નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: ગીર સોમનાથના ઉનામાં રામનવમી (Ramnavmi)ના દિવસે યોજાયેલ જાહેરસભામાં કાજલ હિન્દૂસ્તાની (Kajal Hindustani)એ આપેલા ભાષણ બાદ વિવાદ સર્જાયો હતો. કાજલ હીન્દૂસ્તાનીએ ઉનામાં મુસ્લિમો વિરૂધ્ધ ઝેર ઓકતા મુસ્લિમ સમુદાયમાં નારાજગી જોવા મળી હતી. જેના પગલે ગતરોજ શુક્રવારે મુસ્લિમ બિરાદરો દ્વારા કાયદેસરની કાર્યવાહીની માગણી કરતી રેલી કાઢવામાં આવી હતી. પરંતુ આજરોજ પોલીસની દરમિયાનગીરીથી મળેલી શાંતિ સમિતિની બેઠકમાં હિન્દૂ-મુસ્લિમ (Hindu-Muslim) જૂથે એકબીજા સાથે સુખદ સમાધાન કરતા મામલો શાંત થયો હતો. પરંતુ સાંજ થતા જ ઉના (Una)માં ફરી તંગદિલીનો માહોલ સર્જાતા પોલીસ કાફલો દોડતો થયો હતો.
મળતી વિગતો અનુસાર કાજલ હિન્દૂસ્તાનીના ઝેરી ભાષણને પગલે ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ભારેલા અગ્નિની સ્થિતી જોવા મળી રહી છે. ગતરોજ મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકોએ રેલી કાઢી કાજલ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી. બાદમાં લેખિત ફરિયાદ આપી કાજલ વિરૂધ્ધ ગુનો નોંધવા રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન આજરોજ શનિવારે પોલીસે મધ્યસ્થી કરી બંને પક્ષોની સુલેહ કરાવવામાં આવી હતી. પોલીસે શાંતિ સમિતિની બેઠક બોલાવી બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન કરાવતા હિન્દૂ-મુસ્લિમ આગેવાનોએ ગળેમળી સમાધાન કર્યા હતા અને શાંતિની અપીલ કરી હતી. પરંતુ આ અપીલની અસર સાંજ થતા જ હવામાં ઓગળી ગઈ હોય તેવી સ્થિતી સર્જાય છે.
રમઝાન અને રામનવમીના તહેવારને યુધ્ધમાં બદલ્યા, ભડકાઉ ભાષણના મળવા લાગ્યા છે પરિણામ
પ્રાપ્ત વિગતો અનુસાર ઉનાના કુંભારવાડા અને ભોંયવાડા વિસ્તારમાં છમકલા થયા હતા અને તેમાં સોડા બોટલ અને પથ્થરમારો પણ જોવા મળ્યો હતો. આ ઘટનાના સમાચાર મળતા જ ગીર સોમનાથ જિલ્લા પોલીસ તેમજ સ્થાનીક ઉના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. ઉનામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી સર્જાતા પોલીસે સમગ્ર શહેરમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દરેક હિલચાલ પર ચાંપતી નજર રાખવાની શરૂઆત કરી છે. સાથે જ સેન્સેટીવ કહેવાતા વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ અને કોમ્બિંગ પણ વધારી દીધું હોવાના અહેવાલ છે.
આ લખાય છે ત્યાં સુધી પોલીસે આ મામલે કોઈ આરોપીની ધરપકડ કરી હોવાના અહેવાલ નથી. સાથે જ ઉના પોલીસ સ્ટેશનના પી.આઈ. એન. કે. ગોસ્વામી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવતા તેમનો સંપર્ક થઈ શક્યો ન હોય વધુ કોઈ સત્તાવાર માહિતી મળી નથી.