Tuesday, September 29, 2026
HomeInternationalઇરાન-ભારતની દોસ્તી : ઇતિહાસ શું કહે છે?

ઇરાન-ભારતની દોસ્તી : ઇતિહાસ શું કહે છે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): આપણા દેશની નીતિ હંમેશા બિનજોડાણવાદી રહી છે અને તે નીતિને અનુસરીને દેશને ઘણો લાભ થયો છે. આજે આપણા દેશના કરોડો લોકો અન્ય દેશોમાં રોજગારી અર્થે થાય છે અને ત્યાં સુખચેનથી રહી શકે છે તેનું એક કારણ બિનજોડાણવાદી વિદેશ નીતિ રહી છે. આ નીતિ અંતર્ગત વિશ્વભરના દેશોની આઝાદી અને સૌહાર્દતાનું સંરક્ષણ થાય તેવું વલણ આપણા દેશના આગેવાનોએ અત્યાર સુધી રાખ્યું છે. વિશ્વમાં જ્યારે કોઈ કટોકટીની સ્થિતિ આવી ત્યારે તેમાં આપણે ખોંખારીને કહી શકીએ તેવો અવાજ આપણો રહ્યો છે. પરંતુ આ વખતે આપણા દેશનું મૌન ભેદી દેખાય છે. તેની નોંધ ઇરાન સહિત અનેક દેશોએ લીધી છે. ઇરાન પર થયેલા હૂમલામાં આપણે વિરોધ જતાવાની વાત તો દૂર પરંતુ હૂમલામાં માર્યા ગયેલા ઇરાનના આગેવાન કે શાળાની બાળકીઓ પ્રત્યે સંવેદના સુધ્ધા વ્યક્ત કરી નથી. એટલું જ નહીં થોડા દિવસ પૂર્વે આપણે ત્યાં નૌસેનાના એક કવાયતમાં ઇરાનની નૌસેના ભાગ લેવા આવી હતી. તે પછી ઇરાન પર હૂમલો થયો અને ઇરાનનું નૌસેનાનું જહાજ જ્યારે પાછું ફરી રહ્યું હતું ત્યારે અમેરિકાએ તેના પર હૂમલો કરીને તોડી પાડ્યું. આ મુદ્દે પણ આપણ દેશની પ્રતિક્રિયા આવી નથી. બેશક, ઇરાનમાં આયતુલ્લા ખામેઇનીના શાસનનો ખૂબ વિરોધ થતો હતો. સરમુખત્યાર હોવાના પણ તેમના પર આરોપ લાગ્યા. ઇરાનના જાગ્રત લોકો તે વિશે અવાજ પણ ઊઠાવ્યો છે. પરંતુ જ્યારે તેમાં દખલગીરી કરવા ઇઝરાયલ અને અમેરિકા પડ્યા ત્યારે હવે ઇરાનવાસીઓ એક થતા દેખાય છે.

યુદ્ધની આ સ્થિતિમાં ભારતનું વલણ કેમ ઇઝરાયલ-અમેરિકા તરફી રહ્યું છે તે વિશે અટકળો લગાવવી પડે. પરંતુ ઇરાન અને આપણા દેશની મૈત્રી કેવી હતી તે અંગે બહુ દૂર જવાની જરૂર નથી. એટલું જ નહીં ઇરાન અને આપણો વેપાર અત્યાર સુધી થઈ રહ્યો હતો. ઇરાનના આયાત-નિકાસમાં ભારતનો હિસ્સો ઘણો મોટો છે. ઇરાન બધી રીતે આપણા દેશ સાથે મૈત્રીસંબંધ બનાવી રાખ્યા છે. પરંતુ સંભવત્ આ યુદ્ધ પછી એ સંબંધ અગાઉ જેવા ક્યારેય નહીં બને. ઇરાન અને ભારતની મૈત્રી વિશે અનેક ઠેકાણે લખાયું છે. ‘ધ હિંદુ’ નામના અખબારમાં થોડા દિવસ પૂર્વે આવેલા એક લેખમાં અનિલ ત્રીગ્યુનાયત લખે છે કે બંને દેશો વચ્ચે મૈત્રી કરાર 1950માં જ થઈ ચૂક્યા હતા. ભારત -ઇરાનના સંબંધને ટકાવી રાખવા માટે હંમેશા અમેરિકા અને યુરોપના દેશોનું દબાણ રહ્યું છે, તેમ છતાં આ સંબંધ આગળ વધતા ગયા છે. પરંતુ આજે જે ઇરાન યુરોપના દેશોનું દુશ્મન તરીકે ખપાવી દેવામાં આવે છે; ત્યારે એટલું યાદ રાખવું કે શીત યુદ્ધ દરમિયાન અમેરિકા-રશિયાનો ગજગ્રાહ ચાલી રહ્યો હતો; ત્યારે ભારતની નીતિ બિન-જોડાણવાદી હોવા છતાં તેનું વલણ રશિયાતરફી હતું. તે વખતે ઇરાનની દોસ્તી યુરોપ-અમેરિકા સાથે હતી. એ પ્રમાણે ઇરાન પાકિસ્તાન-ભારતના સંઘર્ષમાં મહંદશે પાકિસ્તાન સાથે ઊભું રહ્યું છે. 1990માં અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ આંતક મચાવ્યો હતો ત્યારે ભારત-ઇરાન ત્યાંના બીજા એક જૂથ ‘નોર્થન એલાયન્સ’ને સપોર્ટ કરી રહ્યા હતા. અત્યાર સુધી ઇરાનમાંથી ભારત સૌથી વધુ ક્રૂડ ઓઈલ આયાત કરતું હતું. પરંતુ છેલ્લા દાયકામાં ઈરાનમાંથી આવતું ક્રૂડ ઓઈલમાં ઘટાડો થયો છે. હવે ઇરાનમાંથી સૌથી વધુ ક્રૂડ ઓઈલ ખરીદનાર ચીન છે.

