નવજીવન ન્યૂઝ, અમદાવાદ : પશ્ચિમ અમદાવાદના વાડજ વિસ્તાર (Vadaj Ahmedabad) માં એક યુવકે હાથમાં છરો લઈને રોડ પરથી પસાર થતાં લોકોને ધમકાવતો વીડિયો સોશિયલ મીડિયા (Viral Video on Social Media) માં વાયરલ થયો છે. આ ઘટનાના પગલે અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) દોડતી થઈ ગઈ છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, આરોપી હાથમાં ધારદાર છરો લઈને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ધમકાવી રહ્યો છે. “અહીંથી કોઈએ પસાર થવું નહીં, ચિકનની દુકાન સિવાયની તમામ દુકાનો તાત્કાલિક બંધ કરી દો” તેમ કહીને લોકોને અજાણ્યો શખસ ધમકાવી રહ્યો છે.
વીડિયોમાં દેખાતા ટપોરી છાપ શખસે જાહેરમાં છરાની ધાર કાઢી પોલીસ અને BRTS તંત્રને બેફામ ગાળો આપી હતી. આ ઘટના સામે આવતા વાડજ પોલીસે (Vadaj Police) સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. આ ઉપરાંત વાડજમાં રામાપીરના ટેકરા પાસે આવેલા BRTS બસ સ્ટેન્ડ નજીકના વિસ્તારમાં લોકોની પૂછપરછ કરી અજાણ્યા શખસ સુધી પહોંચવા પ્રયાસ શરૂ કર્યા છે.








