નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: Surendranagar News : સુરેન્દ્રનગરના ખનીજ માફિયાઓના (Mining Mafia) આતંકે હવે હદ વટાવી હોય તેવી પરિસ્થીતી જોવા મળી રહી છે. સાયલા તાલુકાના મઢાદ આસપાસ ચાલી રહેલી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તીઓ અને ક્વોરીઓ વિરૂધ્ધ ગ્રામજનો લડતા ચલાવી રહ્યા છે. પરંતુ સુરેન્દ્રનગર પોલીસ (Surendranagar Police)આંખે પાટા બાંધી કાર્યવાહીનો ડહોળ કરી રહી છે. જેના કારણે કાયદો અને વ્યસ્થા જેવું કંઈ રહ્યું જ ન હોય તેવા કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે હવે ખનીજ માફિયા વિરૂધ્ધ લડત ચલાવતા વ્યક્તિ પર માફિયાઓએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પરિણામે ફરીથી સુરેન્દ્રનગરની બાહોશ પોલીસ સવાલોના ઘેરામાં મુકાઇ રહી છે.
નાના મઢાદમાં માફિયાએ કર્યો હુમલો
સુરેન્દ્રનગરમાં ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ સદંતર નિષ્ક્રિય હોય તેવા અનેક અહેવાલ અમે આપને બતાવી ચૂક્યા છીએ. પરંતુ આ નિંભર તંત્રનું નાક તાણો એટલે ત્રણ દિવસ કાર્યવાહી કરે અને ફરી ખનીજ માફિયાના ખોળે બેસાડી લે તેવી સ્થિતી છે. ત્યારે આજરોજ કથિત ખનીજ માફિયાઓએ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના નાના મઢાદ ખાતે પવુભા ગઢવી પર જીવલેણ હુમલો કર્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
પોલીસકર્મી ધમકાવે અને પોલીસ વડા કાર્યવાહી ન કરે ?
મળતી વિગતો અનુસાર નાના મઢાદ ગામના રહિશ પવુભા ગઢવી છેલ્લા કેટલાક દિવસોથી ગામ આસપાસ થતા ગેરકાયદેસર બ્લાસ્ટિંગ, ખનીજ ચોરી અને ભરડીયા વિરૂધ્ધ તંત્રને ફરિયાદો કરી જગાડવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આજરોજ સવારના સમયે પવુભા ગઢવી પોતાના ઘરની પાછળના ભાગે હતા ત્યાં આરોપી નનકું લાભુભાઈ ગઢવી દ્વારા તેમના પર પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ પવુભાએ કર્યો છે. ઘાયલ પવુભા સાયલાની હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે ત્યારે તેઓ આરોપ કરતા જણાવે છે કે અગાઉ આરોપી નનકું ગઢવીના ભાઈ જનક અને વાજસુર ગઢવીએ ધમકીઓ આપી હતી. પીડિત જણાવે છે કે આરોપીનો ભાઈ વાજસુર ગઢવી ધજાડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવી રહ્યા છે. પવુભા જણાવે છે કે આ મામલે તેમણે સુરેન્દ્રનગર SP હરેશ દૂધાત અને DGPને પણ અરજી કરી ફરિયાદ આપી હતી. પરંતુ પોલીસ દ્વારા આ મામલે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આજરોજ તેમના પર જીવલેણ હૂમલો થયાની ઘટના સામે આવતા પોલીસની કાર્યવાહી પર સવાલો પેદા થયા છે.
પોલીસનું કામ પણ કમાલ છે !
પીડિત પવુભા જણાવે છે કે ખનીજ માફિયાઓ ત્રણ દિવસ અગાઉ તેમના પરિવારના વડીલો પાસે પહોંચ્યા હતા. જ્યાં માફિયાઓએ મને અરજીઓ બંધ કરી દેવા અને ફરિયાદો પરત ખેંચાવી લેવા માટે સમજાવી દેવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કથિત કાયદેસર ક્વોરી સંચાલકો દ્વારા અગાઉ પવુભા વિરૂધ્ધ ખંડણીની ફરિયાદ પણ નોંધાવી હતી. જે મામલે પવુભા જણાવે છે કે પોલીસ માફિયાઓના કહેવાથી ફરિયાદ નોંધી લે છે પરંતુ ખરેખર જે ગુનેગાર છે તેના વિરૂધ્ધ કાર્યવાહી કેમ નથી કરતી ? પવુભા એવું પણ જણાવે છે કે ખનીજ માફિયાઓ અને ક્વોરી સંચાલકોની ગામના સરપંચ અને સભ્યો સહિતના નેતાઓ સાથે સાંઠગાંઠ ચાલી રહી છે. જેના કારણે તેમના વિરૂધ્ધ અવાજ ઉઠાવવા ગ્રામજનો પણ ડરવા લાગ્યા છે જેનો ફાયદો ખનીજ માફિયાઓને પહોંચી રહ્યો છે. ઉપરાંત તેમના પર કરેલા હુમલાનો આરોપી નનકું પોતે પણ સરપંચનો ભાઈ હોવાનું તેઓ જણાવે છે.
આમ વાળ જ ચીભડા ગળેની માફક નાના મઢાદમાં સરપંચ જ ગામ ગળી રહ્યા હોય તેવા આરોપ સામે આવી રહ્યા છે. આશા રાખીએ પોલીસ અને સરકાર ખનીજ માફિયાઓને નહીં પણ સુરેન્દ્રનગરની જનતાને સલામતીનો અહેસાસ કરાવશે અને ખનીજ વિભાગ ખનીજ ચોરી બંધ કરાવશે.
Tag: Surendranagar Crime News, Mining Mafia Attack in Surendranagar
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