- Advertisement -

એ સ્વાભાવિક છે કે આંતરરાષ્ટ્રિય સ્તરે એક દેશના બીજા દેશના સંબંધો બદલાતા રહે. આપણા દેશના બજાર નેવુંના દાયકા સુધી ખોલવામાં આવ્યા નહોતા ત્યાં સુધી અમેરિકા કે યુરોપના દેશો માટે આપણું બજારનું મહત્ત્વ નજીવું હતું. તે પછી ભારતનું બજાર યુરોપ-અમેરિકા માટે ખુલ્યું તેથી હવે આ દેશો ભારતને મહત્ત્વ આપવા લાગ્યા છે અને તેની સાથેના મૈત્રી કરારને મહત્ત્વ ગણવા લાગ્યા છે. જોકે એ પણ ટાંકવું રહ્યું કે આ વેપારમાં લાભ અમેરિકા અને યુરોપને વધુ થઈ રહ્યો છે! અને હાલમાં અમેરિકા સાથે થયેલી ટ્રેડ ડીલ પણ તેવું જ જોઈ શકાય છે. આપણા હિસ્સામાં થોડોક વિકાસ કે સુવિધા આવી છે, પરંતુ સંપૂર્ણ ચિત્ર જોઈએ તો ભારતને નુકસાન ઝાઝું છે.

ભારત અને ઇરાનના સંબંધના બે-એક વર્ષ પૂર્વે જ થયેલી સંધિઓ જોશો તો ખ્યાલ આવે કે આપણે ક્યારેય ઇરાનને અવગણ્યું નથી. 2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇરાનના વડા પ્રધાન ઇબ્રાહિમ રાઈસી ‘બ્રિક્સ પરિષદ’ હેઠળ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં મળ્યા હતા. આ બંને આગેવાનું મળવાનું એક કારણ ઇરાન ભારતને ગેસ અને ક્રૂડ ઓઈલની આપૂર્તિ હતી.

