Thursday, April 16, 2026
HomeGeneralજંગલમાં ચૂંટણી થઈઃ નખ વગરનો વાઘ બધું જોતો હતો પણ… પ્રાણીઓને કસી...

જંગલમાં ચૂંટણી થઈઃ નખ વગરનો વાઘ બધું જોતો હતો પણ… પ્રાણીઓને કસી પડી નહોતીઃ ધૂરંધર જેવી કાલ્પનીક વાર્તા

- Advertisement -

ઉર્વીશ પટેલ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): જે દેખાતી હતી તે કહાની નથી અને જે કહાની હતી તે બોલતી નહોતી. આવું જ કાંઈક આ જંગલમાં શરૂ થયું હતું. દેખાતું હતું કે જંગલમાં ચૂંટણી (election) છે પણ કહાની તે નહોતી, ખરી કહાની હતી નખ વગરના વાઘની અને ચૂપ ચાપ રિલો ફેરવી બધી જ વાતને મજાકમાં ઉડાવતા પ્રાણીઓની.

કહાનીની શરૂઆત આમ તો ઘણી પહેલા જ થઈ ગઈ હતી પણ અહીં એક દિવસ નક્કી થાય છે કે જંગલમાં ચૂંટણી જેવું કાંઈક હોવું જોઈએ જેથી પ્રાણીશાહી સત્તા છે તેવો અનુભવ પ્રાણીઓને થાય. એ નિર્ણય સાથે વાઘને ચૂંટણી કરવાની તમામ જવાબદારી આપવામાં આવી. કારણ કે વાઘની ધાક એવી હતી કે ના માત્ર પ્રાણીઓ પણ ઉમેદવારો પણ તેનાથી ડરશે તેવું પ્રાણીઓનું માનવું હતું. આ માટે વાઘને તે પ્રમાણેની સત્તા પણ આપવામાં આવી હતી.

- Advertisement -

એક બાજુ ઉમેદવારોમાં વાનર ટોળકી હતી, હરણ ટોળકી હતી, શિયાળોની ટોળકી હતી, જંગલી કૂતરાઓની ટોળકી હતી. આ લોકો ટોળામાં લડતા હતા. ત્યાં તેમને અત્યાર સુધીના ચૂંટણીના આંકડાઓ જોઈને લાગ્યું કે આપણે અપક્ષમાં પણ કેટલાક ઉમેદવારોને રાખવા જેથી વોટ તૂટી જાય અને આપણે સત્તાને પામીએ. સત્તાને પામીએ ત્યાં સુધી તો ઠીક આપણે પ્રાણીઓનું રક્ષણ કરતી સુંવર ગેંગને પણ કંટ્રોલમાં રાખી શકીએ. અગાઉથી જ જંગલ પર રાજ કરતી શિયાળ ટોળકીએ એક મિટિંગ રાખી જેમાં વાઘ પણ હતો, સુંવરો પણ હતા વાનર ટોળકી પણ હતી, હરણ ટોળકી પણ હતી. મતલબ કે આ ટોળકીઓના નેતા. જંગલી કૂતરાઓને પણ આમંત્રણ હતું. શિયાળ ટોળકીનો જંગલ પર આમ પણ ઘણો દબદબો પહેલાથી હતો. સુંવરો અને વાઘ તો પડતો બોલ ઝિલતા, બોલ છોડો… બોલતા બોલતા થુંક પડે તો તે પણ પ્રસાદ તરીકે ઝીલી લેતા. આ મિટિંગથી જંગલના બીજા પ્રાણીઓ બિલકુલ અજાણ હતા.

આ મિટિંગમાં શિયાળે અગાઉથી જ ધમકાવી દીધા કે ચુપ ચાપ જેટલું ફેંકીએ એટલું જમી લો. નહીંતર અમારી પાસે સુંવરો અને તેમની અન્ય બ્રાન્ચો તૈયાર છે. નોંધણી થઈ જશે પછી ખાતા રહેજો સિંહના દ્વારે ન્યાય લેવાના ધક્કા. જેટલા વર્ષમાં ચુકાદો લઈને બહાર આવશો ત્યાં સુધી તો અમે પિક્ચર પુરું કરી નાખીશું. મિટિંગમાં કોઈને પોતાનો પક્ષ મુકવાનો હતો જ નહીં. ચુપ ચાપ બસ સાંભળવામાં જ મજા માનીને સહુએ આ વાત સ્વીકારી લીધી. પ્રાણીઓને ખબર જ નહોતી કે તેમની લંકા આ વખતે વાનરો નહીં પણ શિયાળ ટોળકી જ લગાવી દેશે. જોકે આ ટોળકીઓમાના બધા જે મીટિંગમાં હતા તે તૈયાર હતા પણ ઘણા હતા જે આ મીટિંગની બહાર હતા અને તેમાંથી કેટલાક આ માટે તૈયાર નહોતા.

ચૂંટણીનો દિવસ આવ્યો, શિયાળ ટોળકીએ જેમને કહ્યું હતું તેવા જ ઉમેદવારો નક્કી કરાયા. ફોર્મ હોંશે હોંશે ભર્યા. પણ આમાં ખેલ એવો હતો કે કેટલાક ઉમેદવારોને મેન્ડેટ જ ના મળ્યા, તો કેટલાકના મેન્ડેટ જમા જ કરવામાં આવ્યા નહીં. ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખે તો ધમાસાણ થઈ ગયું. ચૂંટણીના નામે ખેલ થઈ ગયો. આમ પણ વાઘને ફેંકેલું ખાઈને ધરાઈ જવાની આદત પડી ગઈ હતી. હવે તને પંજામાં એ નખ રહ્યા નહોતા. એ વાતનો ભરપૂર ફાયદો લેવાયો. જ્યાં શિયાળ ગેંગ સામે વાળી ટોળકીના મજબૂત લાગતા ઉમેદવારોને ખેંચી લઈ જતી અને ફોર્મ પાછા ખેંચાવડાવી લેતી હતી. ત્યાં અન્ય ટોળકીઓ નિઃસહાય હતી કારણ કે સુંવરો ભરપૂર મદદમાં હતા. સુંવરોએ રક્ષકની વર્દીનો રંગ જાણે બદલી નાખ્યો હતો. એક વાનર નેતા ઉપર તેની જ ટોળકીના વાનરને કિડનેપ કરી નાખવાનો આરોપ લગાવી તાત્કાલીક નોંધણી કરી તે વાનરને ઊંચકી લીધો. પ્રાણીઓ પણ આ ખો ખેલ સમજી રહ્યા હતા પણ તેમને રિલ ફોર્વર્ડ કરવાની અને જંગલની ગંભીર સમસ્યાઓને હાંસીમાં કેવી રીતે ઉડાવવી તેને લઈને લાગેલી લાઈક્સની હોડમાં નંબર વન થવાનું હતું. જેના માટે જંગલનું ભવિષ્ય પણ દાંવ પર લાગે તો પણ કોઈ સમસ્યા નહોતી. આમ આખું જંગલ આ જંગલ રાજથી જ ખુશ હતું. ના પ્રાણીઓને વાંધો હતો આ ચૂંટણીથી, ના વાઘને, ના સુંવરોને ના બીજી ટોળકીઓેને…. તો પછી બોલવા વાળા તમે કોણ?

- Advertisement -

(અહીં કોઈ વ્યંગ નથી, તમારી બુદ્ધી અને આ લેખનો મન મેળ કેટલો છે માત્ર એટલી જ વાત છે. આ ધુરંધરની જેમ જ સત્ય ઘટના નથી. માત્ર કલ્પના છે, કાલ્પનિક વાર્તા છે)

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular