નવજીવન ન્યૂઝ. ગાંઘીનગરઃ પાંચ રાજ્યની ચૂંટણી પુર્ણ થતા હવે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર સૌ કોઈની નજર પડી રહી છે. સાથે જ કેન્દ્રીય મંત્રીથી લઈને PM સુધીના નેતા ગુજરાતની મુલાકાતે તાજેતરમાં આવી ચૂક્યા છે. એક દિવસ અગાઉ દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રીએ પણ અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો. તેવામાં આગામી સમયમાં ફરી એકવાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ અમદાવાદ આવી રહ્યા છે.
અમિત શાહના બે દિવસના ગુજરાત પ્રવાસના આયોજનને લઈને તંત્ર સજ્જ થઈ ગયું છે અને અનેક આયોજનો પણ થઈ ચૂક્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 9 તારીખે મોડી રાત્રે અમદાવાદ પહોંચશે. 10 એપ્રિલે નવનિર્મિત ગુજકોમાસોલ ભવન લોકપર્ણ કરશે. ત્યાર બાદ 11 તારીખે અમદાવાદ અને ગાંધીનગર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અમિત શાહ ગાંધીનગર ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે. ઉપરાંત ગાંધીનગરમાં એન.ડી.ડી.બીના કાર્યક્રમમાં પણ અમિત શાહ હાજરી આપવાના છે.
ગુજરાતમાં એક તરફ વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે બીજી બાજુ એક બાદ એક રાજકીય દિગ્ગજોનું ગુજરાતમાં આગમન થઇ રહ્યું છે. થોડા દિવસ અગાઉ જ ગુજરાતની મુલાકાત લઇને ગયા ત્યાર બાદ ફરી એકવાર અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 15 દિવસમાં જ બીજીવાર અમિત શાહનો ગુજરાત પ્રવાસ થવાનો હોવાથી કઈંક નવા જુની થશે કે કેમ તેવી લોકોમાં સવાલ ઉભા થયા છે.
![]() |
![]() |
![]() |











