તુષાર બસિયા/દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં IPL ક્રિકેટ પર સટ્ટો હવે ડિજિટલ બની ગયો છે, આ સટ્ટા જુગારને નાથવા માટે ગુજરાત સરકાર અને ગુજરાતની પોલીસ પાંગળી સાબિત થતી જણાય છે. કાયદાના ગુંચવાળાની રમતથી પોલીસ સટ્ટો રમાડનાર મોટા માથાઓ સુધી પહોંચી નથી શકતી તેવું તરકટ બતાવી તેમને છુટ્ટો દોર આપતી જણાય છે. ત્યારે રાજકોટની 3 પોલીસ એફ.આઈ.આર. પરથી મળતુ તારણ ચોંકાવનારું છે.
ગત શનિવારના રોજ રાજકોટમાં પોલીસે ક્રિકેટ સટ્ટાના 3 ગુના દાખલ કર્યા હતા. જેમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 2 ગુના દાખલ કર્યા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશને 1 ગુનો દાખલ કર્યો હતો, પરંતુ રાજ્યમાં ઓનલાઈન આઈ.ડી. મારફતે રમાતા સટ્ટાની માફક અહિં પણ જુગારધારાની કલમો લગાવી સંતોષ માની લેવાયો હોય તેમ જણાય છે. આ સંતોષ માત્ર રાજકોટની આ ત્રણ ઘટનાઓ નહીં પણ રાજ્યમાં ઓનલાઈન જુગાર મામલે મોટાભાગે પોલીસનું વલણ આ પ્રકારનું જોવા મળે છે.
ગત તારીખ 2 એપ્રિલના રોજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે આરોપીઓને ક્રેકટ સટ્ટો રમવાના આરોપ સંદર્ભે ઝડપી પાડ્યા હતા. જેમાં આરોપી RICH777 નામની એપ્લિકેશન પર સેમસંગના મોબાઈલમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હોવાનું જણાવાયું છે, પરંતુ મોટો સવાલ છે કે, જાહેરમાં મોબાઈલ એપ્લિકેશનમાં જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓ વિરલ ભટ્ટ અને ઈદ્રીશ મોડને આ એપ્લિકેશન કેવી રીતે મળી? મેચમાં રન ફેર હારજીતનો જુગાર રમતા આરોપીઓને રમાડનારા અને હારજીતના નાણાંની લેવડદેવડ કોણ કરે છે? આ સવાલોના જવાબ તો પોલીસ જ આપી શકે, પરંતુ પોલીસ આ કેસમાં આગળ તપાસ કરી મોટામાથાઓને ઝડપશે કે કેમ તે જોવું રહ્યું.
આજ પ્રકારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તારીખ 2 એપ્રિલના રોજ નોંધાયેલી બીજી એક એફઆઈઆરમાં 3 આરોપીઓના નામ જોવા મળે છે. જેમાં Galaxyexch99.co નામની વેબસાઈટના આઈ.ડી.પર આરોપી ક્રિકેટ સટ્ટો રમતો હિતેષ વિઠ્ઠલાણી ઝડપાયો. આરોપીની પુછપરછ કરતા અને તપાસ કરતા આરોપીને આઈ.ડી. આપનાર તેમજ નાણાનો વ્યવહાર કરનાર આરોપી ક્રમશઃ રમીઝ બગી તેમજ એઝાઝ બગીના નામ સામે આવ્યાનું એફ.આઈ.આર.માં જણાવાયું છે.
શું કહે છે ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. ધોળા ?
આ પ્રકારના ઓનલાઈન જુગાર મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચા પી.આઈ. જેવી ધોળા સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, “જ્યારે આ પ્રકારના કોઈ ગુનેગાર પકડાય છે ત્યારે અમે સૌ પ્રથમ આઈ.ડી.ના આધારે માસ્ટર આઇ.ડી. સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છે, ત્યાર બાદ આ માસ્ટર આઇ.ડી. ધારકને જ્યુડીશીયલ દાયરામાં લાવીએ છે, પરંતુ તેનાથી ઉપરના માણસો દેશની બહાર હોવાને કારણે તેમના સુધી પહોંચવું શક્ય નથી.” જ્યારે આ પ્રકારના ગુનામાં IT એક્ટ ઉમેરી શકાય કે નહીં તે અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, IT એક્ટમાં ચોરી અથવા છેતરપિંડી જેવું કંઈ હોય તો જ લાગી શકે છે. આ પ્રકારના ગુનામાં પૈસાની લેવડદેવડ થાય છે. જેના કારણે મની લોન્ડ્રિંગ લાગી શકે પરંતુ આ નાના નાના ટ્રાન્ઝેકશન હોવાના કારણે અમે તે પણ લગાડી શકતા નથી.
આજ પ્રકારે તારીખ 2 એપ્રિલના રોજ રાજકોટના ગાંધાગ્રામ-2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક જુગાર ધારાનો ગુનો દાખલ કરાયો હતો. જેમાં આરોપી વિશાલ દેથાને મોબાઈલમાં CBTF247 વેબસાઈટ પર ક્રિકેટનો સટ્ટો રમતા આરોપ સંદર્ભે ઝડપી લેવાયો હતો. આ ગુનાની એફઆરઆઈમાં પોલીસે જણાવ્યા મુજબ આરોપી વિશાલે ઓનલાઈન બેલેન્સ મેળવી વેબસાઈટમાં ક્રિકેટ મેટમાં હારજીતના સેશનના સોદા કરી જુગાર રમ્યો હતો.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ઓનલાઈન ક્રિકેટનો સટ્ટ રમતા ઝડપાયેલા આરોપી એ ઓનલાઈન બેલેન્સ કેમ મેળવી તે મોટો સવાલ પેદા થાય છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કેવી રીતે કર્યું? આ ટ્રાન્ઝેકશન કયા માધ્યમથી કર્યું? આ સહિતના પ્રશ્નો પોલીસને પણ થયા હશે અને થવા જ જોઈએ. ટૂંકમાં આ મામલે પોલીસ પુરાવા એકત્રીત કરી આગળ કાર્યવાહી કરી મોટામાથાને ઝડપશે કે કેમ?
શું કહે છે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. ચાવડા ?
આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એસ. ચાવડા એ જણાવ્યું હતું કે, “આ મામલે મોબાઈલની તપાસ કરી જરૂર પડ્યે ફોરેન્સિક માટે પણ મોકલીશું. એકાઉન્ટની ડિટેઈલ મેળવી આગળ તપાસ કરવામાં આવશે.”
તો હવે સાર્થક તપાસ કાર્યના કરો શુભારંભ !
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. ધોળા પોતે પણ જાણે છે કે આ નેટવર્ક ખુબ મોટું હોય અને તેના આકાઓ વિદેશમાં બેઠા હોય છે. વળી તેઓ નાના ટ્રાન્ઝેકશન બતાવી મની લોન્ડ્રીંગ એક્ટ ન લગાવવાની હકિકત જણાવે છે. તેમજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. ચાવડા જણાવે છે કે જરૂર પડ્યે આગળ તપાસ કરીશું અને ઝડપાયેલા ફોનને ફોરેન્સિક માટે મોકલીશું.
વિદેશથી ચાલતા નેટવર્કના આકા ભારતમાં ?
ત્યારે મુખ્ય સવાલ પેદા થાય છે કે, ઓનલાઈન જુગાર રમાડવાના ટ્રાન્ઝેકશન કેટલા મોટા હશે કે પોલીસને આ ટ્રાન્ઝેકશન નાના જણાય છે ? વળી ઓનલાઈન રીતે બેલેન્સ કરાવી જુગાર રમતો યુવક ઝડપાય તો તે ઓનલાઈન બેલેન્સ શું છે, કેવી રીતે થાય, તેના વ્યવહારોની વિગતો સહિતની આગળની તપાસ થશે કે કેમ? વિદેશથી ચાલતા નેટવર્ક અને ભારતમાં બેઠેલા તેમના આકાઓ આતંકી કાર્યોને મદદ ન કરતા હોય તેની શું જવાબદારી ?








