Monday, February 17, 2025
HomeGujaratAnandતારાપુરથી પાકિસ્તાનનો મદદગાર ઝડપાયો, ભારતનું નાગરિકત્વ લઈ કરી રહ્યો હતો આ કામ

તારાપુરથી પાકિસ્તાનનો મદદગાર ઝડપાયો, ભારતનું નાગરિકત્વ લઈ કરી રહ્યો હતો આ કામ

- Advertisement -

દેવાંગી ઠાકર (નવજીવન ન્યૂઝ. આણંદ) : આણંદ (Anand) જિલ્લાના તારાપુર ખાતે એટીએસ દ્વારા એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. મૂળ પાકિસ્તાનમાં જન્મેલ અને વર્ષોથી તારાપુર સ્થાયી થયેલ એક આધેડ શખ્સ દ્વારા ભારતીય સેના અને સુરક્ષા એજન્સી વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી. જેને ગુજરાત એ.ટી.એસ. (Gujarat ATS) દ્વારા ગતરોજ દબોચી લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના આ ષડયંત્રનો પર્દાફાશ કરી ગુજરાત એ.ટી.એસ.એ ખળભળાટ મચાવી દિધો છે. આ સમગ્ર મામલે આરોપીને આજરોજ એટીએસ દ્વારા તારાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

Gujarat ATS arrests Pakistani spy
Gujarat ATS arrests Pakistani spy

પ્રાપ્ત માહિતી મુજબ ગત દિવસો દરમિયાન ગુજરાત એ.ટી.એસ.ને મિલીટરી ઇન્ટેલિજન્સ દ્વારા એક બાતમી મળી હતી. જેમાં ઉલ્લેખ હતો કે પાકિસ્તાનથી એલટીવી દ્વારા મૂળ પાકિસ્તાનમાં જન્મેલા અને ગુજરાતના તારાપુર ખાતે કેટલીક વ્યક્તિઓ રહે છે. જેઓએ ભારતીય નાગરિકતા પણ મેળવી લીધેલ છે. તેઓ દ્વારા ભારતીય સીમ કાર્ડ મેળવી તેમાં વ્હોટ્સ એપ ચાલુ કરી ભારતીય જવાનોના મોબાઈલ નંબરોનો ડેટા મેળવવામાં આવી રહ્યો હતો. જેના થકી ભારતીય સુરક્ષાની અતિ સંવેદનશીલ અને આર્મીને લગતી ગુપ્ત માહિતી મેળવવામાં આવી રહી હતી. આમ ભારતની સુરક્ષાને જોખમમાં મૂકી અન-અધિકૃત રીતે જવાનોના મોબાઈલમાં પ્રવેશ કરી ડેટા મેળવવામાં આવી રહ્યો હતો. આ બાતમીના આધારે ગુજરાત એ.ટી.એસ.ના પી.આઈ. સી. એચ. પનારા, પીએસઆઈ પરેશ વસાવા અને તેઓની ટીમ દ્વારા ઝિણવટભરી તપાસ શરૂ થઈ હતી. આ તપાસ દરમ્યાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

- Advertisement -

મળતી માહિતી મુજબ પાકિસ્તાનની આર્મી અથવા જાસૂસી સંસ્થાના કોઈ એજન્ટ દ્વારા ભારતીય મોબાઈલનું સિમકાર્ડ મેળવવામાં આવ્યું હતું. તે નંબરમાં વોટ્સએપ ચાલુ કરી ભારતીયો અને ભારતીય સુરક્ષા સાથે સંકળાયેલ કર્મચારીઓનો સંપર્ક કરી પરિચય કેળવવામાં આવતો હતો. ત્યારપછી વોટ્સએપ દ્વારા કોઈ લિંક મારફતે ભારતીયો અને ભારતીય સુરક્ષા કર્મચારીઓના નંબરો ઉપર માલવેર વાઈરસ મોકલવામાં આવતો હતો. જેથી આવા નંબરોનો એક્સેસ ડેટા મેળવી તેનો ઉપયોગ યુદ્ધમાં સરળતા થાય તેવો ઈરાદો હોવાનું બહાર આવ્યું હતું. આ સાથે ભારતની આંતરિક સુરક્ષા અને સલામતીને લગતી અતિસંવેદનશીલ તથા ગુપ્ત માહિતી મેળવવામાં આવી રહી હતી. આ સમગ્ર દેશ વિરોધી પ્રવૃત્તિમાં પાકિસ્તાનને મદદગારી કરવામાં તારાપુરના લાભશંકર દુર્યોધન મહેશ્વરીનો (ઉ.વ.૫૩) હાથ હોવાની ચોકાવનારી વિગતો એટીએસ સામે આવી હતી. જેથી ગુજરાત એટીએસ દ્વારા લાભશંકર મહેશ્વરીને તારાપુર ખાતેથી દબોચી લઈ આજરોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

