Thursday, March 28, 2024
HomeGujaratAhmedabad‘તો દીકરીને મારી નંખાય, કૂવામાં નાંખી દેવાય !’, ટ્રોલ સેનાને રમેશ સવાણીએ...

‘તો દીકરીને મારી નંખાય, કૂવામાં નાંખી દેવાય !’, ટ્રોલ સેનાને રમેશ સવાણીએ કર્યા સણસણતા સવાલ

- Advertisement -

રમેશ સવાણી (પૂર્વ IPS),અમદાવાદ: નવજીવન ન્યૂઝે, 28 ફેબ્રુઆરી 2023ના રોજ, જૂનાગઢના (Junagadh) લોહાણા પરિવારની દીકરીએ મુસ્લિમ સાથે મેરેજ રજિસ્ટ્રેશન કરાવ્યું તે અંગે સમાચાર આપ્યા હતા. તેમાં બન્ને પરિવારની સંમતિ હતી; પરંતુ દીકરીના ભાઈને ફોન કરીને જ્ઞાતિબંધુએ કહેલ કે “દીકરીને મુસ્લિમ સાથે સૂવા દેવાય ? તો દીકરીને મારી નંખાય, કૂવામાં નાખી દેવાય !”

આ વીડિયો યુટ્યૂબ પર અપલોડ થતાં જ ટ્રોલ સેના ઉતરી પડી. નવજીવન ન્યૂઝ અને એન્કર તુષાર બસિયાને, મા-બહેન ઉદ્દેશીને અભદ્ર ભાષામાં ગાળો આપી. નવજીવન ન્યૂઝનું સ્ટેન્ડ હતું કે “પુખ્તવયની બે વ્યક્તિઓ પોતાની ઈચ્છાથી લગ્ન કરવા સ્વતંત્ર છે અને જ્યારે બન્ને તરફના પરિવાર લગ્ન માટે રાજી હોય તો તેમાં જ્ઞાતિ/જાતિનું ગૌરવ વચ્ચે લાવીને તેમને રોકી શકાય નહીં.” નવજીવન ન્યૂઝે બંધારણમાં આપેલ વ્યક્તિ સ્વાતંત્ર્યની વાત કરી હતી.

- Advertisement -

થોડાં મુદ્દાઓ :


૧) ‘તો દીકરીને મારી નંખાય, કૂવામાં નાખી દેવાય !’ આવું બોલનારની માનસિકતા કેટલી પિતૃસત્તાક હશે ? શું એક પુખ્ત વયની મહિલા કોઈ ચીજ છે ? તેને તમે કહો ત્યાં જ લગ્ન કરવાના ? તે પોતાની ઈચ્છા મુજબ લગ્ન ન કરી શકે ? કોઈ હિન્દુ યુવક, મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરે ત્યારે ‘દીકરાને મારી નંખાય, કૂવામાં નાંખી દેવાય’ એવું કોઈ કહે છે ?

૨) મુસ્લિમો પ્રત્યે આટલી નફરત રોપનાર સત્તાપક્ષના નેતાઓ છે; તેમની દીકરીઓએ મુસ્લિમ સાથે લગ્ન કરેલા છે; એ ભક્તો જાણતા નહીં હોય ?

૩)ટ્રોલ્સ એવા લોકો છે જે કોઈ ચોક્કસ વ્યક્તિ કે ચોક્કસ વર્ગના લોકોને નારાજ/દુ:ખી કરવા માટે ઇન્ટરનેટ પર અપમાનજનક સંદેશાઓ બનાવે છે અને ફેલાવે છે. ટ્રોલ સેના માટે મહિલા એક શરીરથી વિશેષ કંઈ નથી. તેથી આવા ટ્રોલની ઉપેક્ષા કરી શકાય નહીં.

- Advertisement -

૪) ટ્રોલિંગ સામાન્ય રીતે એજન્ડા આધારિત હોય છે; નકલી એકાઉન્ટ્સ અને ઉપનામ દ્વારા કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ સંખ્યાબળ દ્વારા ધમકી આપવાનો હોય છે કે અમે તર્કથી નહીં, સંખ્યાબળથી તમને દબાવી દઈશું ! એકાદ ટ્રોલની ઉપેક્ષા કરી શકાય, હજારો ટ્રોલની ઉપેક્ષા કઈ રીતે કરવી ? ટ્રોલ હિંસા અને યૌનહિંસાની ધમકી આપતા હોય છે. શું પોલીસ આ જાણતી નથી ?

૫) તમે વંચિતો/આદિવાસીઓ/ દલિતો/ લઘુમતીની તરફેણ કરો એટલે તમને વામપંથી/ લિબરલ/ સ્યુડો સેક્યુલર/ લિબ્રાંડૂ / અર્બન નક્સલ/ રાષ્ટ્રદ્રોહી/ પાકિસ્તાન-ચીનના દલાલ/ ISIના એજન્ટ/ આતંકવાદીઓના પે-રોલ ઉપરના અને જિહાદી ઠરાવી દે ! લોકપ્રિય લેખકો પણ આવા શબ્દપ્રયોગ કરી ટ્રોલનું કામ કરતા હોય છે.

૬) ટ્રોલ્સના લક્ષણોમાં આ બાબતો હોય છે : Psychopathy- મનોરોગ (સતત અસામાજિક વર્તણૂંક, આવેગ, સ્વાર્થ, કઠોર અને લાગણીહીન લક્ષણો અને પસ્તાવો), Machiavellianism મેકિયાવેલિયનિઝમ (ચાલાકી અને શોષણ, નૈતિકતાની ગેરહાજરી, ભાવનાત્મક ઉદાસીનતા અને ઉચ્ચ સ્તરનું સ્વ-હિત) Narcissism- નાર્સિસિઝમ (ભવ્યતા, ગૌરવ, અહંકાર અને સહાનુભૂતિનો અભાવ) Sadism-ઉદાસીનતા. (અન્ય લોકો માટે ક્રૂર અથવા અપમાનજનક વર્તણૂંક, અથવા સત્તા અને વર્ચસ્વનો દાવો કરવા અથવા આનંદ માટે ઈરાદાપૂર્વક શારીરિક, જાતીય અથવા માનસિક પીડા અથવા દુઃખ પહોંચાડે છે) ટ્રોલ મનોરોગી હોય છે.

- Advertisement -

૭) મા-બહેનને ઉદ્દેશીને ગાળો આપનાર વિકૃત હોય છે. તેઓ અભદ્ર ટિપ્પણીઓ અને જાતીય અપમાન કરે છે. કેટલાક તો બળાત્કારની ધમકીઓ સુધી જાય છે અને તેમાંથી વિકૃત આનંદ મેળવે છે. આવા ટ્રોલ્સની જો અવગણવામાં આવે તો, તેઓ ભવિષ્યમાં છેડતી કરનારાઓ અને બળાત્કારીઓમાં ફેરવાઈ શકે છે. જ્યાં સુધી નકલી એકાઉન્ટ્સ અને ઉપનામવાળા એકાઉન્ટ્સ પર રોક લગાવવાનાં નહીં આવે ત્યાં સુધી ટ્રોલિંગ અને ઓનલાઈન હેરેસમેન્ટ સંપૂર્ણપણે નાબૂદ થઈ શકશે નહીં. વપરાશકર્તાઓના ખાતાઓ તેમની ઓળખ સાથે જોડાયેલા હોવા જોઈએ. જેથી જાતીય ટ્રોલિંગના કિસ્સામાં ટ્રોલને સરળતાથી શોધી શકાય. ટ્રોલિંગ અને ઓનલાઈન હેરેસમેન્ટને સજાપાત્ર ગુનો બનાવવો જોઈએ. આવી પ્રવૃતિ સોશિયલ મીડિયામાં ખૂલ્લેઆમ થાય છતાં પોલીસ ચૂપ રહે તે શું સૂચવે છે ? સત્તાપક્ષની ટ્રોલ સેના સામે પોલીસે IPC/IT Act હેઠળ ગુનો દાખલ કર્યો હોય તેવો એકાદ કેસ પણ કેમ જોવા મળતો નથી ? શું સત્તાપક્ષ/ સરકાર આવી ગાળ-સંસ્કૃતિને/ અભદ્ર-ક્રિમિનલ વર્તણૂંકને પ્રમોટ કરે છે ?

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular