Thursday, April 16, 2026
HomeGujaratચૂંટણી પહેલા જ ‘વિશ્વાસઘાત’? ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ભંગાણ, નેતાઓની કરતૂતોથી ભાજપને આડકતરો...

ચૂંટણી પહેલા જ ‘વિશ્વાસઘાત’? ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ભંગાણ, નેતાઓની કરતૂતોથી ભાજપને આડકતરો નફો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક ભંગાણ ખુલ્લેઆમ સામે આવી રહ્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ટિકિટ વહેંચણીને લઈને ઉભેલા અસંતોષ બાદ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાતા માત્ર રાજકીય ચકચાર જ નહીં, પરંતુ ચૂંટણીના સમીકરણો પર સીધી અસર જોવા મળી રહી છે.

મળતી માહિતી મુજબ, અનેક જગ્યાએ કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ટિકિટ ન મળતાં પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી અને અંતે ભાજપમાં જોડાવાનો રસ્તો પસંદ કર્યો. આ પરિવર્તન માત્ર વ્યક્તિગત સ્તરે સીમિત નથી રહ્યું, પરંતુ તેના કારણે કેટલીક બેઠકો પર સીધી ચૂંટણીની સ્પર્ધા પર અસર થઈ છે.

- Advertisement -

આપણે વાત કરીએ તો દગાબાજ ઉમેદવાર એક હોય અને મેન્ડેટ ત્રણ મળે, દાહોદ જિલ્લાના ધાનપુરની પીપોરા જિલ્લા પંચાયતની બેઠક આ જ કારણે ચર્ચામાં છે. અહીં ભરતસિંહ વાખળા મૂળ કોંગ્રેસી પણ બાદમાં પક્ષપલટો કરી આપમાં આવ્યા અને ત્યાં મેન્ડેટ મેળવ્યું. સાથે જ કોંગ્રેસ સાથે લાયઝનિંગ કરીને કોંગ્રેસમાંથી પણ મેન્ડેટ મેળવ્યું. અને ભાજપને પણ એવું રમાડ્યું કે ત્યાંથી પણ મેન્ડેટ મળ્યું. જેથી ચૂંટણી પંચના ચોપડે તેમના ત્રણ નામ હતા પણ બાદમાં આપ અને કોંગ્રેસનું ફોર્મ પાછું ખેંચી લઈ ભાજપનો હાથ પકડી રાખ્યો. આ રમત માત્ર પાર્ટીઓ સાથે નહીં લોકો સાથેની પણ એટલી જ.

ખાસ કરીને જ્યાં કોંગ્રેસના મજબૂત સ્થાનિક ચહેરાઓ પક્ષ છોડીને ભાજપમાં જોડાયા છે, ત્યાં કોંગ્રેસ માટે સંગઠન સ્તરે ખાલીપણું સર્જાયું છે. આવા વિસ્તારોમાં કોંગ્રેસ પાસે વિકલ્પ રૂપે મજબૂત ઉમેદવાર ઉભો રાખવાની સ્થિતિ ન રહી હોવાની ચર્ચા છે, જેના કારણે ભાજપને સીધો ફાયદો થતો જોવા મળી રહ્યો છે.

કેટલાક વિસ્તારોમાં તો સ્થિતિ એવી બની છે કે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર ઊભા ન રાખાતા અથવા નબળા ઉમેદવારો મૂકાતા ભાજપને બિનહરીફ જીતવાના સમીકરણો ઉભા થયા છે. આ પરિસ્થિતિએ ચૂંટણીને સ્પર્ધાત્મક બનાવવાને બદલે એકતરફી બનાવવાના આક્ષેપોને બળ આપ્યું છે.

- Advertisement -

આવા જ એક ખેલાડી નેતા વાવ થરાદના પણ છે. ભોરોલ જિલ્લા પંચાયતમાં જોગાજી રાજપૂતે ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે બપોરે કોંગ્રેસના મેન્ડેટ પર ફોર્મ ભર્યું અને પંદરથી વીસ મીનિટમાં ભાજપનું મેન્ડેટ લઈ આવ્યા અને ભાજપમાંથી ફોર્મ ભર્યું. હવે 13મીએ ફોર્મ ચકાસણી વખતે વાત એવી થઈ કે કોંગ્રેસના ફોર્મમાં ટેકેદાર તરીકે સહી કરનાર વ્યક્તિએ પોતે સહી કરી નથી તેવું કહ્યું અને ખોટી રીતે સહિ કરી હોવાથી કોંગ્રેસનું ફોર્મ કેન્સલ થઈ ગયું. ભાજપ સામે અહીં પણ કોંગ્રેસ બચી નહીં.

આંતરિક અસંતોષનું એક મોટું કારણ ટિકિટ વહેંચણી માનવામાં આવી રહ્યું છે. સ્થાનિક સ્તરે વર્ષોથી કામ કરતા કાર્યકરોને અવગણવામાં આવ્યા હોવાના આક્ષેપો વચ્ચે નવા અથવા અન્ય પક્ષમાંથી આવેલા ચહેરાઓને પ્રાથમિકતા મળતા નારાજગી વધી છે. આ નારાજગી અંતે પક્ષ છોડવા સુધી પહોંચી છે.

આ ઘટનાઓના સીધા પરિણામ તરીકે કોંગ્રેસના સંગઠન પર અસર પડી રહી છે. જ્યાં નેતાઓ પક્ષ છોડીને ગયા છે ત્યાં કાર્યકરોમાં ગૂંચવણ અને મનોબળમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભાજપ માટે આ પરિસ્થિતિ રાજકીય રીતે મજબૂતી લાવતી દેખાઈ રહી છે.

- Advertisement -

ચૂંટણીના આ મહત્વના સમયે કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર હવે સંગઠનને એકજૂટ રાખવાનો અને બાકી રહેલા કાર્યકરોમાં વિશ્વાસ જાળવવાનો બની ગયો છે. કારણ કે આ પ્રકારની ઘટનાઓ માત્ર એક-બે બેઠકો સુધી સીમિત નથી રહેતી, પરંતુ તેની અસર સમગ્ર ચૂંટણીના પરિણામો પર પડી શકે છે.

આનાથી ખતરનાક તો અમદાવાદમાં થયું. અહીંની વાસણા વિસ્તારની મહિલા ઉમેદવાર ફાલ્ગુની રાવળને કોંગ્રેસે ટિકિટ આપી. સાથે જ ફાલ્ગુનીને મેન્ડેટ પણ આપ્યું પણ આ નેતાએ ફોર્મ જ ના ભર્યું. સરખેજના કોંગ્રેસ ઉમેદવાર ભરત ભરવાડે ફોર્મ ભરીને પાછું ખેંચ્યું. હજુ તો ફોર્મ પાછા ખેંચવાના કે ફોર્મ રિજેક્ટ થવાના પણ બાકી છે. આ પ્રક્રિયામાં પણ ઘણાની બાદબાકી થાય તો પછી કોંગ્રેસ માટે વધારે નુકસાન થાય તેમ છે.

આ સમગ્ર ઘટનાક્રમે સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માત્ર મતદારોનો જ નહીં, પરંતુ પક્ષની અંદરની એકતા અને ટિકિટ વહેંચણીની નીતિ પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular