(કીર્તિ ખત્રી)
વિવેક દેસાઈની કચ્છ-વિષયક તસવીરકલાનું બારીકાઈથી નિરીક્ષણ કરતાં તિબેટના મહાન બૌદ્ધગુરુ દલાઈ લામાની આત્મકથા My Land, My People અને ગુજરાતના અનોખા કચ્છી સાહિત્યકાર ડૉ. જયંત ખત્રીએ પોતાની વાર્તાકલા વિશે લખેલું વાક્ય — ‘I am terribly attached to my place and my people’ — સહેજે યાદ આવી જાય છે. શબ્દ અને દૃશ્યના માધ્યમથી વ્યક્ત કરાયેલી ત્રણ જુદી જુદી અભિવ્યક્તિઓમાં ધરતી અને એના પર વસતા લોકો સાથે જ સીધી નિસ્બત છે. દલાઈ લામાએ તિબેટની અસ્મિતા, સાંસ્કૃતિક પરંપરાઓ અને પોતાના ધર્મના વજૂદની ચિંતા સેવી છે. તો ડૉ. ખત્રીની વાર્તાઓમાં સૂકી ધરતી પરના નિષ્ઠુર પરિવેશ વચ્ચે અસ્તિત્વનો જંગ ખેલતો માનવી કેન્દ્રસ્થાને છે. જ્યારે વિવેકની તસવીરકલામાં કુદરતે-પ્રકૃતિએ ઝીંકેલી વરસાદ અને પાણીની અછત વચ્ચેય સહજતાથી જીવ્યે જતા ભાતીગળ લોકસમૂહોની સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં સમયાંતરે આવતા રહેલા બદલાવોની ઝલક ઊડીને આંખે વળગે તેવી છે. બદલાવના મુદ્દે જ વિવેક બીજા તસવીરકારોથી અલગ તરી આવે છે. આ વાત વિગતે કરીએ તો કચ્છ અને એના લોકજીવનની લાક્ષણિકતાઓની ભરપૂર ફોટોગ્રાફી દેશ-પરદેશના અસંખ્ય તસવીરકારો વર્ષોથી કરતા રહ્યા છે. કુદરતના બેમિસાલ કરિશ્મા સમું સફેદ રણ, માલધારી સંસ્કૃતિ, ઘૂમતા-ફરતા રબારીઓ, એમનાં ઝૂંપડાં અને વાંઢો, ભાતીગળ પહેરવેશ અને આંખોને ઠંડક આપે એવી લીંપણકલાથી શોભતી માટીની દીવાલો, સિંધુ ખીણ-સંસ્કૃતિના ધોળાવીરા-સ્થિત અવશેષો, સ્થાનિક અને સ્થળાંતરીય પક્ષીઓ સહિતની અજીબ વન્ય જીવસૃષ્ટિ, રાજમહેલ, છતરડી, પાળિયા, રમણીય દરિયાકિનારો, ડુંગરોની હારમાળા અને નદીઓના ઇન્દ્રધનુષી પટ… આવી એકેએક લાક્ષણિકતાઓને સમાવી લેતા બ્લૅક ઍન્ડ વ્હાઇટ અને બહુરંગી આલ્બમ કે કૉફી ટેબલ બુકનાં પ્રકાશનો કચ્છપ્રેમી તસવીરકારોએ આપ્યાં છે. આ પ્રકાશનો ખરે જ સુંદર છે. પણ, તેમાં જોવા મળતી મોટા ભાગની ફોટોગ્રાફી મર્યાદિત સમયગાળાની છે. પ્રત્યેક પ્રકાશનમાં ચોક્કસ સમયનું કચ્છ અને એનું લોકજીવન દેખાય છે. ગઈ કાલ અને આજના કચ્છ વચ્ચેનો તફાવત ભાગ્યે જ નજરે ચડે છે. જ્યારે વિવેક દેસાઈ (Vivek Desai Renowned Photographer) નું લક્ષ્ય તો શરૂઆતથી જ કચ્છના ભાતીગળ લોકસમૂહોની પરંપરાઓમાં આવતા બદલાવનું દસ્તાવેજીકરણ કરવાનું જ રહ્યું છે, એ જ એની તસવીરકલાનો ધ્યેય છે.
નિયતિએ વિવેકને તસવીરકારની કારકિર્દી ભણી ખેંચ્યો ત્યારથી એટલે કે પહેલી વાર હાથમાં કૅમેરા પકડીને 1992માં કચ્છ આવ્યો ત્યારથી આજ સુધીની અઢી દાયકામાં વિવેક કચ્છની ધરતીના મિજાજ અને લોકસમૂહોની ભાતીગળ જીવનશૈલીની ફોટોગ્રાફી તન-મનથી થાક્યા વિના કરતો રહ્યો છે. આપણે જાણીએ છીએ કે આ પચ્ચીસ વર્ષ દરમિયાન કેટલાં બધાં પરિવર્તન આવ્યાં છે. ખાસ કરીને ૨૦૦૧ના મહાવિનાશક ધરતીકંપ અને અજોડ નવસર્જન પછી તો જુદા જુદા લોકસમૂહોની જીવનશૈલીમાં દેખાતી બદલાવ આવ્યા છે. એક સમય હતો જ્યારે બન્નીના માલધારીઓની કે મુંદરાના રબારીઓની ચોક્કસ વાંઢમાં જતા તો માત્ર ભૂંગા જ જોવા મળતા, એકેય પાકું મકાન દેખાતું નહીં. આજે ચિત્ર ઊલટું છે. બધે જ પાકાં મકાન છે, ભૂંગા દેખાતા નથી. કેટલીક જ્ઞાતિઓમાં પરંપરાગત વસ્ત્રોનું સ્થાન પૅન્ટ-શર્ટ અને કુર્તા-પાયજામાએ લઈ લીધું છે. પાંખી વસ્તી ધરાવતી વાંઢમાં કોઈ બારાતુ પ્રવેશે કે તરત જ સ્ત્રીવર્ગ જાહેરમાં દેખાતો નથી. બાળલગ્નની પ્રથા હવે ભૂતકાળ બની ગઈ છે. ઘોડા, સાઇકલ કે ગાડાંને બદલે મોટરસાઇકલ, છકડા અને જીપોની ભરમાર છે. આવું તો બીજુંય ઘણું ઘણું બદલાયું છે અને બદલાઈ રહ્યું છે.
લોકસંસ્કૃતિના જાણકારો પરંપરાઓ ભૂંસાઈ રહી હોવાની ફરિયાદ કરે છે. પણ, સવાલ એ છે કે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિકાસની સાથે સર્વત્ર સમાજજીવનમાં બદલાવ આવે એની સાથે સાથે છેવાડાના રબારી, જત કે આહીરની રહેણીકરણીયે બદલાય એમાં ખોટું શું છે? શું તસવીરકારોને ફોટોગ્રાફી કરવાની મજા પડે એટલા માટે પાકા મકાનમાં કોઈએ નહીં રહેવાનું? રબારીઓએ અસહ્ય તાપ અને ટાઢ વેઠીને પોતાના માલ સાથે કાયમ રઝળ્યા જ કરવાનું? વિવેક દેસાઈ આ પ્રકારની માનસિકતા સાથે હરગિજ સંમત નથી. સમયના બદલાવ સાથે અનુરૂપ રહીને સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓ પોતાનું બાહ્ય સ્વરૂપ બદલે એ તો એક સહજ પ્રક્રિયા છે. મૂળ વાત અંદરની છે, પરંપરાઓમાં છુપાયેલા હાર્દની છે, કચ્છીયતની છે, એકતા અને પ્રેમની લાગણીની છે. સદ્ભાગ્યે આ લાગણીઓ આટલાં વર્ષો સુધી મહદંશે ટકી રહી છે અને તેની સભાનતા સાથે વિવેકે કૅમેરાની ત્રીજી આંખ ખોલીને સતત પચ્ચીસ વર્ષ સુધી જે કંઈ ક્ષણચિત્રો ઝડપી લીધાં છે તે કચ્છના અનોખા લોકજીવનમાં આવેલાં