પ્રશાંત દયાળ (નાદાન. ભાગ-22): જેલમાં આવ્યાને એક અઠવાડિયું થઈ ગયું હતું. હવે ગોપાલ જેલના મહોલથી ટેવાઈ ગયો હતો. સલીમ તેનું ધ્યાન રાખતો હતો. સલીમને ચિંતા હતી કે, ગોપાલ ભાંગી પડશે તો તેને સાચવવો અઘરો થઈ જશે; પણ તેવું થયું નહીં. કદાચ ગોવિંદ પણ કારણભૂત હતો. ગોવિંદે એનો ચહેરો કરાવી કામ અપાવી દીધું, એ ખરેખર ગોપાલની ખરી મદદે આવ્યો. જેના કારણે ઘરના વિચારોમાં અટવાઈ રહેતો ગોપાલ વ્યસ્ત થઈ ગયો હતો. છતાં રાત પડે બિસ્તરમાં પડ્યા પછી ગોપાલ અચૂક નિશીને યાદ કરતો. નિશી એકલી પડી ગઈ હશે, નિશીને એકલા જમવાની ટેવ નથી, તે રાતે એકલી હોય તો એને બીક લાગે છે. આવી અનેક વાત તે સલીમને કહેતો.
સલીમ તેને આશ્વાસન આપતો કે, “તારા જામીન થઈ જશે અને તું જલદી ઘરે જઈશ.”
ત્યારે ગોપાલ તેને પૂછતો, “કેમ? તારા જામીન નહીં થાય?”
સલીમ કહેતો, “હા ભાઈ, મારા જામીન પણ થશે. હું પણ તારી સાથે જ બહાર આવીશ.”
આવી વાત કરતી વેળાએ સલીમ અંદરથી ડિસ્ટર્બ થઈ જતો. સલીમને મનમાં થતું કે, ગોપાલની રાહ જોવા માટે તો બહાર કોઈ છે; પણ તે બહાર જશે તેનો આનંદ તેના પરિવારમાં કોઈને નથી!
સલીમનો સામાન તો આવી ગયો હતો; પણ તેની મુલાકાત લેવા ઘરેથી કોઈ આવ્યું નહોતું. પછી સલીમ પોતાની જાતને સમજાવતો હતો કે, તે ક્યાં પહેલી વખત જેલમાં આવ્યો છે? અને વળી ક્યાં કોઈ મહાન કામ કરી આવ્યો છે; તો પરિવાર તેને મળવા આવે!
અઠવાડિયા પછી નિશી મુલાકાતમાં આવી. ગોપાલને મળતાં જ તે રડી પડી. ગોપાલને થયું કે, તેના આંસુ લૂછી નાખે. પણ મુલાકાતરૂમમાં તેમની વચ્ચે રહેલી લોંખડની જાળી તેવું કરવાની પરવાનગી આપતી નહોતી. આ પહેલી મુલાકાત હતી, જેમાં નિશી એકલી આવી હતી. મમ્મી પપ્પા સાથે નહોતાં. ગોપાલે પૂછ્યું, “મમ્મી પપ્પા કેમ છે?”
નિશીએ કહ્યું, “ખૂબ ડિસ્ટર્બ છે; પણ હું તેમને સાચવી લઈશ. તું જલદી ઘરે આવે એટલે બસ છે.”
પછી થોડી ક્ષણ તેમની વચ્ચે શાંતિ છવાઈ રહી. ગોપાલે પૂછ્યું, “તારા મમ્મી પપ્પાને મારી ખબર પડી?”
નિશીએ નજર નીચી કરીને માત્ર હકારમાં માથું હલાવ્યું. ગોપાલે પૂછ્યું, “શું કહ્યું પપ્પાએ?”
નિશીએ વિચાર કર્યો અને ગોપાલની સામે જોતાં કહ્યું, “ખૂબ ગુસ્સામાં હતા. બસ પેલી જૂની વાતો મને ફરી યાદ કરાવી કે, હું તને ના પાડતો હતો, તું માની નહીં. વગેરે.”
ફરી બંને વચ્ચે શાંતિ છવાઈ ગઈ. શાંતિનો ભંગ કરતા ગોપાલે કહ્યું, “સોરી નિશી, મારા કારણે તારે સાંભળવું પડ્યું.”
નિશીએ કહ્યું, “સોરી કહેવાની જરૂર નથી. આપણે પ્રેમ કર્યો છે અને કરતાં રહીશું. આપણે કોઈ ભૂલ કરી નથી. તારાથી આ જે ભૂલ થઈ; તે કદાચ આપણું નસીબ હતું. પણ તેને આપણે બદલી નાખીશું.”
ગોપાલને લાગ્યું કે, તેને જેલમાં આવ્યે હજી અઠવાડિયું થયું; પણ નિશી એકદમ મોટી થઈ ગઈ છે. નિશીએ પૂછ્યું, “સલીમ કેમ છે?”
ગોપાલે જવાબ આપ્યો, “સલીમ મારી સાથે ન હોત; તો કદાચ હું આવી સ્વસ્થ રીતે તારી સામે ઊભો પણ ન હોત! સલીમે બધું જ ગોઠવી આપ્યું છે. અને હા… ગોવિંદભાઈ પણ છે ને.”
નિશી વિચારમાં પડી ગઈ. પૂછ્યું, “ગોવિંદભાઈ કોણ?”
ગોપાલે તરત કહ્યું, “પાકા કામનો કેદી છે. ડોન છે; પણ મારા માટે ભગવાન કરતાં પણ મોટું કામ કર્યુ છે.”
હવે ગોપાલ જેલની ભાષા બોલવા લાગ્યો હતો. પાકા કામનો કેદી કોને કહેવાય, તે નિશીને ખબર જ નહોતી. પણ ગોપાલના ચહેરા પર આત્મવિશ્વાસ જોઈને તેને સારું લાગ્યું. નિશીએ પૂછ્યું, “સલીમ ક્યાં છે?”
“બેરેકમાં હશે.” ગોપાલે જવાબ આપ્યો.
નિશીએ પોતાની પાસે રહેલી થેલીમાંથી કાગળો કાઢતાં કહ્યું, “વકીલપત્ર છે. તારી અને સલીમની સહી જોઈએ છે. જામીન મૂકવા માટે.”
ગોપાલે પાછળ જોયું ત્યાં ઊભા રહેલા પાકા કામના કેદીને કહ્યું, “ભાઈ, સલીમને બોલાવી લાવીશ? તેની સહી લેવાની છે.”
કેદીએ કહ્યું, “ભાઈ, આવી રીતે સહી ન લેવાય. જેલમાં રહેલા કોઈપણ કેદીને સિનિયર જેલરની સામે જ સહી કરવી પડે. પછી તેમની રૂબરુમાં સહી કરી છે તેવો સિક્કો મારવો પડે.”
પેલા કેદીએ નિશી સામે જોયું. ગોપાલે કહ્યું, “મારી પત્ની છે.”
કેદીએ કહ્યું, “બહેનને કહો, કે જેલર સાહેબની ઑફિસમાં કાગળ આપે. સાહેબની હાજરીમાં તમારે સહી કરવાની.”
ગોપાલને જેલના આ નિયમની ખબર નહોતી. તેણે નિશીને કહ્યું, “આગળ એક મોટો દરવાજો છે. ત્યાં જઈ જેલર સાહેબની ઑફિસમાં મળ. સાહેબ બોલાવે એટલે હું અને સલીમ ત્યાં આવીશું.”
નિશી ત્યાંથી નીકળી. ગોપાલ બેરેકમાં આવ્યો અને સલીમને કહ્યું, “નિશી વકીલપત્ર લઈને આવી છે. તારું વકીલપત્ર પણ છે”
સલીમે તેની સામે જોયું અને વિચાર કરવા લાગ્યો કે શું કામ મારા માટે ખર્ચો કરે છે? હું મારું કરી લઈશ.
ગોપાલ તેનો ચહેરો વાંચી ગયો. તે કંઈ પ્રતિભાવ આપે એ પહેલાં જ તેનો ચહેરો જોઈને સલીમ સમજી ગયો. તેણે ગોપાલનો હાથ પકડતાં કહ્યું, “સારૂ, ચાલ મારા જામીન પણ મૂકાવી દે.
ત્યારે જ એક કેદી આવ્યો. એણે કહ્યું, “ગોપાલ અને સલીમ, બંનેને સાહેબ બોલાવે છે.”
બંને સિનિયર જેલની ઑફિસમાં પહોંચ્યા. જેલર સોંલકીએ તેમની સામે જોયું. નિશી ખૂણામાં ઊભી હતી. સલીમે નજરોથી સલામદુઆ કરી અને નિશીએ આછુ સ્મિત આપ્યું. જેલરે જામીન માટેનાં વકીલપત્ર જોતાં નિશીને પૂછ્યું, “બહેન, તારું નામ?”
ગોપાલે તેની સામે જોયું અને જવાબ આપવા કહ્યું. નિશીએ કહ્યું, “સર, નિશી, નિશી ગોપાલ પંચાલ.”
સાહેબે ગોપાલ સામે જોયું અને કહ્યું, “અલ્યા, આટલી સારી છોકરી સાથે પરણ્યો; પછી આવો ધંધો કરવાની કયાં જરૂર હતી?”
નિશી અને ગોપાલ બંનેને સંકોચ થયો. ખાસ કરીને જેલર સોંલકીએ નિશીની હાજરીમાં કહ્યું એટલે તેને ખરાબ લાગી રહ્યુ હતું. ગોપાલે કહ્યું, “સાહેબ, ભૂલ થઈ ગઈ.”
જેલર કંઈ જ બોલ્યા નહીં. માત્ર ઇશારો કરીને વકીલપત્ર સહી કરવાનું કહ્યું. ગોપાલે પોતાના વકીલપત્ર પર અને સલીમે એના વકીલપત્ર પર સહી કરી. જેલરે પણ તેમાં સહી કરી અને ત્યાં રહેલા પાકા કામના કેદીને કહ્યું, “મારી રૂબરુનો સિક્કો મારીને કાગળ આ છોકરીને આપી દેજો.”
બધા ચેમ્બરની બહાર નીકળ્યા. નિશીએ આંખના ઇશારે પૂછ્યું, “જાઉં?”
ગોપાલે પણ ઇશારામાં હા પાડી. નિશીએ ત્યાં ઊભા રહેલા પાકા કામના કેદી સામે જોયું. તે વર્ષોથી જેલમાં હતો. તે નજર પારખી ગયો અને સમજી ગયો કે, નિશી ગોપાલ સાથે વાત કરવા માગે છે. તેણે ઇશારામાં હા પાડી.. સલીમ પણ સમજી ગયો. તે થોડે દૂર જતો રહ્યો. નિશી અને ગોપાલ એકબીજાની પાસે આવ્યા. ઘણા દિવસ પછી તેઓ એકબીજાની પાસે આટલા ઓછા અંતરે ઊભાં હતાં.
નિશીએ ધીમા અવાજે કહ્યું, “મારા પપ્પાનું માઠું લગાડતો નહીં. આ વકીલ પણ તેમણે જ કરી આપ્યો છે. મેં તેમને જ્યારે સલીમ માટે વાત કરી, ત્યારે તેમને ગમ્યું નહોતું; પણ પછી માની ગયા.”
ગોપાલ તેની સામે જોઈ જ રહ્યો. કંઈ બોલ્યો નહીં. નિશીએ પૂછ્યું “જાઉં?”
ગોપાલે હા પાડી. તે નિશીને જેલની તોંતિંગ દરવાજાની બહાર જતી જોઈ રહ્યો હતો.
ગોપાલ અને સલીમ બેરેકમાં પાછા ફર્યા. સલીમના ચહેરા પર કોઈ ભાવ નહોતો; પણ ગોપાલને હવે, જામીન થઈ જશે તેવી આશા અને વિશ્વાસ બંધાયાં હતાં. તેના કારણે તે ખુશ હતો. બંને વચ્ચે કોઈ સંવાદ નહોતો. મુલાકાત આવી હોવાને કારણે ફાર્મસીમાંથી એક કલાકની રજા મળી હતી. ગોપાલનું મન તો કહી રહ્યું હતું કે, આજે રજા જ રાખે. પણ તેના હાથની વાત નહોતી.
અચાનક ગોપાલને કંઈક યાદ આવ્યું. તેણે સલીમને કહ્યું, “અરે, મારે તને એક વાત કહેવાની હતી. તું પેલા શાહપુરવાળા ગુલ્લુને ઓળખે છે?”
સલીમે થોડીવાર વિચાર કરી પૂછ્યું, “કોણ ગુલ્લુ?”
ગોપાલે કહ્યું, “હું પણ પહેલાં તેને ઓળખતો નહોતો. તે અમદાવાદનો જ છે. ગુલામમહમદ શેખ.”
સલીમે વિચાર કર્યો અને કહ્યું, “હા. તો શું છે?”
ગોપાલ તેની પાસે આવ્યો. તેણે સલીમને ધીમા અવાજે કહ્યું, “ગુલ્લુ મને દવાખાને મળ્યો હતો. જ્યારે એને ખબર પડી કે, હું અમદાવાદનો છું. એટલે તેણે મારી સાથે વાત કરી. તે તને પણ ઓળખે છે.”
સલીમ માત્ર જોઈ રહ્યો. ગોપાલે કહ્યું, “તેણે મને કહ્યું છે કે, મારા જામીન થાય પછી હું બહાર નીકળું એટલે એ મને કામ આપશે. સારો માલ પણ મળશે.”સલીમે પૂછ્યું, “તને ખબર છે, એ શું કામ કરે છે?”
ગોપાલે ના કહી. સલીમે કહ્યું, “તે નાર્કોટિક્સનો ધંધો કરે છે. તારે કરવો છે?”
ગોપાલ સ્તબ્ધ થઈ ગયો.
(ક્રમશઃ)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








