નવજીવન ન્યૂઝ, ડેસ્ક : ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું ઘર્ષણ હજુ પણ યથાવત છે. એકબીજા સાથેની વાતચીત અને સમજૂતીના અનેક પ્રયાસો બાદ પણ કોઈ ઠોસ નિર્ણય બંને દેશોએ કર્યો નથી. ચીનની મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump’s visit to China) એક પછી એક ચોંકાવનારા નિર્ણય લઈ રહ્યાં છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ (US-Iran Tensions Escalate) ફરી એક વખત ગંભીર સ્થિતિમાં આવી ગયો તેવું લાગી રહ્યું છે. અમેરિકન સૈન્ય ઈરાન પર ફરી એક વખત મોટા હુમલા કરવાની તૈયારીમાં છે. વ્હાઈટ હાઉસ અને પેન્ટાગોનમાં અચાનક વધી ગયેલી હલચલના કારણે આર્મી મૂવમેન્ટની આશંકાઓ પ્રબળ બની છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર શુક્રવારે પ્રમુખ ટ્રમ્પે સુરક્ષા સલાહકારો અને ટોચના સૈન્ય અધિકારીઓ સાથે વ્હાઇટ હાઉસમાં અત્યંત મહત્ત્વની બેઠક યોજી હતી. આ હાઇ-લેવલ મીટિંગમાં ઉપપ્રમુખ જેડી વેન્સ, સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ, CIA ડાયરેક્ટર જોન રેટક્લિફ અને ચીફ ઓફ સ્ટાફ સુઝી વાઇલ્સ સહિતના દિગ્ગજ અધિકારીઓ હાજર રહ્યાં હતા. અમેરિકન સેનાના કેટલાંક જવાનોની મેમોરિયલ ડેની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને વિદેશોમાં તહેનાત અમેરિકી સૈન્ય મથકોને એલર્ટ કરાયા છે. ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે પ્રમુખ ટ્રમ્પે પોતાના તમામ ખાનગી કાર્યક્રમો રદ કરી દીધાં (Donald Trump cancels all private events) છે. ટ્ર્મ્પ ન્યૂ જર્સી જવાના હતા, પરંતુ અચાનક પ્લાન બદલીને વૉશિંગ્ટન પરત ફર્યા છે. એટલું જ નહીં, તેમણે પોતાના દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના લગ્નમાં જવાનો કાર્યક્રમ પણ કેન્સલ કર્યો છે.








