Friday, May 8, 2026
HomeGujaratઆ કેપ્ટનને બોલ વાગ્યો અને પછી નવાસવા યુવાન કેપ્ટને ટીમ ઇન્ડિયાને જે...

આ કેપ્ટનને બોલ વાગ્યો અને પછી નવાસવા યુવાન કેપ્ટને ટીમ ઇન્ડિયાને જે શીખવ્યું, તેની અસર આજે પણ..

- Advertisement -

ઇન્ડિયન ક્રિકેટ ટીમની આજે વિશ્વની શ્રેષ્ઠ ટીમોમાં ગણના થાય છે. આ ટીમ નિર્માણ કરવાનો શ્રેય સૌરવ ગાંગુલી અને મહેન્દ્રસિંહ ધોનીને જાય છે. નેવુંના દાયકાના અંતમાં ફિક્સિંગનું ગ્રહણ લાગ્યા બાદ વેરવિખેર થયેલી ટીમને ફરી ઊભી કરનાર સૌરવ ગાંગુલી હતો. સૌરવ ગાંગુલીએ વિશ્વાસ જગાવ્યો કે વિદેશની ધરતી પર પણ ‘ટીમ ઇન્ડિયા’ દમદાર પર્ફોમન્સ કરી શકે છે. તેની જ કેપ્ટનશીપમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાનમાં ભારતીય ક્રિકેટ ટીમે એગ્રેસિવ પર્ફોમન્સ દાખવ્યું હતું. ટેસ્ટ સિરિઝમાં આ દેશોની મજબૂત ટીમ સામે ભારત મેચો તો જીત્યું; પણ ચાહકો તે જીત કરતાં ટીમ ઇન્ડિયાના બિન્દાસ રમવાના વલણથી વધુ ખુશ હતા. આ પછી આઇપીએલ અને ધોનીના કેપ્ટનશીપ દરમિયાન ટીમ વધુ મજબૂત બની અને વન ડે ક્રિકેટમાં વિશ્વ ચેમ્પિયન પણ બની.

ઇન્ડિયન ક્રિકેટ ટીમની આ સફરમાં થોડા વધુ પાછળ જઈએ તો ખ્યાલ આવે કે ટીમ ઇન્ડિયાને પહેલાંવહેલાં વિદેશની ધરતી પર રમવાનો વિશ્વાસ અપાવનારાં મન્સૂર અલીખાન પટોડી હતા. 1962માં જ્યારે યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું ત્યારે નરી કોન્ટ્રાક્ટરને કેપ્ટન બનાવવામાં આવ્યા. એ વર્ષે થયેલાં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં નરી કોન્ટ્રાક્ટર કેપ્ટન હતા અને મન્સૂર અલી વાઇસ કેપ્ટન. પરંતુ ચોથી ટેસ્ટમાં નરી કોન્ટ્રાક્ટર ફાસ્ટ બોલર ચાર્લી ગ્રીફીથ બૉલિંગમાં ઇજાગ્રસ્ત થયા અને કેપ્ટનશીપની જવાબદારી એકાએક 21 વર્ષના મન્સૂર અલી ખાન પટોડી પર આવી. 1962માં સૌથી યુવાન વયે ટેસ્ટ કેપ્ટનશીપ કરવાનો રેકોર્ડ મન્સૂર અલી પટોડીના નામે બન્યો. આ રેકોર્ડ કરતાં અગત્યની વાત એ હતી કે નવાસવા આઝાદ થયેલાં આપણા દેશમાં મોટા ભાગના ક્રિકેટરો અંગ્રેજોના શાસનમાં ઉછર્યા હતા. એશિયન સિવાયના ટીમ સામે ભારતીય ટીમ હંમેશા સંકુચિત માનસિકતાથી રમતી હતી, જેથી કરીને ભારતીય ક્રિકેટનું ટીમનું પર્ફોમન્સ પણ નબળું રહેતું. આ માનસિકતાને બદલવાનું કામ મન્સૂર અલી ખાન પટોડીએ કર્યું હતું. 1961માં તેમણે બેટિંગ વડે કમાલ કરી દેખાડ્યો અને પછીનાં વર્ષોમાં કેપ્ટનશીપ દ્વારા. ઇંગ્લેન્ડ જ્યારે 1961માં ભારતના પ્રવાસે આવ્યું ત્યારે 2-0થી ઇંગ્લેન્ડને હરાવ્યું અને તેમાં સૌથી યુવાન બેટ્સમેન મન્સૂર અલીખાન પટોડી છવાઈ ગયા. પોતાની ત્રીજી જ ટેસ્ટમાં તેમણે સદી ફટકારી હતી. આઝાદી પછી પૂર્વશાસકો પર ટીમ ઇન્ડિયાએ પ્રથમવાર આ વિજય મેળવ્યો હતો.

- Advertisement -

ટીમ ઇન્ડિયાને વિશ્વાસ જગાડી શકવાનું મુખ્ય કારણ તેઓ ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરીને આવ્યા હતા. તે વખતે ઇંગ્લેન્ડ ક્રિકેટનું કેન્દ્ર હતું અને ત્યાં મન્સૂર અલીખાન સ્કૂલ દરમિયાન રમી ચૂક્યા હતા. માત્ર સોળ વર્ષની ઉંમરે તેઓ કાઉન્ટીમાં સસેક્સ ટીમ વતી રમ્યા અને પછી ઓક્સફર્ડ યુનિવર્સિટીની ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરી હતી. આમ તેનું ક્રિકેટીંગ કરીઅર જોતાં એવું લાગે કે તેઓ નવાસવા આઝાદ થયેલાં દેશની ક્રિકેટ ટીમ માટે બેસ્ટ વિકલ્પ સાબિત થયા. ઇંગ્લેન્ડમાં તેમનો ક્રિકેટનો આ અનુભવ આઝાદી પછી બનેલી ટીમ ઇન્ડિયાને મળ્યો. તેઓ 1961થી લઈને 1975 સુધી ઇન્ડિયન ક્રિકેટ ટીમનો હિસ્સો રહ્યા અને આ ગાળા દરમિયાન તેઓ 46 ટેસ્ટ રમ્યા, જેમાંથી 40માં તેઓ કેપ્ટન તરીકે રહ્યા. તેમના જ કેપ્ટનશીપ દરમિયાન ભારત પહેલીવહેલી વખત વિદેશની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીત્યું હતું. આ ટેસ્ટ સિરીઝ વિયય 1968માં ન્યૂઝિલેન્ડ સામે મેળવી હતી. આજે ટીમ ઇન્ડિયા જે મુકામે ઊભી છે તેમાં મન્સૂર અલી ખાન પટોડીનું શ્રેય ભૂલાવવું ન જોઈએ.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular