નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતમાં નકલી ખાદ્ય વસ્તુઓ સામે સતત કાર્યવાહી વચ્ચે હવે સચિન વિસ્તારમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. શહેર SOG અને પાલિકાના આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને આ ગોડાઉન પર દરોડો પાડ્યો હતો.
માહિતી મુજબ, એક ગોડાઉનમાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હતું. પોલીસે અંદાજિત 2000 કિલોથી વધુ ઘીનો જથ્થો કબ્જે કર્યો છે, જેમાં લગભગ 1700 કિલો રો મટીરીયલ પણ સામેલ છે.
આ મામલે પોલીસે બે વ્યક્તિઓની અટકાયત કરી છે. અલગ અલગ નમૂનાઓ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘી ડુપ્લીકેટ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરતમાં અગાઉ પણ નકલી ખાદ્ય વસ્તુઓના કિસ્સા સામે આવ્યા છે. માર્ચ મહિનામાં માંડવીના ખેડપુર વિસ્તારમાંથી 6.65 લાખ રૂપિયાના 810 લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો.
આ મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાએ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું કે નકલી પનીર, ઘી અથવા અન્ય ખાદ્ય વસ્તુ બનાવનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને સમગ્ર રાજ્યમાં આવી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.








