નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં જ નહીં ઠેરઠેર ભાજપના નેતાઓને પબ્લીક ધરાઈને ભાંડી રહી છે. ચૂંટણી આવે ત્યારે હાથ જોડીને આવતા નેતાઓની સામે લોકોને આખા 5 વર્ષ હાથ જોડીને ધક્કા ખાવા પડતા જોઈ લોકો બગડ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં હાથીજણ વિસ્તારમાં એક વડીલ મહિલાએ ભાજપના નેતાઓનો ઉધડો લઈ નાખ્યો હતો. પણ ભાજપના નેતાઓનો ફાંકો તો આ વીડિયોમાં જુઓ, તેઓ વડીલ માજીને કહી દે છે કે તમારા બાપાની સોસાયટી છે? નહીં આવવાનું એટલે…. અમારું વાહન તો આવશે સોસાયટીની અંદર… મત ના આપવો હોત તો ના આપતા…
ભારતીય જનતા પાર્ટીના રામોલ હાથીજણ વોર્ડ વિસ્તારના ઉમેદવારોને ગેરત પૂરના રહીશો દ્વારા ઉગ્ર વિરોધની સાથે દારૂ પીને પ્રચાર કરવા આવ્યા છો તેવા આક્ષેપો પણ લગાવાયા હતા. આ વિસ્તારના રહીશો છેલ્લા ઘણા સમયથી ગટર પાણી અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓથી ના ઘણા પ્રશ્નો છે. રોડ રસ્તાઓની બિલકુલ સુવિધા નથી તેવા સતત લોકોએ આરોપ લગાવ્યો છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં આ લોકોને કોઈ સાંભળ્યું નથી. ત્યારે ચૂંટણી સમયે ખાસ કરીને વિસ્તારના ભાજપ નેતા મૌલિક પટેલનો વિરોધ કરવામાં આવ્યો હતો. મૌલિક પટેલ અને તેમની ટીમ જ્યારે આ વિસ્તારમાં મત માટે પહોંચ્યા ત્યાં એક વૃદ્ધ મહિલાએ ઉગ્ર નારાજગી દર્શાવી હતી. જે પછી અન્ય રહીશોએ પણ આ નેતાઓનો ઉધડો લઈ નાખ્યો હતો. પરંતુ લાજવાને બદલે ભાજપ ઉમેદવાર સાથે આવેલા સમર્થકો વડીલો પર ગરજવા લાગ્યા હતા. આ ઘટનાનો ત્યાંના એક સ્થાનિક દ્વારા વીડિયો પણ પોતાના મોબાઈલમાં કંડારી લેવાયો હતો. સોશ્યલ મીડિયામાં આ વીડિયો હાલ સતત જોવાઈ રહ્યો છે.
લોકો અને નેતાઓ વચ્ચે જબ્બરની ચકમક જામી ગઈ હતી. BJP નેતાઓએ મતદારોને સીધું મોંઢે ચોપડ્યું હતું કે, વોટ આપવો હોય તો આપો નહીં તો કાંઈ નહીં…. કામ બધું થવાનું છે કશું બાકી રહેવાનું નથી… કોઈ પીધેલું નથી તમે પી ગયા છો… ઈમાનદારીથી વાત કરીએ છીએ એટલે એવું નહીં સમજવાનું… લોકો પણ પછી ઘણા નારાજ થયા હતા. કે આ ભાઈ કહે છે કે મતો નહીં આપવાના ફરક નહીં પડવાનો. શું ખરેખર ફરક નથી પડવાનો? લોકોએ આકરા સવાલો કર્યા હતા અને ભારે નારાજગીનો માહોલ ઊભો થયો હતો. જોકે ઉમેદવારોએ માહોલ શાંત કરાવવાના પ્રયત્નો કર્યા હતા, પણ કાર્યકરોને અને લોકોને સામ સામા થતા અટકાવતા તેમને આંટા આવી ગયા હતા.
ભાજપ અગ્રણીઓએ લોકોને કહ્યું કે, પહેલા તમારી સોસાયટીઓમાં પાણી આવ્યું, પછી ગટરો આવશે. પછી વરસાદના પાણી ખાલી થશે અને એ પછી આરસીસીના પાક્કા રોડ આવશે. બધું કામ થશે કશું જ બાકી રહેવાનું નથી. આ મામલો પછી સામ સામો બનતો હતો ત્યાં ભારત માતા કી જય કરીને નેતાઓએ રવાનગી પકડી લીધી હતી.
અમદાવાદમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર મૌલિક પટેલને સ્થાનિકોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પ્રચાર માટે વિસ્તારમાં પહોંચેલા ઉમેદવાર અને તેમના કાર્યકર્તાઓ સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક રહેવાસીઓ, ખાસ કરીને મહિલાઓએ ઉમેદવારને ઘેરીને તીખા સવાલો પૂછ્યા હતા. અગાઉ કરેલા વાયદાઓ પૂર્ણ ન થયા હોવાના આક્ષેપો સાથે લોકોએ સ્પષ્ટ કહ્યું કે “જે રીતે આવ્યા છો, તે રીતે પાછા જાઓ.”
સ્થાનિકોનો આરોપ છે કે રસ્તા સહિતના મૂળભૂત પ્રશ્નોને લઈને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કામ કરવામાં આવ્યું નથી. જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જે બાદ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.