આ ઉપરાંત ઇરાન-ભારતની મૈત્રીને બયાનો કરતો લેખ ‘ધ વાયર’ નામના વેબ પોર્ટલ પર ત્રિભુવન દ્વારા લખવામાં આવ્યો છે. તેમાં તેઓ લખે છે : ‘એક સમય હતો જ્યારે ભારતના ન્યાયાલયોમાં ફારસી બોલવામાં આવતી હતી. ફારસી એક જાણીતી ભાષા બની હતી. મુઘલ કાળમાં ફારસી માત્ર વિદેશી ભાષા નહોતી, બલકે તે પ્રશાસન અને ઉચ્ચ સાહિત્યની ભાષા હતી. ભારત તે સમયે ઇરાનથી બહાર ફારસી લેખનીનું સૌથી મોટું કેન્દ્ર બન્યું હતું. ભાષાએ સામ્રાજ્યથી વધુ એકબીજા સાથેનો નાતો બનાવ્યો. સૂફી માર્ગ બન્યો અને હૃદયથી હૃદય સુધી માર્ગ ખુલ્યા. ખુરાસનથી અજમેર સુધીનો એક આધ્યાત્મિક માર્ગ હતો, જે કોઈ નકશા પર નથી દેખાતો. સૂફી સંત પોતાની સાથે પ્રેમ, કરૂણા અને ઈશ્વર સાથેનો પ્રત્યક્ષ સંવાદનો ખ્યાલ લઈને આવ્યા. ચિશ્તી પરંપરાએ ફારસી આધ્યાત્મિકતાને ભારતીય ભક્તિભાવ સાથે જોડ્યો. અજમેરની દરગાહમાં જે કવ્વાલી ગૂંજે છે, તેમાં ફારસી લય અને ભારતીય ભાવનાનો સમાગમ છે. આજે ભારત-ઇરાનના સંબંધની ચર્ચા મુખ્યત્વે તેલ અને રણનીતિના સંદર્ભે થાય છે. પરંતુ સદીઓ અગાઉ ગુજરાતના વેપારી હાર્મુજ અને અબ્બાસ બંદર સુધી જતા હતા. મસાલા, કાપડ, હિરા પશ્ચિમ દેશો સુધી જતા હતા. ધોડા અને ધાતુઓ પૂર્વ તરફ આવતા હતા. દરિયાઈ સીમા નહોતી, બસ સેતુ હતો. આજનો ચાહબાર બંદર તે જ પ્રાચીન દરિયાનું આધુનિક સ્વરૂપ છે. એક એવો માર્ગ જે ભૂગોળ અને રાજનીતિથી ઉપર ઉઠવાનો પ્રયાસ હતો.’

- Advertisement -

આખરમાં ત્રિભુવન લખે છે તેમાં ઇરાન નહીં ભારત માટે વિશ્વના કોઈ પણ દેશને મૂકી શકાય. તેઓ લખે છે : ‘એકવીસમી સદીમાં ભારત અને ઇરાનના સંબંધ જટિલ છે. પ્રતિબંધ, પરમાણુ સમજૂતી, વૈશ્વિક ગઠબંધન અને ન જાણે કેટલી બધા પડકારો છે. ભારત, અમેરિકા અને ખાદી દેશો સાથે સંતુલન સાધી રહ્યું છે, ત્યારે ઇરાનના પોતાના ક્ષેત્રીય સમીકરણમાં અટવાયું છે. વર્તમાન યુદ્ધમાં સદીયો સાથેના રાષ્ટ્ર સાથે ન ઊભા રહેવું તે નવી ભૂ-રાજનીતિક સ્થિતિનો એક ખૂબ પીડાદાયી બિંદુ છે. આ બધુંય છતાં ઉર્જા, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને અનેક યોજનાઓ એ સંકેત આપે છે કે સંવાદનો ન ક્યારેય અંત આવ્યો નથી; ન આવી શકે. ઇતિહાસ સીધી લીટીમાં નથી આગળ વધતો. તે વર્તુળ બનાવે છે. કેન્દ્રથી ક્યારેક નજીક, તો વળી ક્યારેક દૂર. નવું વર્તુળ નિર્માણ કરવામાં કેટલું અંતર અને કેટલી વાર છે – તેનો ખ્યાલ કોઈને નથી. પરંતુ આપણે પૃથ્વીને અંતરિક્ષમાંથી જોઈએ તો ભારત અને ઇરાન વચ્ચે કોઈ દિવાલ નહીં દેખાય. માત્ર પહાડો, રણ અને દરિયો દેખાશે. જે અગાઉ ક્યારેક માર્ગ હતા.’ આખરે આ લેખમાં લખ્યું છે : ‘રાજનીતિ ક્ષણભંગુર છે, સભ્યતા દિર્ઘજીવી છે. ભારત અને ઇરાનના સંબંધ માત્ર કૂટનીતિક નથી, તે સ્મૃતિનો સંબંધ છે. સિંધુની ધ્વનિમાં, પારસી અગ્નિમાં, ફારસી શેર-શાયરીઓમાં અને ચાબહારના કિનારે ઊભા રહા જહાજોના અતીતમાં તે જ સાદ હજુ પણ સંભળાય છે. સંભવત્ આ જ ઇતિહાસનો સબક છે કે આપણે એટલાં વેગળા ક્યારેય નહોતા, જેટલું આપણને દર્શાવવામાં આવે છે.’

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular