નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના એક નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. પોતાના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ તેમણે આરએસએસ પર પણ નિશાન સાધ્યું હતું.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે દેશ આર્થિક સંકટ તરફ આગળ વધી રહ્યો છે અને આવનારા સમયમાં સામાન્ય જનતાને તેની ગંભીર અસર ભોગવવી પડી શકે છે. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને અમેરિકા-ઈરાન વચ્ચેના સંઘર્ષના કારણે વૈશ્વિક વેપાર પ્રભાવિત થઈ શકે છે. હોર્મુઝ જળમાર્ગ પર અસર પડવાથી તેલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં વિક્ષેપ આવી શકે છે, જેના કારણે મોંઘવારી વધવાની શક્યતા છે.
કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે સરકાર સામાન્ય લોકોની સમસ્યાઓથી દૂર છે અને આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને આરએસએસની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા હતા.
રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપે તીખી પ્રતિક્રિયા આપી છે. ભાજપ પ્રવક્તા પ્રદીપ ભંડારીએ આકરા શબ્દોમાં પ્રહાર કરતાં કહ્યું કે રાહુલ ગાંધીનું નિવેદન દેશવિરોધી માનસિકતા દર્શાવે છે. તેમણે કોંગ્રેસ નેતાને ‘અર્બન નક્સલી’ કહીને નિશાન સાધ્યું હતું.
ભાજપના અન્ય પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ પણ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે તેઓ વારંવાર વિવાદિત નિવેદનો આપતા રહે છે અને તેનો રાજકીય ભોગ કોંગ્રેસને ચૂકવવો પડશે.
બીજી તરફ કોંગ્રેસ તરફથી પણ બચાવ આવ્યો છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ જણાવ્યું કે જો શાસક સામાન્ય લોકોની ચિંતા કરવાનું છોડે તો તેના પર સવાલ ઉઠાવવું સ્વાભાવિક છે. રાહુલ ગાંધીના નિવેદન બાદ હવે રાજકીય ટકરાવ વધુ તેજ બન્યો છે.








