નવજીવન ન્યૂઝ.ચેન્નાઈઃ તમિલનાડુના ચર્ચિત યુટ્યુબર અને પત્રકાર એ. શંકર ઉર્ફે ‘સવુક્કુ’ શંકર (A shankar savukku)ને મોટી રાહત મળી છે. શુક્રવારે તેમને સત્તાવાર રીતે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. નવી સરકાર દ્વારા અગાઉના શાસનકાળમાં જારી કરાયેલ અટકાયત આદેશ રદ કરવામાં આવતા તેમની મુક્તિ શક્ય બની હતી.
માહિતી મુજબ, અગાઉની સરકારના કાર્યકાળ દરમિયાન સવુક્કુ શંકર (A shankar savukku) સામે અનેક કેસ નોંધાયા હતા અને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. છેલ્લે 8 એપ્રિલે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર ડિસેમ્બર 2025માં મળેલી અંતરિમ મેડિકલ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
જેલમાંથી બહાર આવ્યા બાદ સવુક્કુ શંકરે આશા વ્યક્ત કરી હતી કે નવી સરકાર પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે અને રાજ્યના લોકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકશે. તેમણે પોતાની મુક્તિ બાદ મુખ્યમંત્રી તેમજ અદાલતનો આભાર વ્યક્ત કર્યો હતો.
19 મેના રોજ રાજ્ય સરકાર દ્વારા એક સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં સવુક્કુ શંકરને તાત્કાલિક મુક્ત કરવાની સૂચના આપવામાં આવી હતી. આ નિર્ણય રાજ્ય સલાહકાર બોર્ડ દ્વારા તમિલનાડુ પ્રિવેન્ટિવ ડિટેન્શન એક્ટની કલમ 10 હેઠળ અટકાયતના આધારની સમીક્ષા કર્યા બાદ લેવામાં આવ્યો હતો.
સલાહકાર બોર્ડે અટકાયત કરનાર એજન્સી દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોની તપાસ કરી હતી તેમજ સવુક્કુ શંકરની મૌખિક દલીલો પણ સાંભળી હતી. ત્યારબાદ બોર્ડે સર્વસંમતિથી નિર્ણય કર્યો હતો કે તેમની અટકાયત યથાવત રાખવા માટે પૂરતું યોગ્ય કારણ નથી. આ ભલામણ સ્વીકારીને રાજ્ય સરકારે તેમની મુક્તિનો આદેશ જારી કર્યો હતો.
એ. શંકર ઉર્ફે સવુક્કુ શંકર યુટ્યુબર અને પત્રકાર તરીકે જાણીતા છે. 8 એપ્રિલ 2026ના રોજ તેમની આંધ્ર પ્રદેશના ઓંગોલેથી ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે ચેન્નઈ લાવવામાં આવી રહ્યા હતા ત્યારે તેમણે પોલીસ એસ્કોર્ટ ટીમ પર પથ્થરમારો કર્યો હતો, જેના આધારે હત્યાના પ્રયાસ સંબંધિત કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
હવે રાજ્ય સરકારના નિર્ણય બાદ તેમને મોટી રાહત મળી છે અને તેમની મુક્તિ સાથે આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.








