નવજીવન ન્યૂઝ, અમદાવાદ : દેશમાં હવામાનને લઈને બેવાડા મિજાજ જોવા મળી રહ્યાં છે. ગુજરાતમાં આકરી ગરમી પડવાની છે. જ્યારે બીજા રાજ્યોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કેટલાંક રાજ્યોમાં વરસાદી માહોલ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 17 એપ્રિલ સુધી રાજ્યમાં આકરી ગરમીની ચેતવણી આપવાની સાથે ‘યલો એલર્ટ’ (Yellow Alert in Gujarat) જાહેર કર્યું છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર (Meteorological Department Ahmedabad) દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન મુજબ આગામી બે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. આ વધારા બાદ તાપમાનનો પારો સ્થિર રહેવાની સંભાવના છે. વધતી જતી ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થશે. ખાસ કરીને બપોરના સમયે આકાશ એકદમ સાફ રહેવાના કારણે સૂર્યના સીધા કિરણો દઝાડનારી ગરમીનો અહેસાસ કરાવશે. અમદાવાદમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા (Coast of Saurashtra and South Gujarat) ના જિલ્લાઓ માટે હવામાન વિભાગે ખાસ સાવચેતી રાખવા જણાવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે લોકોને અસહ્ય બફારા અને અકળામણનો સામનો કરવો પડશે. સામાન્ય રીતે સૂકી ગરમી કરતાં ભેજવાળી ગરમી વધુ પરેશાન કરતી હોય છે. આકાશ ચોખ્ખું રહેવાને કારણે હીટ ઇન્ડેક્સમાં વધારો થશે, જેનાથી સામાન્ય તાપમાન કરતા પણ વધુ ગરમી અનુભવાશે.
India Meteorological Department ની આગાહી અનુસાર દેશના 12થી વધુ રાજ્યોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કેટલાંક પ્રદેશોમાં કરા પડવાની અને વીજળી પડવાની સંભાવનાને જોતા ખેડૂતોને સતર્ક રહેવા અને સલામત સ્થળે આશ્રય લેવા સૂચના અપાઈ છે.








