- ડોલર અને અમેરિકન બોન્ડ યીલ્ડ ઉંચે જશે તો સોનામાં વધુ વેચવાલીનું દબાણ સર્જાશે
- ૨૦૨૭મા સોનું સુધારાના પગથાર પર આગળ વધશે? ઘણી બેન્કોમાં આવી વિચારણા ચાલે છે
- ભાવ ૨૨ ફેબ્રુઆરીની ૫૫૯૨.૪૬ ડોલરની સર્વોચ્ચ ઊંચાઈએથી ૩૪ ટકા નીચે બોલાય
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): વર્તમાન મેક્રોઇકોનોમિક (અતિસુક્ષ્મ આર્થિક પ્રવાહ) સ્તરે બુલિયન બજાર સામે નવા પડકારો મોઢું ફાડીને ઉભા છે ત્યારે, રોકાણકારોના મનમાં અનેક સવાલ ઉભા થાય તે વાજબી ઘટના છે. આ સંયોગમાં જો અર્થતંત્રો વધુ ધીમા પડશે તો, સોનામાં સુધારાની સંભાવનાને વધુ બ્રેક લગાડી દેશે. આ સ્થિતિમાં મજબુત ડોલર અને અમેરિકન બોન્ડ યીલ્ડ ઉંચે જશે તો સોનામાં વધુ વેચવાલીનું દબાણ સર્જાશે. સોનાના ભાવ સપ્ટેમ્બર ૨૦૨૫નુ તળિયું ચકાસીને શુક્રવારે પ્રત્યાઘાતી સુધારે ૩૫૨૨ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ઇન્ટ્રાડે એશિયન ટ્રેડીંગમાં બોલાયા હતા, એક તબક્કે ભાવ ૩૫૧૪ ડોલરનું તળિયું ચકાસ્યું હતું. સોનું અત્યારે ૨૦૧૫ પછી પહેલી વખત, સૌથી નબળી ભાવ યંત્રણાનો સામનો કરી રહ્યું છે. રોકાણકારો હવે પૂછી રહ્યા છે કે ૨૦૨૭ના ગર્ભમાં શું છે, ભાવ સુધારશે કે નહિ? વર્તમાન વર્ષના આરંભે સોનું વિક્રમ ઉંચાઈએ પહોચ્યા બાદ, હવે નાફાબુકીંગ વેચાણનો સામનો કરી રહ્યું છે.
૨૦૨૭મા સોનું સુધારાના પગથાર પર આગળ વધશે? ઘણી બેન્કોમાં પણ આવી વિચારણા ચાલે છે, તેઓ ટૂંકાગાળાના ભાવ અનુમાનોમાં વ્યસ્ત છે. સેન્ટ્રલ બેંકો માસિક સરેરાશ ૬૦ ટન સોનું ખરીદશે, એવા અનુમાન છતાં ગોલ્ડમેન સાસ બેન્કે તાજેતરમાં ૨૦૨૭ના વર્ષાંત ભાવની આગાહી ઘટાડીને ૪૧૫૦ ડોલર મૂકી હતી. સોનું એ સલામત મૂડી રોકાણ સાધન છે, એ સાચું પણ તે કોઈ વ્યાજ કમાઈને નથી આપતું. આથી જ્યારે બોન્ડ યીલ્ડ વધે ત્યારે સોનામાં આકર્ષણ ઘટી જતું હોય છે. આ જ ઘટનાએ સોનાને નીચે જવા ફરજ પાડી છે.
અત્યારે ભાવ ૨૨ ફેબ્રુઆરીની ૫૫૯૨.૪૬ ડોલરની સર્વોચ્ચ ઊંચાઈએથી ૩૪ ટકા નીચે બોલાય છે. દરમિયાન સેન્ટ્રલ બેંક અને કેટલાક ઈટીએફ ફંડો વર્તમાન ભાવે બાયર છે. પણ વાસ્તવિક બોન્ડ યીલ્ડ ઊંચા જવાની અને વ્યાજદર વૃદ્ધિની સંભાવનાઓ જોતા ટૂંકાગાળા માટે આ ઘટનાની પકડ બજાર પર રહેવાની છે. ૨૦૨૭ના પાછલા તબક્કામાં ફેડરલ રીઝર્વ વ્યાજ કપાતનો અમલ કરશે, ત્યાર પછી સોનાની તેજી પાટે ચઢશે, એવું ગોલ્ડમેન સાસ માને છે. અને જો સાથે અમેરિકન ડોલર નબળો પડે તો વિદેશી ગ્રાહકો માટે સોનાની ખરીદી સસ્તી પડેશે. યુબીએસ બેંકએ ૨૦૨૭નાં મધ્યમાં ભાવ લક્ષ્યાંક ૫૦૦૦થી ૫૪૦૦ ડોલર મૂકી રહી છે. બેંક ઓફ અમેરિકાનો અંદાજ ૪૮૦૦થી ૫૦૦૦ ડોલર અને સીઆઈબીસી બેન્કનો અંદાજ ૫૨૦૦ ડોલરનો છે.
ટૂંકાગાળામાં અમેરિકન ટ્રેઝરીના ઊંચા યીલ્ડ સોના અને ચાંદી જેવી બિન-ઉપજાઉ જણસમાંથી મુડીને પાછી ખેંચવા પ્રોત્સાહિત કરશે. જો વધુ પડતા બોન્ડનું વેચાણ થાય તો ફુગાવા પર આપોઆપ નિયંત્રણ આવે, આવું ગણિત યુએસ ટ્રેઝરી યીલ્ડને બે દાયકામાં સૌથી ઊંચું, પાંચ ટકા ઉપર રાખવાનું કારણ બને. યીલ્ડ પર નિયંત્રણ રાખીને ફેડરલ રીઝર્વ સરકારી બોરોવિંગ ખર્ચાને અંકુશિત કરવાને બદલે ભાવ સ્થિરતા પર વધુ ધ્યાન રાખી રહી છે. ફોરવર્ડ ઓપન માર્કેટ કમિટીનું પણ કડક નિયંત્રણ, ન્યુયોર્ક ફેડ પ્રમુખ અને ગવર્નર તો ત્યાં સુધી કહે છે કે, ફુગાવાનો ફેડ લક્ષ્યાંક બે ટકાથી ઉપર હરગીજ જવો નહિ જોઈએ. અત્યારે તો સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળે છે, ભાવ નીચેથી પાછા ફરી જતા હોવાથી ખરીદારો હજુ નીચા ભાવની અપેક્ષા રાખી શકે છે. સોનાના ભાવ નવું તળિયું બનાવવા હવે કઈ રીતે આગળ વધે છે તે જોવાનું રહેશે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)








