નવજીવન ન્યૂઝ. કલોલ: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં અપહરણનો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક રેસ્ટોરન્ટના માલિકે પોતાના કર્મચારીઓનો પગાર ચૂકવવા માટે એક મહિલા શિક્ષકનું અપહરણ કર્યું હતું, જો કે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને પકડી લેવામાં અવ્યો છે. આરોપીએ મહિલા શિક્ષકને ઘરમાં એકલા જોઈને ચાર સાથીદારોને સાથે રાખીને મહિલાનું અપહરણ કર્યું હતું. આ મહિલા આરોપી મિતુલ પટેલના ઘર પાસે જ રહે છે.
ગાંધીનગર પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મિતુલ પટેલ અને તેના અન્ય ચાર સાથીદારોએ સાથે મળીને સરસ્વતી સોસાયટીમાં રહેતા અલ્કા રસ્તોગી નામના મહિલાનું અપહરણ કરવાની યોજના બનાવી હતી. બુધવારે બપોરના સમયે જ્યારે અલ્કાબેન નોકરી પરથી પરત ફર્યા ત્યાર બાદ તેમણે ઘરમાં એકલા હતા ત્યારે આ ચાર આરોપીઓ પૈકી એક સૌરભ સોલર પેનલ ચેક કરવા આવ્યો છું તેવું કહીને ઘરમાં આવ્યો હતો અને ત્યાર બાદ અન્ય સાથીઓ ઘરમાં ઘૂસી ગયા અને અલ્કબેનના હાથ પગ બાંધી દીધા અને ગાડીમાં બેસાડીને અપહરણ કર્યું હતું.
અપહરણ કર્યા બાદ આરોપીઓએ મહિલાના પતિને ફોન કર્યો હતો પણ લાગ્યો ન હતો. મહિલાના પતિ ઘરે આવતા તેમના પત્ની ઘરે ન હોવાને કારણે કલોલ સિટી પોલીસને ગુમ થવા અંગેની ફરિયાદ કરી હતી. આરોપીઓને ફરિયાદ અંગેની જાણ થતાં તેમણે મહિલાને એક અવાવરુ જગ્યાએ મૂકીને ભાગી ગયા હતા. ત્યાર બાદ મહિલાએ પોતાના પતિનો સંપર્ક કર્યો હતો અને દંપતીએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે જણાવ્યુ હતું કે, “અપહરણ કરવામાં જે વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો તે મિતુલ પટેલનું છે. મિતુલ પટેલ કલોલ હાઈવે પર તિરુપતિ રેસ્ટોરન્ટ ચલાવે છે. પૂછપરછ દરમિયાન મિતુલ પટેલે ગુનો કબૂલ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, તેણે તેના વેઈટર નિલેશ, દેવેન્દ્ર, બલ્લુ અને સૌરભની મદદથી આ ગુનો કર્યો હતો. કર્મચારીઓએ 23 માર્ચે મિતુલ પટેલને મળ્યા હતા અને પગારમાં વધારો કરવાની માગ કરી હતી. પરંતુ પટેલે તેમને તે ગંભીર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હોવાનું અને તેમાથી બહાર નીકળવાનો માર્ગ શોધી રહ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી વેઇટર નિલેશે અપહરણની આખી યોજના ઘડી હતી.”
![]() |
![]() |
![]() |











