Thursday, April 18, 2024
HomeInternationalઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો આ ખેલાડી ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ખુલીને બોલી રહ્યો છે…..

ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો આ ખેલાડી ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ખુલીને બોલી રહ્યો છે…..

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ઑસ્ટ્રેલિયા-ભારતની ટેસ્ટસિરીઝ આજથી શરૂ થઈ રહી છે. આ સિરીઝમાં ઉસ્માન ખ્વાજા (Usman Khawaja) ઑસ્ટ્રેલિયન ટીમનો મહત્ત્વનો ખેલાડી છે. ઑસ્ટ્રેલિયન ટીમમાં(Australia Cricket Team)અત્યાર સુધી અનેક વખત ઇન-આઉટ રહેનારો આ ખેલાડી કારકિર્દીના આખરી તબક્કામાં ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરી શક્યો છે. તે હવે 36નો થઈ ચૂક્યો છે. હાલમાં તેને શૅન વોર્નના નામથી આરંભાયેલા ‘ટેસ્ટ પ્લેયર ઑફ ધ ઍવોર્ડ’થી સન્માનવામાં આવ્યો. છેલ્લા તેર વર્ષથી ઑસ્ટ્રેલિયાની ટેસ્ટ ક્રિકેટ ટીમનો સભ્ય હોવા છતાં તેના નામે 56 ટેસ્ટ મેચ છે. તેની બેટિંગ એવરેજ 47.83ની છે. ઉસ્માનના નામે 13 સદી અને 19 અડધી સદી છે. આવું પર્ફોમન્સ હોવા છતાં તેનું ટીમમાં કાયમી સ્થાન બન્યું નહોતું. 2022માં તેણે ત્રણ સદી ફટકારી અને આ વર્ષના શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામે એક સદી ફટકારી ત્યારે કંઈ હવે ઑસ્ટ્રેલિયામાં તેના નામની ચર્ચા થઈ રહી છે. પણ આ લાંબી સફર દરમિયાન ઉસ્માન ખ્વાજા કેટલીક એવી પીડામાંથી પસાર થયો કે તે વિશે લાંબા સમય સુધી બોલવાનું પણ પોસાય એમ નહોતું; હવે તે ખુલીને બોલી રહ્યો છે. પોતાના રંગ-ધર્મના કારણે ક્રિકેટ પડેલી મુશ્કેલીઓ વિશે ઉસ્માનના જીવન વિશે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં શ્રીરામ વીરાએ વિગતવાર લખ્યું છે.

Australian cricketer Usman Khawaja
Australian cricketer Usman Khawaja

ઉસ્માન ખ્વાજા ઑસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો પ્રથમ મુસ્લિમધર્મી સભ્ય છે. મૂળે તે પાકિસ્તાની છે અને તેના માતા-પિતાનું ઘણું ખરું જીવન પાકિસ્તાનમાં વીત્યું છે. ઉસ્માન ચાર વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ઑસ્ટ્રેલિયામાં સ્થળાંતરિત થયો. 2010માં ઉસ્માન ખ્વાજાની પ્રથમ વાર ઑસ્ટ્રલિયન ટીમમાં નામ આવ્યું ત્યારે ઘણાં અખબારોએ ‘ઑસ્ટ્રેલિયા નેમ ફર્સ્ટ મુસ્લિમ પ્લૅયર ઇન ટેસ્ટ સ્ક્વૉડ’ હેડલાઈન કરી હતી. પરંતુ તે વખતે ઉસ્માનને આ વાત ખૂંચી હતી. તે જન્મે પાકિસ્તાની અને ધર્મે મુસ્લિમ હોવા છતાં તેણે જ્યારે ક્રિકેટ શરૂ કર્યું ત્યારે તેણે સભાનતાપૂર્વક ઑસ્ટ્રેલિયા તરફથી રમવાનું પસંદ કર્યું હતું. ઑસ્ટ્રેલિયાને સપોર્ટ કરવો અને ઑસ્ટ્રેલિયા જીતે ત્યારે ખુશી મનાવવી ઉસ્માન માટે સહજ હતું, પરંતુ તેમ છતાં ઉસ્માનની ઓળખ જડબેસલાક રીતે સર્વત્ર તેના નામ-ધર્મથી અપાતી રહી. અને જ્યારે તે નાની વયે ઑસ્ટ્રેલિયા આવ્યો ત્યારે તેને ‘કરી મન્ચર’ કહીને બોલાવવામાં આવતો. ભારતીય ઉપમહાદ્વિપથી આવનારાં લોકોની પટ્ટી ઊતારવા માટે પશ્ચિમી દેશોમાં ‘કરી મન્ચર’ શબ્દ બોલાય છે. ઉસ્માન અને તેનાં જેવાં અનેક એશિયાઈ લોકોને તેનાથી માઠુંય લાગતું, પણ તેનો ઉકેલ કોઈની પાસે નહોતો. મૂંગે મોઢે પોતાનું કામ કરવામાં સૌ મુનાસિબ માનતા. ઉસ્માને પણ તેમ જ કર્યું. તેના ગાઇડ રહેલા બિલ એન્ડરસન આજે પણ પંદર વર્ષના શરમાળ ઉસ્માનને યાદ કરતાં કહે છે કે “ત્યારે તે આંખોમાં આંખ મિલાવીને વાત સુધ્ધા નહોતો કરી શકતો.”

- Advertisement -
Player Usman Khawaja
Cricketer Usman Khawaja

ઉસ્માન સાથે જડાયેલી ઓળખથી નિર્માયેલી સ્થિતિથી તે સારી રીતે પરિચિત હતો, તેમ છતાં તેનામાં ઑસ્ટ્રેલિયનપણું પણ ઊડીને આંખે વળગે એવું હતું. તે અન્ય ઑસ્ટ્રેલિયન બાળકોની જેમ કલાકો સુધી વિડિયો ગેમ રમતો, આસપાસના લોકો સાથે હળીમળીને કે ક્રિકેટ ટીમમાં રમતો હોય ત્યારે તેમની સાથે મસ્તી-ગમ્મત કરતો. ઑસ્ટ્રેલિયામાં કિશોર વયના બાળકો જે કરતાં તે બધું તેણે કર્યું, તે પણ ડ્રિંકને ટાળીને. ક્રિકેટમાં તે આ રીતે આગળ વધતો રહ્યો. પણ જ્યારે તેને એવિએશનની ડિગ્રી લઈને અને પાયલટ તરીકે ક્વૉલિફાઈડ થવાનું હતું ત્યારે તેણે પોતાનું ધ્યાન શિક્ષણ તરફ વાળ્યું. ક્રિકેટ છૂટ્યું. 2008માં કમબેક કર્યું અને ફરી તેનો ક્રિકેટનો ઑન-ઑફ ફિલ્ડનો સંઘર્ષ શરૂ થયો.

ઉસ્માનની કહાનીમાં ઑસ્ટ્રેલિયામાં રાષ્ટ્રભાવના જગાવવામાં ક્રિકેટની ભૂમિકાનેય જાણી લેવી જરૂરી છે; જેથી ખ્યાલ આવી શકે કે કેવી રીતે એક રમતે ઑસ્ટ્રેલિયાને રાષ્ટ્ર તરીકે નિર્માણ કર્યું. ઑસ્ટ્રેલિયામાં સોળમી-સત્તરમી સદીમાં યુરોપિયન અને અમેરિકનો આવીને વસ્યાં. તેમણે વિશાળ ઑસ્ટ્રેલિયા ખંડમાં જુદા જુદા સ્થળે કોલોની બનાવી. પછી તો પેઢી દર પેઢી ઑસ્ટ્રેલિયામાં વસીને તેઓ ત્યાંના જ બનીને રહ્યા. આ રીતે કોલોની નિર્માણને બે સદી હોવા છતાં ઑસ્ટ્રેલિયામાં રાષ્ટ્રભાવનાનો અભાવ ડોકાતો રહ્યો. ઑસ્ટ્રેલિયા નવુંસવું રાષ્ટ્ર હતું. અહીં કોઈ સામાજિક-સાંસ્કૃતિક કથાઓ નહોતી. અને છેક ઓગણીસમી સદીના અંતે ક્રિકેટથી રાષ્ટ્રનો માહોલ બનવાનો શરૂ થયો. ઇંગ્લૅન્ડ સામેની મેચોથી તે ભાવના મજબૂત થઈ. એવું કહેવાય છે કે ઑસ્ટ્રેલિયા પહેલાં ક્રિકેટથી એક થયું તે પછી રાજકીય રીતે. રાષ્ટ્રનિર્માણમાં ક્રિકેટની અદ્વિતિય ભૂમિકા હોવા છતાં ઑસ્ટ્રેલિયાનું ક્રિકેટ માળખું રૂઢીવાદી રહ્યું છે. આ વિશે ઑસ્ટ્રેલિયાના ઇતિહાસકાર પિટ કેશમેને લખ્યું પણ છે કે ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર રહી ચૂકેલા લિઓનાર્ડો દુર્તાનોવિચે પોતાની અટક પાસ્કોએ કરવી પડી હતી! લિઓનાર્ડો મૂળે યુગોસ્લાવિયાનો હતો તે કારણે તેણે આમ કર્યું. આશ્ચર્યની વાત તો એ છે કે 1970-1980ના અરસામાં જ્યારે તે સ્થાનિક ક્રિકેટ રમતો ત્યારે તેને ઑસ્ટ્રેલિયાના જાણીતાં ક્રિકેટર ચેપલભાઈઓ હંમેશા તેના પર વંશીય ટિપ્પણી કરીને ચિડવતા.

કમનસીબે આવાં ઉદાહરણ આજેય મળે છે. હાલમાં જ પાકિસ્તાન મૂળના ફવાદ અહમદ ઑસ્ટ્રેલિયાની વન-ડે ટીમ તરફથી રમ્યો. આ મેચ રમતી વેળાએ ફવાદ અહમદે તેની ધાર્મિક આસ્થાના કારણે પોતાની જર્સી પર આલ્કોહોલના સ્પોન્સર્સનો લોગો ન લગાવ્યો. ત્યારે પણ ફવાદની ભાવના જાણ્યા વિના ઑસ્ટ્રેલિયાના જાણીતાં સ્પોર્ટ્સસ્ટાર ડોગ વોલ્ટર્સ કહ્યું હતું કે, “ટીમના બધાં સભ્યો પહેરે તેનો જો ફવાદ ઇનકાર કરે છે તો તેનું સ્થાન ટીમમાં ન હોવું જોઈએ. અને તેને રમવાનું વળતરેય ન મળવું જોઈએ.” આ પછી તુરંત રગ્બીના પૂર્વ ઑસ્ટ્રેલિયન ખેલાડી ડેવિડ કેમ્પેસેનું ટ્વિટ આવ્યું : “પાકિસ્તાનમાં જન્મેલા ફવાદ અહમદ, જો તને વીબી(વિક્ટોરીયા બીટર)નો યુનિફોર્મ પસંદ ન હોય તો ઑસ્ટ્રેલિયા તરફથી રમવાનું માંડી વાળ અને પાછો ઘરે જા.” આ પ્રકારની પૃષ્ઠભૂમિમાં ઉસ્માન મોટો થયો છે. જોકે આ સમયગાળો ઑસ્ટ્રેલિયા માટે પણ વિકસવાનો રહ્યો છે અને તેથી વંશીય મુદ્દો ધીરે ધીરે ઓઝલ થતો રહ્યો. પણ ઉસ્માન માટે બીજા પડકાર ઊભા હતા.

