પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-29): Akshardham Temple Attack Series : ડેપ્યૂટી પોલીસ કમિશનર ડી. જી. વણઝારા (DCP D G Vanzara) સાથે મુફતી કયુમે જે ભાષામાં વાત કરી; તે ભાષા તેમને હરગીજ મંજુર નહોતી. વણઝારાને અંદાજ આવી ગયો કે, મુફતી જલદી માનશે નહીં. ડી. જી. વણઝારાએ ઇન્ટરકોમ ફોન ઉપાડી સિંઘલને ફોન જોડ્યો. સામે છેડેથી “જયહિંદ સર.” કહેવામાં આવ્યું.
વણઝારાએ કહ્યું, “ગિરીશ, તમારી ગણતરી સાચી છે. મુફતી જલદી માનશે નહીં. હવે તમે અબ્દુલા સાથે વાત કરો.”
“જી સર.” આટલું કહી ગિરીશ સિંઘલે (Girish Singhal) ફોન મૂક્યો.
ક્રાઇમબ્રાંચમાં (Crime Branch) અનેક કામ સમાંતર ચાલી રહ્યા હતા. સિંઘલે બેલ મારી એક કોન્સટેબલને બોલાવ્યો અને કહ્યું, “પેલા મૌલાના અબ્દુલાને લઈ આવો.”
થોડીવાર પછી પોલીસવાળો મૌલાનાને લઈને આવ્યો. સિંઘલે તેમને જોતાં જ કહ્યું, “આવો મૌલાનાજી, કેમ છો?”
મૌલાનાએ નમસ્કાર કરતાં કહ્યું, “બસ, આ શહેર તમારા હવાલે છે.”
સિંઘલ ખડખડાટ હસ્યા અને કહ્યું, “શહેર ભલે અમારા હવાલે હોય, દુઆ તો તમારી જોઈએ ને!”
મૌલાના અબ્દુલાએ કહ્યું, “સર, દુઆ તો રોજ કરીએ છીએ.”
સિંઘલે મૌલાનાને બેસવાનો ઇશારો કર્યો અને ફરી બેલ મારી, કોન્સટેબલને બોલાવી કહ્યું, “બે ચ્હા લઈ આવ.”
મૌલાનાએ કહ્યું, “સર, મેં હમણાં જ ચ્હા પીધી છે.”
“અરે, બીજી પીવો. શું ફેર પડે!” સિંઘલે કહ્યું.
મૌલાનાને ખબર નહોતી કે, મુફતી કયુમ પણ ક્રાઇમબ્રાંચમાં છે. થોડીવારમાં ચ્હા આવી. ચ્હા પીતાં પીતાં ગિરીશ સિંઘલે પુછ્યું, “મૌલાના, તમે આદમને ઓળખો છો?”
મૌલાનાએ હાથમાં રહેલો ચ્હાનો કપ નીચે મુકતાં પુછ્યું, “કોણ આદમ સાહેબ?”
સિંઘલે કહ્યું, “આદમ અજમેરી.”
મૌલાનાએ થોડોક વિચાર કર્યો અને કહ્યું, “શાહપુર વાળો તો નહીં?”
સિંઘલે કહ્યું, “હા.”
મૌલાનાએ કહ્યું, “સાહેબ, આદમ નમાઝી માણસ છે. અલ્લાહથી ડરવા વાળો છે.”
‘અલ્લાહથી ડરવાવાળો છે.’ એવું સાંભળીને સિંઘલ એકદમ હસી પડ્યા. મૌલાનાએ પુછ્યું, “શું થયું સર? કંઈ ખોટું બોલ્યો?”
સિંઘલે કહ્યું, “ના ના મૌલાના, મને એટલે હસવું આવ્યું કે, તમે આદમને અલ્લાહથી ડરવા વાળો કહ્યો.”
મૌલાના સિંઘલ સામે જોઈ રહ્યા. સિંઘલે ગંભીર થઈને કહ્યું, “જે માણસ અલ્લાહથી ડરતો હોય, તે માણસ કોઈને મારી અથવા મરાવી શકે ખરો?”
મૌલાનાએ કહ્યું, “ના સાહેબ.”
સિંઘલે કહ્યું, “બસ, આદમે જે કામ કર્યું; તે માત્ર ઇન્સાનિયત વિરૂદ્ધ જ નહીં; તે ઇસ્લામ વિરૂદ્ધ પણ છે. કોઈ બેબસ, લાચાર લોકોને તમે કેવી રીતે મારી શકો!”
મૌલાના સાંભળી રહ્યા હતા. ગિરીશ સિંઘલે ચ્હાનો કપ ટેબલ પર મુક્યો અને સિગારેટ કાઢી. બારી પાસે જઈ સિગારેટ સળગાવતાં કહ્યું, “તે દિવસે ત્યાં પહોંચનાર સૌથી પહેલો હું હતો. લોહીથી લથબથ લાશો અને ઘાયલ લોકોને મેં જોયા છે. એ પછી દિવસો સુધી હું સૂઈ શક્યો નહોતો.”
મૌલાનાના ચહેરા પર જે ભાવ હતો, તે જોતાં સિંઘલે કહ્યું, “હું અક્ષરધામ અટેકની (Akshardham Attack)વાત કરું છું.”
સિંઘલે નોંધ્યું કે, અક્ષરધામ અટેકની વાત કરતાં જ મૌલાનાના ચહેરાની રેખાઓ તંગ થઈ. સિંઘલે કહ્યું, “મૌલાના અબ્દુલા, મારે જાણવું છે કે, આદમ તમારી પાસે સપ્ટેમ્બર મહિનામાં બે છોકરાઓને લઈ આવ્યો હતો; જેમને મુફતીને મળવું હતું. તમે એ છોકરાઓને કયુમ પાસે પણ લઈ ગયા હતા. એ છોકરાઓ કોણ હતા? તેમનાં નામ શું હતાં? તેઓ ક્યાંથી આવ્યા હતા? મુફતી પાસે તમે લઈ ગયા ત્યારે મુફતી અને છોકરાઓ વચ્ચે શું વાત થઈ હતી? વગેરે વગેરે તમારે કહેવાનું છે. બોલો, શરૂઆત ક્યાંથી કરશો?”
સિંઘલના અવાજમાં હવે આદેશ હતો. મૌલાનાના કપાળ પર પરેસેવો બાજી ગયો. સિંઘલે ગુસ્સામાં અડધી સળગેલી સિગારેટ હોલવી નાખી. મૌલાના અબ્દુલાનો અવાજ હણાઈ ગયો હોય એવી સ્થિતિ થઈ. તેઓ એવું માનીને આવ્યા હતા કે, કોઈ સામાજિક કામ હશે એટલે પોલીસે તેમને બોલાવ્યા હશે; પણ અહીંયાં તો સ્થિતિ સાવ જુદી જ હતી!
મૌલાનાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, “સાહેબ, આદમને હું ઓળખું છું એ વાત સાચી. તે મારી પાસે આવ્યો પણ હશે.”
સિંઘલે તેમને અટકાવતાં કહ્યું, “મૌલાના… આવ્યો હશે નહીં, આવ્યો હતો.”
મૌલાનાએ કહ્યું, “જી. જી, આવ્યો હતો. તેની સાથે બે છોકરાઓ પણ હતા. તેમની હિંદી કરતાં અરબી વધારે સારી હતી, પણ એ કોણ હતા; તેની મને ખબર નથી. આદમે કહ્યું હતું કે, તેઓ મુફતી સાહેબને મળવા માગે છે, એટલે હું તેમને મુફતી કયુમ પાસે લઈ ગયો હતો. પરંતુ તેમના વચ્ચે શું વાત થઈ, તેની મને ખબર નથી.”
સિંઘલ ઝીણી આંખ કરીને જોઈ રહ્યા હતા. સિંઘલ પાછા આવીને પોતાની ખુરશીમાં બેઠા અને ટેબલ ઉપર કોણીઓ ટેકાવતાં કહ્યું, “મૌલાના સાહેબ, આદમ અમારી પાસે છે. તમારો ઇતિહાસ અને ભૂગોળ તેણે અમને સારી રીતે કહી દીધા છે. હવે તમને એક જ વિનંતી છે; અમે તમારી સાથે સારા છીએ, તમે પણ અમારી સાથે સારા રહો.”
એવામાં બહારથી કોઈની ચીસ સંભળાઈ, “અરે સાહેબ… મરી ગયો…”
સિંઘલ અને મૌલાનાનું ધ્યાન બાજુનાં રૂમમાંથી આવેલા અવાજ તરફ ગયું. સિંઘલે તરત બેલ મારી. અંદર આવેલા પોલીસવાળાને જરા ગુસ્સાથી પુછ્યું, “કોણ છે બાજુની ચેમ્બરમાં?”
પોલીસ વાળાએ કહ્યું, “સર, પટેલ સાહેબ પેલા ઘરફોડિયાનું ઇન્ટ્રોગેશન કરી રહ્યા છે.”
સિંઘલે કડક અવાજમાં કહ્યું, “પટેલ સાહેબને કહો, કલાક પછી ઇન્ટ્રોગેશન કરે.”
પોલીસવાળો “જી.” કહીને બહાર નીકળ્યો અને બાજુની ચેમ્બરમાંથી આવતી ચીસ બંધ થઈ ગઈ.
સિંઘલે વાત આગળ વધારતાં કહ્યું, “હા, તો મૌલાનાજી, તમારે સાચું તો બોલવું પડશે. અમારી પાસે આદમ, અલ્તાફ, અને સલીમ પણ છે. તમે તો બધાને ઓળખતા જ હશો. અને નહીં ઓળખતા હોવ તો હવે તમે તેમને રોજ મળશો એટલે ઓળખી જશો. તેમના સિવાય પણ તમારા કેટલાક ખાસ મિત્રો અને વડિલો પણ આવી ગયા છે. તેમની સાથે પણ તમારી મુલાકાત થશે.”
પછી ધીમા અવાજે કહ્યું, “હમણા બાજુમાંથી જે ચીસ સંભાળી, તેવી ચીસો અહીંયાં રોજ સંભળાશે. હવે નક્કી તમારે કરવાનું છે કે, અમને સહકાર આપવો છે કે નહીં.”
આટલું કહી સિંઘલે બેલ દબાવી. પોલીસવાળાને કહ્યું, “લઈ જાવ આ સાહેબને.”
મૌલાનાએ કહ્યું, “સાહેબ, સાહેબ મારી વાત તો સાંભળો.” પણ પોલીસ વાળો મૌલાનાને લઈ બહાર નીકળી ગયો.
(ક્રમશ:)
Part 28 : DCP ડી. જી. વણઝારાએ મુફતીને પુછ્યું, “અક્ષરધામ પર અટેક કરનારાને તમે મળ્યા હતા?”
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796