તેનું નામ ધનજી અને તેની પત્નીનું નામ માની. આમ તો તે બંને રાજસ્થાનના વતની છે પણ પેટનો ખાડો પૂરવા માટે વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયેલાં છે. તેમના પરિવારમાં બે પુત્રો અને બે પુત્રી છે. ધનજી તેના છ માણસોના પરિવાર સાથે સેટેલાઇટ વિસ્તારમાં રહે છે. ધનજી જ્યારે સેટેલાઈટ વિસ્તારમાં આવ્યો ત્યારે તો દિવસે પણ લોકો આ વિસ્તારમાં આવતાં ડરતા હતા, કારણ કે શહેરના છેવાડે આવેલા નિર્જન વિસ્તારમાં કોઈ રહેવા માટે તૈયાર નહોતું. થોડા શેઠિયાઓના બંગલાને અડીને રોડની એક નાની પટ્ટી શહેરની બહાર નીકળતી હતી.
હાલમાં જ્યાં મોટાં મલ્ટિપ્લેક્સ અને શોપિંગ મોલ છે તેને અડીને આવેલા રામદેવનગરમાં ગરીબોનાં ઝૂંપડાં સિવાય કંઈ નહોતું, ત્યાં આજે પણ ઝૂંપડાંઓ છે. ધનજી અને તેના પરિવારના સભ્યો આ વસાહતમાં જ રહે છે. ધનજી ગરીબ હોવા છતાં તેની પાસે બળવાન વિચારો હતા. તેણે મનોમન નક્કી કર્યું હતું કે, તેનાં બાળકો તેના જેવી જિંદગી નહીં જીવે. ધનજી પોતાની જાત સાથે લડનારો માણસ છે તેથી તેને વિપરીત પરિસ્થિતિઓ હરાવે તે વાતમાં માલ નથી. ખિસ્સામાં કાણી પાઈ પણ નહોતી, છતાં તેણે પોતાના બે પુત્રો જીતુ અને ભરતને સાણંદ નજીક આવેલી એક અંગ્રેજી શાળામાં ભણવા માટે મૂક્યા હતા. ધનજી અને તેની પત્નીએ ક્યારેય થીંગડાં વગરનાં કપડાં પહેર્યાં નથી અને અંગ્રેજી શાળામાં ભણતાં બંને બાળકો માટે તે શાળાએ નક્કી કર્યા પ્રમાણે સી.જી. રોડ ઉપરથી ડ્રેસ લાવતાં હતાં.
ધનજી અને તેની પત્ની માની સેટેલાઈટ વિસ્તારમાં નાનાં બાળકોના રમકડાં અને ફુગ્ગા વેચવાનું કામ કરતાં હતાં. લગ્નની સિઝનમાં વાસણો ધોવાની નોકરી પણ સ્વીકારતાં, કારણ કે માત્ર રમકડાં વેચી બંને બાળકો જે અંગ્રેજી શાળામાં ભણતાં હતાં તેમનો ખર્ચ ઉપાડવો સહેલો નહોતો. તેના સંચાલકોનો વ્યવહાર પહેલાં તો ખૂબ સારો હતો. સાવ સામાન્ય ફી લઈ ધનજીનાં બાળકોને પ્રવેશ આપ્યો હતો પણ થોડાં વર્ષોમાં આ શાળા ખૂબ જાણીતી બની. શ્રીમંતોના બાળકો ત્યાં ભણવા માટે આવવા લાગ્યા, જેના કારણે હવે સમસ્યા એવી ઊભી થઈ કે ઝૂંપડપટ્ટીના બાળકો સાથે બંગલાવાળાના બાળકો કેવી રીતે ભણી શકે. જેના કારણે શાળા–સંચાલકે ધનજીને તેનાં બંને બાળકોની પૂરી ફી ભરવાની સૂચના આપી, જે ધનજી માટે શક્ય નહોતું. બંને બાળકોને સારું શિક્ષણ મળે તે માટે ધનજીએ કાળી મજૂરી તો શરૂ કરી પણ તેની સાથે તેવો નિયમ પણ કર્યો કે, ઘરમાં સાંજે કયારેય ચૂલો નહીં સળગે અને આજ સુધી સાંજે કયારેય તેમના ઘરે કોઈ જમતું નથી.
ધનજી અને તેના પરિવારને ભૂખ તો લાગે છે પણ ભૂખ લાગે ત્યારે શું ખાવું તે એક કોયડો છે. જ્યારે બાજુમાં જ આવેલા મોટા બંગલામાં રહેતા ધનિકોને ભૂખ કેવી રીતે લાગશે તેની ચિંતા સતાવે છે. ધનજી ફી નહીં ભરી શકતાં બંને બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાંથી ઉઠાડી મૂકવાની જરૂર પડી. બંને પતિ–પત્નીનો જીવ કપાઈ ગયો. પોતાનાં સંતાનો શિક્ષણથી વંચિત થાય તે તેમને મંજૂર નહોતું. એક વર્ષ સુધી તેમનાં બંને બાળકોની સ્કૂલમાં જઈ તેમને ફરી પ્રવેશ આપવામાં આવે તેવી વિનંતી કરતાં રહ્યાં પણ શિક્ષણ આપનારની પાસે માણસ થવાની સમજનો અભાવ હતો.
જિતુ અને ભરતનું શિક્ષણ એક વર્ષ બગડ્યું. સંભવ છે કે બંને બાળકો ગરીબ અને અશિક્ષિત વિસ્તારમાંથી આવતાં હોવાને કારણે તેમને અન્ય બાળકોની સરખામણીમાં તાલ મિલાવતાં મુશ્કેલી પડતી હશે. તેમને સમજવા અને સમજાવવા મુશ્કેલ નહોતાં પણ જિતુ અને ભરત માટે તેમની શાળાના દરવાજા બંધ થઈ ગયા હતા. ગરીબ હોવાને કારણે તેમની શાળાએ તેમના માટે બંધ કરેલા દરવાજાની કિંમત કોણ ક્યારે ચૂકવશે તે તો સમય જ કહી શકશે, કારણ કે શાળાના દરવાજા બંધ થવાથી આ બંને બાળકોના માનસ ઉપર શી અસર થઈ હશે તે કહેવું કોઈ મનોચિકિત્સક માટે પણ મુશ્કેલ છે. ધનજી અને માની હિંમત હાર્યાં નહીં. રામદેવનગર પાસે આવેલી નારાયણગુરુ નામની જાણીતી સ્કૂલમાં બંને બાળકોને ભણાવવાનો તેમણે નિર્ણય કર્યો. જો કે શાળાની ફીને ધ્યાનમાં લેતાં મોટા પુત્ર જીતુને મ્યુનિસિપલ સ્કૂલમાં અને ભરતને નારાયણગુરુમાં પ્રવેશ અપાવ્યો. તેઓ ઇચ્છતાં હતાં કે, તેમનાં બંને બાળકો સાથે ભણે પણ તે કુદરતને મંજૂર નહોતું. જીતુ અને ભરત પણ પોતાનાં માતા-પિતાની સ્થિતિ સમજી શકતા હતા. તેમને પણ ખબર હતી કે જિંદગીનાં સરવાળો–બાદબાકી કેવી રીતે થાય છે. મ્યુનિસિપલ શાળામાં અભ્યાસ કરવાની સાથે જીતુ રજાના દિવસે લગ્નમાં રોજ ઉપર નોકરી કરવા જાય છે. જયારે ભરત સાંજે છ વાગ્યે સ્કૂલેથી છૂટી ઘરે આવી પોતાના નાનકડા ખભા ઉપર ફુગ્ગાઓ અને રમકડાંઓનું સ્ટેન્ડ મૂકી ફુગ્ગાઓ વેચવા માટે સેટેલાઈટ વિસ્તારની રેસ્ટોરન્ટની બહાર ઊભો રહે છે. ક્યારેક તેને તેની સાથે તેના કલાસમાં ભણતા તેના મિત્રો પોતાનાં માતાપિતા સાથે મળી જાય છે. જો કે ભારત પોતાના પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં આવી શકે એટલો નસીબદાર નથી, છતાં ત્યાં મળી જતા પોતાના મિત્રોને જોઈ ખુશ થાય છે.
ભરતે કયારેય છુપાવ્યું નથી કે તે સ્કૂલેથી છૂટી ફુગ્ગા-૨મકડાં વેચવાનું કામ કરે છે. તેને ભણવામાં જેટલી મઝા પડે છે એટલો જ આનંદ તેને ફુગ્ગા વેચવામાં આવે છે. ભરત રાત પડે ચાલીસ–પચાસ રૂપિયા કમાઈ લે છે. તેની જેમ તેના પિતા ધનજી પણ ફુગ્ગા વેચવાનું કામ કરે છે. રાતે ઘરે આવ્યા બાદ થાકેલો ભરત પોતાની શાળાનું હોમવર્ક અચૂક કરે છે. ક્યારેક તેની પડોશમાં રહેતા અને લગ્નપ્રસંગે નોકરીએ જતા પાડોશીઓ લગ્નમાં મળેલું ભોજન લઈ આવે તો ધનજી નજીવા રૂપિયામાં તે ભોજન ખરીદી પેટમાં ટાઢક કરે છે.
ધનજી, તેની પત્ની માની તેમ જ બાળકોનાં પેટ અન્ન વગર અનેક વખત ખાલી રહ્યાં છે પણ તેમની આંખોમાં સપનાંઓ અચૂક રહ્યાં છે. આ પરિવારને જોયા પછી લાગે છે કે, કોઈ માણસ ધનવાન હોય તેની સામે કોઈ વાંધો નથી પણ તેની સંપત્તિનો નાનકડો હિસ્સો કોઈ ગરીબ પરિવારની મદદે આવે તો કોઈ જિતુ કે ભરતની શાળાના દરવાજા તેમને માટે બંધ નહીં થાય. એક તરફ અમદાવાદ મેગાસિટીના નવા વાઘા પહેરી રહ્યું છે ત્યારે મેગાસિટીમાં ધનજીના પરિવારની સમસ્યા પણ કડવી વાસ્તવિકતા છે.