- Advertisement -

આ પડકાર હતો અવારનવાર ટીમમાંથી પડતો મૂકી દેવાનો. આવું ખુદ ઉસ્માનના કોચ રહેલાં બિલ એન્ડરસને એક મુલાકાતમાં કહ્યું છે. ઑસ્ટ્રેલિયા ટીમ એ બાબતે ખુબ રૂઢીવાદી રહી છે. અહીં નવાસવાને તક મળવી મુશ્કેલ હોય છે. જે ખેલાડીઓ યુવાનીમાં આ તક મેળવે છે, પછી ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ તેમના પર ભરોસો મૂકીને બેસી રહે છે. એ રીતે ઉસ્માન માટે ઑસ્ટ્રેલિયા ટીમમાં પ્રવેશવું કાઠું હતું. 2011માં જ્યારે રિકી પોન્ટિંગના અંગૂઠામાં ઇજા થઈ ત્યારે ઉસ્માનને માંડ ટીમમાં સ્થાન મળ્યું. આ તકને તેણે ઝડપીયે ખરાં, પરંતુ રિકી પોન્ટિંગ આવતાંવેંત ઉસ્માનને ફરી ટીમની બહારનો રસ્તો બતાવવામાં આવ્યો. કોઈ પણ સામાન્ય કારણસર ઉસ્માનને ડ્રોપ કરવાનો સિલસિલો અત્યાર સુધી ચાલતો રહ્યો.

યુવાન ખેલાડી તરીકે હંમેશા તમે પોતાની જાતને સાબિત કરવા અર્થે અવસરની શોધ કરતાં હોવ છો, પરંતુ ઉસ્માનને સાતત્યભરી તકો ન મળી. આ રીતે ડ્રોપ-ઇન થતો રહ્યો અને આ કારણે પછી તે આ સ્થિતિને મેનેજ કરતાં પણ શીખ્યો. આ વિશે તેના કોચ એન્ડરસન કહે છે કે, “આ કારણે ઉસ્માને ‘ફિલોસિફીકલ કામનેસ’ મેળવી. હું તેને કહેતો કે જીવનમાં સારીનરસી ક્ષણો આવતી રહેશે; પણ આપણે પોતાની જાત પર હંમેશા વિશ્વાસ રાખવાનો. અને કેટલીક બાબતો પર આપણો જરાસરખો અંકુશ નથી હોતો, ટીમ સિલેક્શન પણ તેમાંથી એક છે.” આ વાતની પ્રતિક્રિયા ઉસ્માન એ રીતે આપતો કે, “હું તે સમજું છું અને હું મારાં ક્રિકેટના સ્વપ્નને જીવંત રાખીશ.”

ઉસ્માનનાં આ સંઘર્ષ અને સફળતાએ તેને વધુ જવાબદાર નાગરિક બનાવ્યો છે અને તેથી તેણે ઑસ્ટ્રેલિયામાં સ્થળાંતરિત, વિસ્થાપિત, લઘુમતી લોકોને અને સામાજિક રીતે પછાત બાળકોને મદદ કરવા અર્થે ફાઉન્ડેશન શરૂ કર્યું છે. પોતાના સેવાકાર્યા સાથે ઇસ્લામ તેના માટે સૌથી અગત્યની બાબત છે અને તેનું એકેએક કાર્ય તે મુજબ નિર્માય છે. ઉસ્માન તેની સાડા ત્રણ દાયકાની જીવન સફરમાં હવે સાથી તરીકે ઑસ્ટ્રેલિયાનાં કૅથલીક પરિવારમાં જન્મેલી રચેલ મેકલેલનને પસંદ કરી છે. રચેલે ઇસ્લામધર્મ અંગિકાર કર્યો છે, પણ રચેલે ખુદે સ્વીકાર્યું છે કે તેમાં ઉસ્માનનું કોઈ દબાણ નહોતું. ઉસ્માનની આ કહાનીનો બૅન્ચમાર્ક તેને આ વર્ષે મળેલો ‘ટેસ્ટ પ્લેયર ઑફ ધ ઍવોર્ડ’ છે. પણ એક વાત ટાંકવી રહી કે દુનિયાની શ્રેષ્ઠ ટીમોમાંની એક અને વિકસિત કહેવાતો દેશ ઑસ્ટ્રેલિયા પણ ધર્મ-વંશના ભેદભાવથી મુક્ત નથી. તે વિશે થનારાં અપમાન-પીડાને ઉસ્માન જેવાં ત્યારે બોલી શકે છે જ્યારે તેઓ એક સ્થાને પહોંચ્યા હોય. બાકી આજે પણ અનેક ઉસ્માન ઑસ્ટ્રેલિયામાં આ પીડા ઝીલી રહ્યા હશે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular