નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ધંધૂકામાં બાઈક ઑવરટેક કરવા જેવી બાબતને લઈને થયેલી બોલાચાલીમાં યુવાનની હત્યા (Murder in Dhandhuka) કરી દેવાતાં તોફાનોએ હાઇવે પરની દુકાનોમાં આગ લગાવી દીધી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને અમદાવાદ જિલ્લા એસપી ઓમપ્રકાશ જાટ (Om Prakash Jat) ખુદ ધંધૂકા ખાતે દોડી ગયા હતા અને મોટો પોલીસ કાફલો ખડકી દઈ મામલાને કાબૂમાં લઈ લીધો હતો. હત્યા અને ત્યારબાદ તોફાનીઓએ કરેલી તોડફોડ તથા આગચંપીના બનાવોના કેસની તપાસ માટે વિશેષ તપાસ પંચ (SIT) ની રચના કરવામાં આવી છે. રેન્જ આઈજી રાઘવેન્દ્ર વત્સે (Raghavendra Vats) ધંધૂકા એસડીપીઓ પી. એન. પ્રજાપતિની અધ્યક્ષતામાં એલસીબી પીઆઈ કરમટીયા, ધંધૂકા પીઆઈ વિહોલ અને એક પીએસઆઈને સીટમાં સમાવ્યા છે.
ધર્મેશ ગમારાની હત્યાના સમાચાર મળતાની સાથે ગ્રામ્ય એસપી મોટા પોલીસ કાફલા સાથે ધંધૂકા દોડી ગયા હતા. દરમિયાનમાં તોફાનીઓએ ધંધૂકા હાઈવે પરની દુકાનો સળગાવી દીધી હતી. સ્થાનિક હૉસ્પિટલ ખાતે એકઠાં થયેલા ભરવાડ સમાજના આગેવાનો સાથે ઓમપ્રકાશ જાટે વાતચીત કરી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અપીલ કરી હતી. સાથે સાથે એક વીડિયો પ્રસારિત કરી કાયદો હાથમાં લેનારા સામે કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ધંધૂકા ખાતે પોલીસ બંદોબસ્ત ખડકી દઈને સતત પેટ્રોલીંગ કરવાની સૂચના અપાઈ હતી. મૃતકની અંતિમવિધિ સમયે કોઈ છમકલુ ના થાય તે માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત રેન્જ આઈજીએ એસપીની ઉપસ્થિતિમાં પોલીસ અધિકારીઓ અને જવાનોને ઊંઘની પરવાહ કર્યા વિના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા આદેશ કર્યો હતો.








