નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ શહેર (Ahmedabad City) માં પરંપરાગત રીતે આગામી 16 જુલાઈના રોજ નીકળનારી 149મી રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ (Rath Yatra Countdown Start) થઈ ગયું છે. અખાત્રીજના પવિત્ર દિવસે જમાલપુર સ્થિત મંદિરમાં પરંપરાગત ‘ચંદનયાત્રા’ મહોત્સવ (Chandan Yatra Jagannath Temple) ની ઉજવણી સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથોનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે ભાવનગર શહેર (Bhavnagar City) ના સુભાષનગર મંદિર ખાતે ભગવાન જગન્નાથજીના રથનું વિધિવત પૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું છે.
અખાત્રીજ નિમિત્તે જગન્નાથ મંદિરની સામે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથોને વિવિધ રંગબેરંગી ફૂલોથી સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યા હતા. વિદ્વાન બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે રથોનું વિધિવત પૂજન કર્યું હતું. આ ધાર્મિક વિધિ સાથે જ આગામી રથયાત્રાની તૈયારીઓના શ્રીગણેશ થયા છે. ઉનાળાની અસહ્ય ગરમીથી ભગવાનને શીતળતા આપવા માટે દર વર્ષે અખાત્રીજથી ચંદનયાત્રાનો પ્રારંભ થાય છે. આ વિધિ હેઠળ ભગવાનના વિગ્રહ પર ચંદનનો લેપ કરવામાં આવે છે. આ પ્રસંગે મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તોની ભીડ અને સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.








