નવજીવન ન્યૂઝ, જામનગર : જામનગર જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં આવેલી આરોગ્ય વિભાગની કચેરીમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ (Jamnagar Jilla Panchayat Building Fire) ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં કચેરીમાં રહેલા કૉમ્પ્યુટરો અને દસ્તાવેજો ખાખ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર ધસી જઈને આગ પર કાબૂ મેળવતા મોટી હોનારત ટળી છે.
આગની આ ઘટના વહેલી સવારે બની હતી. જિલ્લા પંચાયતના સિક્યુરિટી વિભાગના પૃથ્વીરાજસિંહ જાડેજાએ સવારે સાડા છએક વાગે કચેરીમાંથી ધૂમાડા નીકળતા જોયા તેમણે તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સદનસીબે વહેલી સવાર હોવાથી કચેરીમાં સ્ટાફ હાજર ન હતો અને તેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.
જામનગર ફાયર બ્રિગેડ ટીમ (Jamnagar Fire Brigade Team) ની સમયસૂચકતાને કારણે આગ આરોગ્ય વિભાગની ઓફિસ પૂરતી મર્યાદિત રહી હતી અને અન્ય સરકારી વિભાગોમાં પ્રસરતા અટકી હતી. આગમાં આરોગ્ય વિભાગની DPMU બ્રાંચમાં રાખવામાં આવેલા 10 કૉમ્પ્યુટર, 10 પ્રિન્ટર, કચેરીનું ફર્નિચર અને મહત્વના સરકારી રેકોર્ડ્સ બળીને રાખ થઈ ગયા છે. નુકસાનનો ચોક્કસ સર્વે કરવાની કામગીરી અધિકારીઓએ હાથ ધરી છે.