પરિવર્તનોનું નક્કર દસ્તાવેજીકરણ છે. જન્મભૂમિ અમદાવાદ પણ દર વર્ષે સરેરાશ ત્રણ વાર અહીં દોડી આવી જ્ઞાતિ-સમૂહોની વચ્ચે પહોંચી જાય અને સ્નૅપ લેતો રહે. આમ, વિવેક કચ્છને કર્મભૂમિ બનાવીને ૨૫ વર્ષ સુધી સતત ફોટોગ્રાફી કરી છે એ કેટલી અમૂલ્ય છે એ સમજવા માટે ભારતીય સંસ્કૃતિના પરિઘમાં કચ્છની સંસ્કૃતિની વિશેષતાઓનું અદકેરું સ્થાન શા માટે છે એનાં કારણોમાં ડોકિયું કરવું જરૂરી છે.
કચ્છના સાંસ્કૃતિક ઇતિહાસનો પ્રથમ પ્રમાણિત અને અધિકૃત ગ્રંથ રામસિંહજી રાઠોડસર્જિત ‘કચ્છનું સંસ્કૃતિદર્શન’ છે. એમાં એ મતલબનું નિરીક્ષણ કરાયું છે કે કચ્છ એ સદીઓથી સંસ્કૃતિઓની અવરજવરનો સેતુ રહ્યો છે. કેટલીયે પ્રજાઓ અને રાજ્યસત્તાઓનાં ધાડાં સદીઓ સુધી કચ્છ પર ઊમટતાં રહ્યાં છે. આ લોકસમૂહો ક્યાં ક્યાંથી આવ્યા એના વિશે અધિકૃત લેખિત પુરાવા નથી. પરંતુ, પુરાણો, અન્ય ધર્મગ્રંથો, ઇતિહાસવિદો અને પ્રચલિત દંતકથાઓ મુજબ અફઘાનિસ્તાન, બલુચિસ્તાન, મધ્ય એશિયા, યુરોપ, ઇજિપ્ત, અરબસ્તાન ઉપરાંત સિંધ, પંજાબ, યુરોપ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી લોકસમુદાયો જુદા જુદા સમયે કચ્છ પરના આક્રમણો વખતે અગર તો પોતાના વિસ્તારોમાં પેદા થયેલી વિકટ પરિસ્થિતિઓને લીધે હિજરત કરીને આવ્યા હતા. આ પૈકી કેટલાક સમૂહો પોતાના મૂળ સ્થાને પાછા ગયા, કેટલાક બીજે સ્થળાંતર કરી ગયા, પણ જેમને કચ્છની ધરતીની મમતા બંધાઈ તે કાયમને માટે રહી ગયા. બહારથી આવેલી આ સંસ્કૃતિઓની કચ્છ પર થયેલી અસરોનો સમય જતાં સુમેળ થયો. તેથી કચ્છની સંસ્કૃતિએ તેની લાક્ષણિકતાઓ સાથે આખરી સ્વરૂપ ધારણ કર્યું હતું જે સંપૂર્ણપણે ભારતીય રહ્યું હતું. અત્યારે પણ કેટલાક જાતિસમૂહોની જીવનપ્રવૃત્તિઓમાં, એમના રીતરિવાજોમાં અને પરંપરાઓમાં એમની મૂળ સંસ્કૃતિઓની ઝલક દેખાઈ આવે છે. કેટલાક સમૂહોનું શારીરિક બંધારણ, તેમનું કદ, અણીવાળું નાક, માંજરી આંખો વગેરે જોઈને કહી શકાય કે તેમણે બહારથી જ આવીને કચ્છમાં વસવાટ કર્યો છે. પરંતુ, આવા સૌ લોકસમૂહ ભારતીય સંસ્કૃતિમાં એકરંગ બની ગયા છે. રામસિંહજી રાઠોડના આ મતલબના નિરીક્ષણનો અર્થ એ થયો કે બહારની જાતિઓ અને એમની સંસ્કૃતિઓની અસર સાથે કચ્છની આગવી મિશ્ર સંસ્કૃતિનો ઉદય થયો છે. આ રીતે તેનું માત્ર ગુજરાતમાં નહીં, ભારતમાં વિશિષ્ટ સ્થાન છે.
આ જાતિઓ-લોકસમૂહો એટલે આહીર, રબારી, ચારણ સંઘાર, મેઘવાળ, સથવારા, સમા, જત, ફકીરણી જત, અન્ય મુસ્લિમ જાતિઓ, કુંભાર, ભણશાળી, વાગડિયા રાજપૂત, હરિજન, સોઢા, કોળી, ભીલ વગેરે…. તેમની રહેણીકરણી, વસ્ત્ર-અલંકાર અને ઘરવખરીની બીજી ચીજવસ્તુઓની બનાવટ અને એના પરની ડિઝાઇનોમાં આજેય પ્રાચીન પરંપરાઓ અને રીતરિવાજોની ઝલક જોઈ શકાય છે. આ લોકસમુદાયોએ વરસાદ અને પાણીની કાયમી અછતે સર્જેલા અનેક અભાવો વચ્ચેય સરળતાથી જીવન જીવતાં શીખી લીધું. સમય જતાં એમાંથી જ આ આગવું ભાતીગળ જનજીવન ઘડાતું રહ્યું અને આખરે એમાંથી જ આપણે જેને અભાવની સંસ્કૃતિ તરીકે પિછાણીએ છીએ તે આકાર પામી. આ સંસ્કૃતિની પ્રત્યેક લાક્ષણિકતાઓના મૂળમાં ઊંડા ઊતરશું તો આખરે તેમાં અભાવની પીડા અને એના પડકારોને પહોંચી વળવાની મથામણ દેખાશે. તમને કલ્પના પણ નહીં હોય કે માલધારી જાતિઓની હસ્તકલા જ નહીં પરંતુ લીંપણ, પટારા, ડામચિયાં, પાણિયારાં કે લાકડાંનાં ફર્નિચર ૫૨ જે કોઈ ભાત, રંગ, પ્રતીક કે ભાતીગળ ચિતરામણ જોવા મળે છે એનું કા૨ણ પણ અભાવની પીડામાં જ રહેલું છે. અહીં જે અભાવ છે તે રંગોનો અભાવ છે. કુદરતે એમની આજુબાજુ સૂકી ધરતી અને રંગવિહોણું પર્યાવરણ ઠોકી બેસાડ્યું છે તેથી હર્યાભર્યા રંગોની તો કલ્પના જ કરવાની… અને કલ્પના કરતાં કરતાં જ્યારે રણકાંધીની કોઈ કન્યા સોય-દોરાથી કપડાંના પોત ૫૨ ટાંકા લેવા માંડે છે તો બહુરંગી ભાત ઊપસી આવે છે. ટૂંકમાં જે નથી મળ્યું એને પામવાની તીવ્ર ઝંખનાનું પ્રતિબિંબ તમામ હસ્ત-હુન્ન૨કલાઓમાં જોઈ શકાય છે. અહીં કાશ્મી૨નો ઉલ્લેખ થઈ શકે. ત્યાં તો કુદરતે ચોફેર રંગો જ રંગો વેર્યા છે. એટલે જ ત્યાંની હસ્તકલામાં ખાસ તો પ્રખ્યાત પશ્મિના શાલોની ડિઝાઇનો ડલ એટલે ઝાંખા રંગોની જોવા મળે છે, એમાં કયાંયે રંગબેરંગી ડિઝાઇન જોવા નહીં મળે. ખેર, પણ આ હસ્તકલાઓ સદીઓ પહેલાં વ્યવસાય તરીકે વિકસી નહોતી. એ તો રોજિંદા જીવનવ્યવહાર સાથે વણાયેલી હતી. જન્મથી મ૨ણ સુધીના દરેક પ્રસંગે, દરેક પડાવે રંગોનું જ વૈવિધ્ય. વળી મોટા ભાગની જાતિઓની આગવી છાપ પણ હસ્તકલામાં સ્પષ્ટ રીતે વર્તાય. ભારતીય સંસ્કૃતિમાં લોકસમૂહોની અને તેમાંય ખાસ કરીને માલધારી જાતિઓની કચ્છ જેવી અને જેટલી વિવિધતા ભાગ્યે જ બીજે ક્યાંય જોવા મળે છે. તેથી જ ભારતમાં કચ્છની સંસ્કૃતિનું હટકે સ્થાન છે.
પણ, આ સંસ્કૃતિ સદીઓ સુધી અન્ય પ્રદેશોથી સાવ અજાણી રહી હતી. કારણ કે એના વિશે કોઈ વ્યવસ્થિત લિખિત જાણકારી નહોતી. જોકે એના લીધે લોકજીવન અને સંસ્કૃતિ આઝાદી સુધી અકબંધ રહ્યાં એ અલગ વાત છે. બાકી, કચ્છ વિશે પદ્ધતિસ૨ લખાવાની શરૂઆત અંગ્રેજોના આગમન પછી થઈ. આઝાદી પછી એમાં વેગ આવ્યો અને અભ્યાસ-સંશોધનોય હાથ ધરાયાં. વિવેકે ’૯૦ના દાયકામાં ફોટોગ્રાફીનો એકડો ઘૂંટતાં કચ્છ દર્શન કર્યું અને એના પ્રેમમાં પડી ગયો. જનજીવનના સામાજિક, સાંસ્કૃતિક બદલાવનું તસવીરોના માધ્યમથી દસ્તાવેજીકરણ કરવાની ઇચ્છા શરૂઆતમાં ધૂનમાં અને પછી ઝનૂનમાં પલટાઈ ગઈ. કચ્છ સાથેનો પ્રથમ નજરનો પ્રેમ મીરાં જેવો ગાંડો પ્રેમ બની ગયો. કચ્છના આંટાફેરા વધતા ગયા. લોકસમૂહોની બહા૨થી દેખાતી જીવનશૈલી અને ઝાકઝમાળભર્યા રંગોની અભિવ્યક્તિ પાછળ છુપાયેલી લાગણીઓ ધીમે ધીમે વિવેકને સમજાવા લાગી. કોઈ રબારી વૃદ્ધા, કોઈ આહીર છોરો, કોઈ જત કન્યા, કોઈ હરિજન યુવતી કે વાંઢોના ઓટલે મસ્તીમાં ડૂબેલાં નાગાંપૂગાં માસૂમ બચ્ચાંના ચહેરા વાંચવાનું ફાવતું ગયું તેમ તેમ તેમનાં સુખ-દુઃખ સમજાતાં ગયાં અને એનો ભાગીદાર બની ઘરોબો કેળવ્યો. બસ, પછી તો જન્માષ્ટમીના ગોકળિયા લગ્ન હોય કે શ્રાવણ-ભાદરવાના મેળા-જાતર હોય, વ૨સાદી માહોલ હોય કે ઉનાળાના તપતાં બપોર… વિવેક એમની વચ્ચે ફરતો રહે અને નિર્ધારિત સ્નૅપ લેતો રહે. કોઈ રોકે નહીં, એને બધી છૂટ! છતાં ક્યારેક કોઈ પ્રસંગે અપમાનિતેય થવું પડ્યું છે, પણ એ તો એની તસવીરકલાની સાધના, તપ સફરનો ભાગમાત્ર હતો.
અઢી દાયકાની સફરની ફળશ્રુતિરૂપ આ છબીગ્રંથનાં પાનાં ફેરવતાં કચ્છની ધરતીનાં રંગરૂપ, એના છોરુઓની જીવનશૈલી, સામાજિક પરંપરાઓ પ્રદર્શિત કરતા પ્રસંગો, ભાતીગળ લોકમેળા અને તહેવારોની ઉજવણી જ નહીં, મહાવિનાશક ધરતીકંપ વખતનાં દૃશ્યોમાં પણ કચ્છીયતના ચમકારા ઝળક્યા કરે છે. શરૂઆતની બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી આગળ જતાં બહુરંગી બને છે ત્યારે બદલાવનો ખ્યાલ આપમેળે જ આવી જાય છે. દા.ત. બાળલગ્નની પ્રથા, જરીવાળી ચૂંદડીમાં લપેટાયેલી કન્યાને ઊંચકીને મંડપમાં લઈ આવતા વાલીનું દૃશ્ય બ્લૅક ઍન્ડ વ્હાઇટમાં છે. પણ, એ પ્રથાના અંત પછી આવેલ સામાજિક પરિવર્તન સમૂહલગ્ન સુધી પહોંચ્યાં એ પ્રક્રિયાની રંગીન તસવીરો છે. તસવીરકલા પણ અક્ષરવિહોણી એક ભાષા છે એની પ્રતીતિ અહીં થાય છે. કાળી ઓઢણીથી અડધો ચહેરો ઢાંકી દઈને છૂપાછૂપી ગુફ્તેગો કરતી રબારણોની આંખોમાં છલકાઈ પડતા મનોભાવ કૅમેરાની ત્રીજી આંખે આબાદ પકડી લીધા છે. કોઈની આંખોમાં વિસ્મયતા તો કોઈની આંખોમાં ન સમજાય, ન કળાય એવા ઊંડા ભાવ, તો કયાંક વળી મસ્તી-મજાક… વયોવૃદ્ધ સ્ત્રીના ચહેરા ૫૨ સમયના ચીલા પાડતી રેખાઓ જાણે કાળમીંઢ પથ્થર પરની ભાત… આ ફોટા છે તો બ્લૅક ઍન્ડ વ્હાઇટ, પણ એને નીરખતાં મનમાં અસલ રંગ જ ઊપસી આવે છે. વૃદ્ધ સ્ત્રી-પુરુષોની બીજી ત્રણ-ચાર તસવીરો પણ છે. એમાં બે રબારી દંપતી ખાસ ધ્યાન ખેંચે છે. એકની પત્ની અંધ છે, પણ બંને એકમેક માટે જ સર્જાયાં હોય એવા ભાવ સાથે સંબંધોની સમજણ સ્થિતપ્રજ્ઞતાની સ્થિતિએ પહોંચી હોય એવું દર્શકને લાગ્યા વિના નથી રહેતું. તસવીરકલાની આ મોટી સફળતા છે.
બસ્સો જેટલી પસંદ કરેલી તસવીરોના આ સંગ્રહમાં ધરતીના મિજાજ અને રંગરૂપનાં દૃશ્યો ચકિત કરી મૂકે તેવાં છે. ખડીર નજીક દરિયાઈ પાણી-મિશ્રિત રણ-ખારાપટના લૅન્ડસ્કેપ અને નખત્રાણા નજીક તૈયારી નદીના ખડકાળ કિના૨ના મેઘધનુષી દૃશ્યો અદ્ભુત છે. કુદરતે જાણે શિલ્પી બનીને સેંકડો શિલ્પ કંડારી લૈયારી નદીના બંને કાંઠે મ્યુઝિયમ જ ઊભું કરી દીધું છે! એની તસવીરો ૫૨ નજ૨ ક૨તાં આધુનિક શિલ્પકલાના મૂર્ત-અમૂર્ત નમૂનાઓની ઇમેજ ઊભી થાય છે. સફેદ રણની જેમ આ નદીનો પટ પણ કુદરતનો બેમિશાલ કરિશ્મા છે તે આ દૃશ્યો સાબિત કરે છે. હવા, પાણીના ધસારાથી પથ્થરોના આકારમાં થયેલા ફે૨ફા૨ તો જુઓ…. કોઈ હિંસક પ્રાણી, કોઈ ડાળ ૫૨ બેઠેલું પક્ષી, પાણીની સપાટી પર તરતા મગ૨, હિન્દુસ્તાનનો નકશો… અરે ચીનના પ્રખ્યાત ટેરાકોટા લશ્કર સ્મારકની યાદ અપાવતા આકા૨નો પથ્થર પણ કૅમેરાએ ઝડપી લીધો છે. રણોત્સવના આયોજનમાં આ સ્થળ કેમ સામેલ નથી એ જ એક પ્રશ્ન છે.
માલધારી અને અન્ય જ્ઞાતિસમૂહોની આર્થિક-સામાજિક સ્થિતિનો ચિતા૨ કેટલીક તસવીરોમાં જોઈ શકાય છે. ગરીબ, મધ્યમ વર્ગ અને સુખી-સંપન્ન વર્ગની જીવનશૈલી કૅમેરાએ ક્લિક કરી છે. ભૂંગા, સાદાં પાકાં સિમેન્ટનાં ઘ૨ અને મોટા આંગણાવાળું સંકુલ એનાં પ્રતીક છે. રણોત્સવને લીધે દેશ-વિદેશમાં પ્રખ્યાત બની ગયેલા બન્ની અને અન્ય વિસ્તારોના ભૂંગાઓમાં આવેલા બદલાવ જોવા જેવા છે. બહા૨થી આકાર એ જ છે. પણ, અંદરના સામાન નવા છે. પિત્તળના સ્થાને સ્ટીલનાં વાસણ છે અને ઘોડો બાંધવાની જગ્યાએ મોટરસાઇકલ પાર્ક કરેલી છે. કોઈ ઝૂંપડીમાં માટીના ગોખલા વચ્ચે ટીવી પણ છે. આ જ બન્નીના વેકરિયા વિસ્તારમાં જીવનના બે છેડા ભેગા ક૨વાનો સંઘર્ષ ખેલતા ફકીરાણી જતના સ્થળાંતરીય પરિવારે ઊભા કરેલા હંગામી ઝૂંપડાનો સ્નૅપ લેવાનુંયે વિવેક ચૂક્યો નથી. હા, રંક યાદ આવે તો રાય કેમ નહીં? કચ્છના આજના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજા અને રાણી પ્રીતિદેવીની લાક્ષણિક તસવીરોની સાથે સાથે રાજાશાહીના જમાનાના ભુજ, હમી૨સ૨ તળાવ અને શાહી સવારીનાં દૃશ્યો ગ્રંથમાં સમાવી લેવાયાં છે. પ્રંગ, રતનાલ, રવેચીના ગામઠી મેળા ઉપરાંત ભુજનો સાતમ-આઠમનો મેળો કે રામદેવપી૨ અને હાજીપી૨ જેવા મેળાનાં દૃશ્યોમાં સમયે સમયે આવેલા બદલાવ જોઈ શકાય છે. ગ્રામ્ય અને શહેરી સંસ્કૃતિનું મિશ્રણ પહેરવેશથી માંડીને મનોરંજનનાં સાધનોમાં તેમજ ખાણી-પીણીમાં જોઈ શકાય છે.
તસવી૨કલા એ કૅમેરાના માધ્યમથી ઝડપાતાં દૃશ્યો વ્યક્ત કરતી ભાષા છે, અભિવ્યક્તિ છે. શબ્દની ભાષામાં તો અક્ષર નક્કી છે. એટલે જે અક્ષરજ્ઞાની હોય તે પોતાની લાગણી શબ્દોમાં વ્યક્ત કરી શકે છે. પણ, કૅમેરામાં એવું નથી. ચાંપ દાબીને દૃશ્ય જરૂ૨ ઝડપી શકાય, પણ કોઈ ઘટના કે પ્રસંગનો મિજાજ, અને રંગ જે ક્ષણે જામે એ જ ક્ષણે કૅમેરાની ચાંપ ન દબાય તો જે વ્યક્ત કરવાનું છે એ ચૂકી જવાય. એટલે અભિવ્યક્તિની ક્ષણને થિજાવી દેવાનું કળા-કૌશલ્ય કેળવવું પડે. અગાઉ લખ્યું છે તેમ ધી૨જ, સતત સાધના અને ઝનૂનના બળે વિવેક દેસાઈ આ કૌશલ્ય કેળવી શક્યો છે અને તેથી જ તેની ત્રીજી આંખે ફ્રીઝ કરેલાં દૃશ્યોમાં કચ્છની આગવી પિછાણ સ્પષ્ટ રીતે ઊપસી આવે છે. આ પિછાણ એટલે કુદરતે બક્ષેલી પ્રતિકૂળતાઓને આ૨પા૨થી વીંધીને સહજતાથી જીવવાની કળા. આ માનવીઓ ક્યારેય કુદરત-સર્જિત વરસાદ-પાણીની અછત અને એને લીધે સર્જાયેલા બીજા અભાવો બાબત ક્યારેય ફરિયાદ કરતા નથી, કે નથી તેમને એ વાતનો કોઈ અસંતોષ. તેઓ પ્રકૃતિ સાથે અનુકૂલન સાધીને જીવે છે, એટલું જ નહીં પણ મોજથી, મસ્તીથી જીવે છે. સામાજિક-ધાર્મિક પ્રસંગોનો આનંદ સમૂહમાં લૂંટતા જણાય છે. લોકજીવન સાથે સંકળાયેલી દોઢસોથી વધુ તસવીરોમાં જીવન પ્રત્યે માત્ર અને માત્ર હકારાત્મક અભિગમ દેખાય છે, ક્યાંય નકારાત્મકતા નથી. 2001ના ધરતીકંપની તસવીરો તો જુઓ. ધરાશાયી ઘરોના કાટમાળ વચ્ચે જિંદગીની ગાડી પાટે ચડાવવાની મથામણ દેખાય છે, રોકકળ નહીં. આ છે જિંદગી, આ છે કચ્છ. એને ૨જૂ ક૨વામાં વિવેકે લોહીપાણી એક કર્યાં છે. એને અફસોસ છે કે કચ્છ એની જન્મભૂમિ નથી. જોકે મારા જેવા કચ્છીઓને મન તો વિવેક સવાઈ કચ્છી છે. આ ધરતી સાથેના લાંબાગાળાના સંબંધે એક અમૂલ્ય તસવીરી દસ્તાવેજીક૨ણનું નજરાણું કચ્છી પ્રજાને અર્પણ કર્યું છે. છબીગ્રંથની આ ભેટ માત્ર કચ્છીઓ માટે જ નહીં, ભારતના એક વિશાળ પ્રદેશની વૈવિધ્યસભર સંસ્કૃતિનો અભ્યાસ ક૨વા માગતા સૌ કોઈ માટે અને ખાસ તો નવી પેઢી માટે પથદર્શક બની રહેશે. કચ્છીઓએ ગ્રંથનાં ઓવારણાં લઈ વધાવી અને વસાવી લેવા જેવો છે.
[नवजीवनનો અક્ષરદેહ મેગેઝિન-એપ્રિલ, 2026ના અંકમાંથી]