વારાફરતી પાકિસ્તાન જઈ આવ્યા

મૂળ પાકિસ્તાનનો લાભશંકર મહેશ્વરી છેલ્લા ૨૪ વર્ષથી તારાપુર ખાતે રહે છે. પરંતુ અચાનક ગત વર્ષ ૨૦૨૨માં લાભશંકરે તેની પત્નિ સાથે પાકિસ્તાન જવા વિઝા અરજી કરી હતી. તેમાંય ઝડપથી પાકિસ્તાન પહોંચવા ત્યાંની એમ્બેસીના કોઈ શખ્સની મદદથી વિઝા મેળવ્યા હતા. લાભશંકર અને તેની પત્નિ પાકિસ્તાન જઈ આવ્યા પછી તેની બહેન અને ભાણીને પાકિસ્તાન મોકલવા વિઝા અરજી કરી હતી. જેઓને પણ પાકિસ્તાન એમ્બેસીના એ શખ્સ થકી જ વિઝા મળ્યા હતા. આમ છેલ્લા એક વર્ષ દરમ્યાન લાભશંકર, તેની પત્નિ, બહેન અને ભાણી પાકિસ્તાન જઈ આવ્યા છે. પરંતુ ભારત આવ્યાના ૨૩ વર્ષ બાદ અચાનક પાકિસ્તાન શા માટે યાદ આવ્યું ? એ તપાસનો વિષય બનવા પામ્યો છે.

- Advertisement -

વાયા જામનગર…

જે ભારતીય સીમકાર્ડ પાકિસ્તાન સુધી પહોંચ્યું તે જામનગરના મોહમ્મદ સકલૈન ઉમર થઈમ દ્વારા ખરીદવામાં આવ્યું હતું. તે સીમકાર્ડ જામનગરના જ અસગર હાજી મોદીના મોબાઈલમાં એક્ટીવેટ થયું હતું. જેમાં વોટ્સએપ ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાન એમ્બેસીમાં સંપર્ક ધરાવતા એક શખ્સની સૂચના લાભશંકરને વોટ્સએપ ઉપર મળતા અસગર આજી પાસેનો મોબાઈલ સીમ કાર્ડ સાથે તેણે સ્વીકાર્યો હતો. આ સીમકાર્ડ લાભશંકરે તેની બહેન થકી પાકિસ્તાન મોકલાવ્યું હતું. પાકિસ્તાનમાં લાભશંકરની માસીના દીકરા કિશોર ઉર્ફે સવાઈ જગદીશભાઈ રામવાણીને આ સીમકાર્ડ પહોંચાડવામાં આવ્યું હતું. ત્યાંથી એ સીમકાર્ડ પાકિસ્તાન આર્મી અથવા ત્યાંની જાસૂસી સંસ્થાના કોઈ એજન્ટને પહોંચાડ્યું હોવાનો ઘટસ્ફોટ ગુજરાત એ.ટી.એસે. કર્યો હતો.

કરિયાણાંનો વેપારી પાકનો મદદગાર

- Advertisement -

મૂળ પાકિસ્તાનમાં જન્મેલ લાભશંકર દૂર્યોધન મહેશ્વરી (ઉ.વ.૫૩) તેની પત્નિ સાથે વર્ષ ૧૯૯૯માં એલટીવી વિઝા મારફતે તારાપુર ખાતે આવ્યો હતો. આશરે છ વર્ષ બાદ તેઓને ભારતીય નાગરિકતા પ્રાપ્ત થઈ હતી. મળતી પ્રાથમિક માહિતી મુજબ તે સમયે લાભશંકર તેની પત્નિના ઈલાજ માટે તેની બહેનને ત્યાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ લાભશંકરે તારાપુર ખાતે કરિયાણાંનો છુટક વેપાર કરવા દુકાન શરૂ કરી હતી. લગભગ ૨૪ વર્ષથી તારાપુર ખાતે રહેતા લાભશંકરને ગત વર્ષ ૨૦૨૨માં પાકિસ્તાન જવાનું થયું હતું. આમ કરિયાણાંના વેપાર સાથે સંકળાયેલ વ્યક્તિ પાકિસ્તાનનો મદદગાર નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

૭ દિ’ના રિમાન્ડ મંજૂર

પાકિસ્તાનને મદદગારી કરવાના કેસમાં એટીએસ દ્વારા તારાપુરથી લાભશંકર મહેશ્વરીને ઝડપી પાડ્યો હતો. જેને આજરોજ તારાપુર કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આ સમગ્ર ષડયંત્ર સંદર્ભે હજી ઘણી બાબતોને લઈ તપાસ જરૂરી હોવાથી કોર્ટે તા.૨૭ ઓક્ટોબરને સાંજે ૬ વાગ્યા સુધી એટલેકે ૭ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular