નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ આજે ગુજરાતમાં PM નરેન્દ્ર મોદી સહિત ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ વિવિધ રાજકીય પક્ષોની ચૂંટણી રેલીઓમાં રેલીઓને સંબોધશે. આ વર્ષના અંત સુધીમાં 182 સભ્યોની ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવાની છે. હજી સુધી ચૂંટણીની તારીખ જાહેર નથી. આજે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ, પંજાબ CM ભગવંત માન અને રાજસ્થાનના CM અશોક ગેહલોત ઉપરાંત AIMIM પાર્ટીના ચીફ અસુદ્દીન ઔવેસી ગુજરાતમાં અલગ-અલગ રેલીઓને સંબોધશે.
આમ આદમી પાર્ટીના નેતાઓ કેજરીવાલ અને ભગવંત માન ભાવનગરના પાલિતાણા શહેર અને રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સંયુક્ત રીતે બે રેલીઓને સંબોધશે. આપના બંને નેતાઓ શુક્રવારથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. કેજરીવાલે તેમના તાજેતરના ગુજરાત પ્રવાસમાં જો AAP સત્તામાં આવશે તો રાજ્યના લોકોને ઘણી ભેટો આપવાનું વચન આપ્યું છે. બીજીબાજુ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રવિવારે તેમના ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે ત્રણ રેલીઓને સંબોધિત કરશે. ગેહલોત સૌપ્રથમ બનાસકાંઠાના વિરમપુરમાં જનસભાને સંબોધશે. ત્યારપછી તેઓ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને અરવલ્લી જિલ્લાના ભિલોડામાં અલગ-અલગ રેલીઓને સંબોધશે.
PM નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રવિવારે PM મોદી વડોદરામાં, સોમવારે બનાસકાંઠાના થરાદ અને અમદાવાદમાં અને મંગળવારે મહીસાગરના માલગઢ, પંચમહાલના જાંબુઘોડામાં અને ગાંધીનગરમાં કાર્યક્રમમાં હાજરી આપશે. બીજી બાજુ AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પણ ગુજરાતની મુલાકાતે છે. તેમણે બનાસકાંઠાના વડગામ વિધાનસભાના છાપીમાં ગઈકાલે અસદુદ્દીન ઓવૈસીએ જાહેરસભાને સંબોધીને જીગ્નેશ મેવાણીના ગઢમાં ગાબડું પડવાની શરૂઆત કરી હતી. જાહેર સભાને સંબોધતા ઓવૈસીએ ભાજપ, કોંગ્રેસ અને પ્રધાનમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. અમદાવાદમાં આજે અસદુદ્દીન ઓવૈસી સરોવર હોટલમાં પત્રકાર પરિષદ યોજવાના છે અને બાપુનગરમાં જાહેર સભાને સંબોધન કરવાના છે.








