નવજીવન ન્યૂઝ, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar District) ના લીંબડી શહેરમાં મધરાતે એક મકાનમાં આગ ફાટી નીકળતા (Limbdi Fire Tragedy) દંપતીનું ગૂંગળામણ અને દાઝી જવાથી મોત થયું છે. આગની આ ઘટના બાદ પરિવાર અને તંત્ર વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, લીંબડી જેવા શહેરમાં ફાયર બ્રિગેડની યોગ્ય સુવિધા નહીં હોવાથી સ્થાનિક તંત્ર લાચાર હતું અને છેક સુરેન્દ્રનગરથી ફાયર ફાઈટર બોલાવવા પડ્યા હતા. આ વિલંબને કારણે આગ વધુ પ્રસરી અને દંપતીને બચાવી શકાયું નહીં.
મૃતકના પરિવારજનોના જણાવ્યા અનુસાર, દંપતી રાત્રે મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ ગયું હતું. તે દરમિયાન મોબાઈલની બેટરી ફાટતા આગની જ્વાળાઓ આખા ઘરમાં પ્રસરી ગઈ હતી અને પતિ-પત્ની ઊંઘમાં જ હોમાઈ ગયા હતા. બીજી તરફ સરકારી તંત્ર અને તપાસ અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ AC માં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું જણાય છે. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા (MLA Kiritsinh Rana) પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને પીડિત પરિવારને સાંત્વના પાઠવી હતી. ઘરમાં હાજર અન્ય એક વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી છે. હાલ સ્થાનિક પોલીસ અને FSL Team ટીમ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.








