High Court verdict on freezing bank accounts : 1100 રૂપિયાના બે ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેકશનના કારણે આખેઆખું બેંક એકાઉન્ટ સ્થગિત કરવાના મામલામાં ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો (Important verdict of Gujarat High Court) આપ્યો છે. ફોજદારી કેસમાં ખાતાધારકની સંડોવણી સાબિત કર્યા વિના તેનું બેંક એકાઉન્ટ ફ્રિઝ કરી દેવું એક બંધારણીય અધિકારના ઉલ્લંઘન સમાન છે. જસ્ટિસ નિરલ આર. મહેતા (Justice Niral R Mehta) એ પણ સ્પષ્ટ કર્યું કે, તપાસ એજન્સીની સત્તા પર વિવાદ ના હોઈ શકે પરંતુ આવી સત્તાનો ઉપયોગ વાજબી અને વિવેકબુદ્ધિથી કરવો ખૂબ જરૂરી છે.
ગાંધીનગરની ઇન્ફોસિટિ બ્રાંચની HDFC Bank માં સેવિંગ એકાઉન્ટ ધરાવતા અરજદારનું આખું ખાતુ સાયબર ક્રાઈમ સત્તાવાળાઓએ સ્થગિત કરી દીધું હતું. બે ફરિયાદોના સંદર્ભમાં બેંક એકાઉન્ટને ફ્રિઝ કરી દેવાતા અરજદારનો પગાર ખાતામાં જમા થતો પણ તેઓ EMI, ભાડું તેમજ ઘરખર્ચ કરવા માટે છતાં રૂપિયે લાચાર થઈ ગયા હતા. આ મામલે હાઇકોર્ટમાં ધા નખાતા ખાતાધારકનું એકાઉન્ટ ડી-ફ્રિઝ કરવા હુકમ કરાયો છે. અરજદારના બેંક એકાઉન્ટમાં રહેલી શંકાસ્પદ વ્યવહારની રકમ 1100 રૂપિયા હોલ્ડ (લીયન) રાખી ખાતુ ઓપરેટ કરવા મંજૂરી આપી હતી. સાથે સાથે આખરી નિર્ણય તપાસના પરિણામને આધીન રહેશે તેવું અદાલતે સ્પષ્ટ કર્યું હતું.








