Rain wreaks havoc in Gujarat : દક્ષિણ ગુજરાતમાં આવેલા જળપ્રલય બાદ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદે કહેર મચાવ્યો છે. વલસાડ, નવસારી, સુરત જેવી સ્થિતિ અમદાવાદની અને અન્ય શહેરોની થઈ ગઈ છે. ગામડાઓ પણ વરસાદની આફતથી બચી શક્યા નથી. ગુજરાત સરકારને બચાવ કામગીરી માટે આર્મી પાસે મદદ (Gujarat government seeks help from Army) માગવી પડી છે. બીજી તરફ ખુદ CM અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે નીકળ્યા હતા. રાજ્યમાં અગણિત મકાનો અને દુકાનોમાં પાણી ફરી વળતા નુકસાનીનો આંકડો કરોડોથી પણ આગળ વધી ગયો છે. હાઇવે અને ખેતરો પણ પાણીમાં ડૂબી જતા અદ્રશ્ય બન્યા છે. વાવ-થરાદ જિલ્લામાં આવેલા નડાબેટના રણમાં ભારે વરસાદના કારણે પાણી ફરી વળતા (Rainwater returned to the desert of Nadabet) દરિયા જેવા દ્રશ્યો સર્જાયા છે.
રાજ્યમાં વરસી રહેલા વરસાદે કહેર મચાવ્યો છે. એક પછી એક જિલ્લાઓ અને શહેરો ભારે વરસાદના કારણે પ્રભાવિત થયા છે. અમદાવાદની વાત કરીએ તો ભારે વરસાદે મ્યુનિસપલ તંત્રના અણઘડ વહીવટની પોલ ખોલી નાંખી છે. અધિકારીઓ અને પદાધિકારીઓની નિર્ણયશક્તિના અભાવે અમદાવાદીઓને ભારે મુશ્કેલીમાં મુકી દીધા છે. અમદાવાદની એકેય દિશા બાકી નથી કે જ્યાં પાણી ભરાવાની ઘટના ના બની હોય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખુદ પાણીમાં ઉતરવાની ફરજ પડી હતી. મુખ્યમંત્રીએ બોપલ, શેલા, ગોધાવી સહિતના વિસ્તારોની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ગામડાઓમાં પણ વરસાદના કારણે લોકો પ્રભાવિત થયા છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ રોકાવાનું નામ નથી લેતો. આવતીકાલે શનિવારે અમદાવાદ શહેરમાં અતિભારે વરસાદની આગાહી (Heavy rain forecast in Ahmedabad) છે. જેને લઈને અત્યારથી જ શહેરીજનોના જીવ તાળવે ચોંટી ગયા છે.








