંજૂરી આપતો હોય તેવા પ્રયત્ન સાથે પૂછ્યું, “તો હવે તેમાં ધરપકડ થશે?” આ સવાલે અંદરથી બધાને ધ્રુજાવી મૂક્યા હતા કે આદેશનો જવાબ શું હશે. આદેશે તેનો સીધો જવાબ આપવાને બદલે કહ્યું, “જુઓ મોટા અધિકારીઓ તો જાણતા હતા કે ખોટું કરવાનું છે અને તેમણે કર્યું. પણ જે નાના છે જેવા કે ડ્રાઇવર, ઑપરેટર અને રાઇટર… તેમને તો કંઈ જ ખબર ન હતી. તેમણે તો ઑર્ડરનું પાલન કર્યું. તે અંદર જશે તેનું મને દુ:ખ છે.” રાજેન્દ્રસિંહે એક પોલીસવાળા સામે જોયું, પણ કંઈ બોલ્યો નહીં. આદેશ જઈ રહ્યો હતો ત્યારે રાતના એક વાગ્યો હતો. જતી વખતે રાજેન્દ્રસિંહે આદેશને કહ્યું : “એક કામ છે… આવતી કાલે ફોન કરીશ.”
(ક્રમશ:)








