Sunday, October 13, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદનાં મેઘાણીનગરમાં AMCની પ્રિમોનસૂન કામગીરીને તમાચો મારતા પોસ્ટર્સ લાગ્યા

અમદાવાદનાં મેઘાણીનગરમાં AMCની પ્રિમોનસૂન કામગીરીને તમાચો મારતા પોસ્ટર્સ લાગ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ચોમાસુ આવે એટલે તંત્રની પ્રિમોનસૂન કામગીરીની પોલ ખૂલી જાય છે. તેમાં પણ જો સ્માર્ટ સિટી ગણાતા આમદવાદની વાત કરીએ તો અમદાવાદમા તો ચોમાસા દરમિયાન રસ્તા પર રોડ કરતાં વધારે તો ખાડા જોવા મળે તેવી સ્થિતિ હોય છે અને ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવતી હોય છે. તેવામાં છેલ્લા બે દિવસ દરમિયાન જે વરસાદ વરસ્યો તેના કારણે લોકોએ જે હાલાકી ભોગવી છે, તેના કારણે હવે અમદાવાદનાં મેઘાણીનગર વિસ્તારના સ્થાનિકોએ તંત્રને જગાડવા માટે અલગ-અલગ પ્રકારના પોસ્ટર્સ લગાવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં અનેક જગ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ને સવાલ કરતા પોસ્ટર જોવા મળ્યા છે, આ પોસ્ટરમાં લખ્યું છે કે, ‘શું અહિયાં વરસાદી પાણી ભરાતુ નથી? શું અહિયાં વરસાદી પાણી નહી ભરાય?’ બીજા પોસ્ટરમાં લખ્યું છે કે, ‘એક નમૂના અધિકારીને બચાવવા લોકોના ઘરોમાં પાણી ફરી વળે તો તેના માટે જવાબદાર કોણ?’ બીજા એક પોસ્ટરમાં લખ્યું છે કે, ‘રોડ બનાવનારા કોન્ટ્રકટરને રોડ પર ભરોસો નથી, તો રોડની જવાબદારી કોની?’ આ પોસ્ટર સાથે સ્થાનિકોએ પોતાની વેદના સાથે રોષ પણ વ્યકત કર્યો છે. સ્માર્ટ સિટી અમદાવાદના સ્માર્ટ રસ્તા ચોમાસામાં બેટમાં ફેરવાતા હોય છે અને પ્રિમોન્સૂન પ્લાન કાગળ પૂરતો સિમીત રહી જાય છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં વરસેલા વરસાદમાં અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય અનેક જગ્યાએ રસ્તા પર ભૂવા પડવાના કિસ્સા સામે આવ્યા છે. અમદાવાદમાં જ્યાં સુધી રસ્તા પર ભૂવા ન પડે ત્યાં સુધી વરસાદ આવ્યો ન હોય તેમ કહી શકાય. બીજી તરફ તંત્રની હલકી ગુણવત્તાની કામગીરી પણ ઉઘાડી પડી છે. રવિવારના દિવસે પડેલા ધોધમાર વરસાદથી અમદાવાદના જુદા-જુદા નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા. જેને લઈ પહેલા વરસાદમાં રસ્તાઓ નદીમાં ફેરવાતા ફરી એકવાર લોકોને ચોમાસાને લઈ ચિંતા થઈ રહી છે. મેઘાણીનગર વિસ્તારમાં તંત્રના વિરોધ કરતા પોસ્ટર જોવા મળ્યા હતા, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ચોમાસા પહેલા પાણી ભરાવવાની સમસ્યાનું તંત્ર નિરાકરણ લાવી શકશે કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓને હાલાકી ભોગવવી પડશે? તે તો હવે આગામી સમય જ બતાવશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular