સરકારી તંત્ર કરતા અનઓર્ગેનાઈઝ્ડ દાણચોરીની ચેનલ વધુ મક્કમ અને વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જશે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): ચાંદીની આયાત નિયંત્રિત કર્યાનો અર્થ એ નથી કે ભારતમાં આયાત થતી ચાંદીના દરવાજા સાવ બંધ કરી દીધા. પુરવઠા પર કોઈ નિયંત્રણ નથી, જવેલરોએ તેમનો પુરવઠો બુલિયન એકસચેન્જમાંથી, આયાતકારોએ ડીજીએફટી અને રીઝર્વ બેન્ક જેવી નોમિનેટેડ એજન્સી પાસેથી સત્તાવાર પરવાનગી મેળવી ચાંદી આયાત કરવાની રહેશે. આ ઘટનાનું પ્રતિબિંબ સ્થાનિક બજારમાં પ્રીમીયમથી પડવું જોઈતું હતું, પણ આવું કાઈ નાં થયું. મંગળવારે ઝવેરી બજારમાં ચાંદીના જીએસટી સાથેના હાજર ભાવ પ્રતિ કિલો રૂ. ૨.૭૬ લાખ જ્યારે વગર બીલમાં રૂ. ૧૧૦૦૦ના ડિસ્કાઉન્ટથી રૂ. ૨.૬૫ લાખ બોલાઈ રહ્યા હતા. આવું કેમ? ઓલ ઇન્ડીયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સીલ (જીજેસી)ના ભૂતપૂર્વ પ્રમુખ અશોક મીનાવાલા કહે છે કે ઘોડો નાશી ગયા પછી તબેલાને તાળું મારવાનો ઘાટ છે. સરકારને વર્ષોથી ખ્યાલ છે કે સરકારી તંત્ર કરતા અનઓર્ગેનાઈઝ્ડ (બિનસત્તાવાર દાણચોરી) ચેનલ વધુ મક્કમ અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી છે. ચાંદીનાં આયાત પ્રતિબંધ પછીથી તુંરત મોટા જથ્થામાં ચાંદી બજારમાં ઠલવાઈ રહી છે. આ માલ એકાએક ક્યાંથી આવ્યો? એવો વળતો સવાલ તેમણે કર્યો હતો. બસ આ જ કારણ છે પ્રતિબંધ પછી બોલાવા જોઈતા પ્રીમિયમને બદલે ડિસ્કાઉન્ટથી ભાવ માંડણી થઇ. જેમની પાસે નીચા ભાવનો સ્ટોક પડ્યો છે, તેમણે વધુ નફાની ગણતરી શરુ કરી દીધી છે.
મેસર્સ મેઘાજી વાનેચંદનાં અનીલ સંઘવીએ કહ્યું કે હવે એમસીએકસ અને લંડન બુલિયન મર્ચન્ટ એસોસિયેશન વચ્ચેના ભાવ તફાવતને ધ્યાનમાં રાખીને ધંધો કરવાનો રહેશે. રોકાણકારોએ વિદેશના અને સ્થાનિક ભાવ વચ્ચેના તફાવતને વત્તાઓછા ભાવની ગણતરીને ધ્યાનમાં લેવાની રહેશે. ભારતીય નાગરીકોએ એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે આપણે વિશ્વના મોટા આયાતકાર છીએ, પણ બેન્ચમાર્ક ભાવ નિર્ધારણમાં આપણી કોઈ ભૂમિકા નથી. આયાત જકાતના પ્રતિબંધ પછી જાગતિક બજારમાં આ સમાચારને મોટાપાયે ડિસ્કાઉન્ટ કરી નાખવામાં આવ્યા હતા. ગત બુધવારે નાયમેકસ હાજર ચાંદી પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૮૯.૩૫ ડોલર હતી, તે આજે ૭૪.૧૦ ડોલરનાં ભાવ છપાયા હતા. એમસીએકસ પર તેજીવાળાઓએ તેમના લેણના પોટલા છોડી નાખતા, ચાંદી જુલાઈ વાયદો આજે કિલો દીઠ રૂ. ૨,૭૨,૬૮૯ સુધી ઘટ્યા બાદ રૂ. ૨,૭૩,૩૦૦ બોલાયો હતો.
એક અનામી આયાતકારે કહ્યું હતું કે આગામી દિવસોમાં ગ્રાહકોને ઊંચા ભાવ ચૂકવવા તૈયાર રહેવું પડશે. હાજર બજારનો આંતરપ્રવાહ બદલાઈ જવાના સંયોગ છે. જો ચાંદીને યુએઈ-ભારત કોમ્પ્રીહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશીપ એગ્રીમેન્ટ (સીઈપીએ), ટેરીફ રેટ ક્વોટા (ટીઆરકયુ) માર્ગે લાવવામાં આવશે તો માંગ આ ચેનલને અનુસરવાનું શરુ કરશે. આને લીધે દુબઈ અને હોંગકોંગની સ્થાનિક બજારમાં ચાલતા પ્રીમીયમ ફરીથી એડજસ્ટ થવા લાગશે. ટૂંકાગાળામાં આયાતકારો, રીફાઈનરો અને સિલ્વર ઈટીએફનાં ભાવ પણ આ રૂટને અનુકુળ થવા લાગશે. સરકારનો મૂળ આશય રિઝર્વ બેન્કની અનામતોને વિદેશ જતી અટકાવવાનો અને વિદેશી હૂંડિયામણ અનામત સ્થિરતાનો છે.
મીરાએ એસેટ્સના એનાલીસ્ટ કહે છે કે ઉંચી આયાત જકાત, ભારત અને જાગતિક બજારના બુલિયન ભાવનો ગાળો વધારશે. નવા નિયમ પ્રમાણે .૯૯૯ ટચની પ્યોર ચાંદી અને સેમી ઉત્પાદન સ્વરૂપે આયાત કરવી હશે તો સરકારની મંજુરી લેવી પડશે. ભારત તેની કુલ જરૂરિયાતની ૮૦ ટકા ચાંદીની આયાત કરે છે. ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષમાં ચાંદીની આયાત ગતવર્ષની ૪.૮ અબજ ડોલરથી વધીને ૧૨ અબજ ડોલરે પહોચી ગઈ હતી. વેપારી આંકડા કહે છે કે એપ્રિલ ૨૦૨૬મા આયાત, વર્ષાનું વર્ષ ૧૫૭ ટકા ૪૪૧૦ લાખ ડોલરની થઇ હતી.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૧૯-૦૫-૨૦૨૬








