નવજીવન ન્યૂઝ.રાજકોટઃ રાજકોટના જસદણ ખાતે આવેલા માધવી પુર ગામની ગ્રામપંચાયત નજીકમાં એક અંગત અદાવતને લઈને બે જુથો વચ્ચે મારામારી થઈ ગઈ હતી. હથિયારો સાથે આવી ચઢેલા બંને પક્ષોના લોકો વચ્ચે બનેલી આ હિંસાત્મક ઘટનામાં દસ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે જસદણ સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા છે.
ઘટના એવી છે કે માધવીપુર ગામના એક યુવક અને યુવતીએ ગામમાં જ 12 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હોવાની વિગતો સામે આવી છે. આ કારણે અહીં ઘણાઓના મનમાં તંગદીલી ઊભી થઈ હતી. જેની અદાવત અને નારાજગીના મૂળીયા ઘણા અંદર ઉતરી ચુક્યા હતા. બુધવારે સાંજે બંને પરિવારો વચ્ચે તિક્ષણ હથિયારો સાથે અથડામળ થઈ હતી. બંને પરિવારો 12 વર્ષ અગાઉની નારાજગીને લઈને 2 પરિવારના લોકો અથડાયા હતા જેમાં પરિવારના 3 સભ્યો સહિત કુલ 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે.
ઈજાગ્રસ્તોને સારવાર માટે જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહીં પણ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલો અને પ્રેમ લગ્ન કરનારા યુવકનું કહેવું છે કે, 12 વર્ષ પહેલા મેં ગામની જ એક છોકરી સાથે લગ્ન કર્યા હતા. હું જ્યારે ખેતરનું કામ કરી ઘરે આવતો હતો ત્યારે 15 જેટલા લોકોએ મારો રસ્તો રોક્યો અને મારા પર હુમલો કરી દીધો. આ મામલે મેં પોલીસને જાણ કરી હતી.








