જેલ શબ્દ કાને પડતા આંખની ભ્રમરો અને કાન ઉંચા થઈ જાય છે,કારણ આપણા મનમાં જેલનું જે ચિત્ર છે તે વાસ્તવીકતા કરતા બહુ જુદુ અને ઘણુ દુરનું છે, જેલ એટલે ખુંખાર ગુનેગારોનો મેળાવડો અને સળીયાની પાછળ ઉભા રહેલા પડછંદ માણસો તેવુ લાગે છે,જો કે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા સિરિયલમાં સુંદરનો અભિનય કરનાર કલાકાર મયુર વાકાણીને જાણે છેલ્લાં કેટલાય વર્ષોથી સાબરમતી જેલ તરફ ખેંચાણ થઈ રહ્યુ હતું, શનિવાર 2 જાન્યુઆરીના રોજ મયુર વાકાણી સાબરમતી જેલની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો, અને મયુર જેલને કોઈ ભેટ આપવા માગતો હતો.
મયુર વાકાણીનું જેલમાં આવવાનું પ્રયોજન એવુ હતું 1942ના હિન્દ છોડો આંદોલન દરમિયાન અમદાવાદના સરસપુર વિસ્તારમાંથી મયુરના દાદા નટવરલાલ વાકાણીની અંગ્રેજ સરકારે ધરપકડ કરી સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા, ત્યારે નટવરલાલ વાકાણીની ઉમંર માત્ર 16 વર્ષની હતી,ગાંધીજીથી પ્રભાવીત થઈ નટવરલાલ વાકાણીએ પોતાની સ્કુલ છોડી આઝાદીની લડાઈમાં ઝંપલાવી દીધુ હતું, પોતાના પિતા પાસેથી મયુરે અનેક વખત દાદાની અંગ્રેજો સામે લડવાની દાદાગીરીની વાતો સાંભળી અને તેમના જેલવાસની સ્થિતિ જાણી હતી,ત્યારથી મયુરને પોતાના દાદા જયાં રહ્યા તે સાબરમતી જેલને જોવી હતી.
જો કે મયુર વાકાણીએ સાબરમતી જેલની મુલાકાત વખતે જેલને કઈક ભેટ આપવાનો નિર્ણય કર્યો હતો. મયુર કલાકાર હોવાની સાથે સ્થાપત્ય બનાવવાનું પણ કામ કરે છે તેથી મયુર પોતાની સાથે ગાંધીજીની કથાના ત્રણ વાંદરાની પ્રતિમા લઈ આવ્યો હતો,જે મયુરની હાજરીમાં સાબરમતીજેલની મધ્યમા જ જેલ અધિકારીઓ દ્વારા સ્વતંત્રતા સેનાની નટવરલાલ વાકાણીની સ્મૃતિમાં સ્થાપિત કરી હતી, મયુર ત્યાર બાદ જેલવાસ ભોગવી ચુકેલા સરદાર પટેલ, ઝવેરચંદ મેઘાણી, રવિશંકર મહારાજ, અબ્બાસ તૈયબજી સહિતની ખોલીની મુલાકાત લઈ માથુ ઝુકાવ્યુ હતું, પણ 1922માં મહાત્મા ગાંધીને જે ખોલીમાં રાખવામાં આવ્યા હતા તે ખોલીના પ્રવેશ દ્વારા મયુર એટલો ભાવુક થઈ ગયો હતો કે ધ્રસુકે ધ્રસુકે રડી પડયો હતો,ગાંધી ખોલીમાં જઈ મયુરે દિવો પ્રગટાવ્યો હતો
તારક મહેતાનો સુંદર જેલમાં પોતાને મળવા આવ્યો છે તે જાણ થતાં સાબરમતી જેલના કેદીઓ રોમાંચીત હતા,ટીવીના સ્ક્રીન ઉપર જોવા મળતો સુંદર તેમને મળવા આવ્યો હતો મયુર કેદીઓને પણ મળ્યો, અને નવજીવન ટ્રસ્ટ દ્વારા સંચાલીત પત્રકારત્વનો અભ્યાસ કરતા કેદીઓ સાથે પણ પત્રકારત્વના મુદ્દે ચર્ચા કરી કહ્યુ હતું કે તમે તમારી સજા પુરી કરી બહાર નિકળો ત્યારે એત ઉત્તમ પત્રકાર થાવ તેવી મારી ઈચ્છા છે, મયુરે જેલની બહાર નિકળ્યો ત્યારે તેના શબ્દો હતા લોકો ભલે આ સ્થળને જેલ તરીકે ઓળખે છે, પણ આ તો પાવનભુમી છે જયાં ગાંધી-સરદાર-મેઘાણી અને રવિશંકર જેવા મહાત્માઓ રહ્યા હતા
આપણે ત્યાં ગુપ્તદાનનું પણ એટલુ જ મહત્વ છે, હમણાં કાતીલ ઠંડીની લહેર ચાલી રહી છે,જેલમાં અનેક ગરીબ કેદીઓ પણ છે જેમને જેલ દ્વારા ઠંડીથી બચવામાં માટે આપવામાં આવતી વ્યવસ્થા ઓછી પડે છે,જેલ અધિકારીની વિનંતીને ધ્યાનમાં લઈ એક ગૃહ્સ્થે એક હજાર ધાબળા પુરા પાડયા, પણ તેમની શરત હતી કે તેમના નામનો ઉલ્લેખ કયાં થાય નહીં, બહારની દુનિયામાં તો કોઈને જરૂર હોય ત્યારે મદદ મળી જાય છે, પરંતુ જયાં ત્રણ હજાર કેદીઓ રહે છે તેમની મદદે બહુ ઓછા લોકો આવે છે